Columns

હું પણ કોઈને કામ લાગું છું

એક બસમાં એક મજૂર આખા દિવસની કાળી મજૂરી કરીને સાંજે ઘરે જવા માટે ચઢે.બસ ખાલી હોય તો તે કોઈ સીટ પર બેસે અને જેવી બસમાં બધી સીટ ભરાઈ જાય તો પોતે ઊભો થઈ જાય અને પોતાની સીટ બીજાને બેસવા આપી દે.તેનું પોતાનું ઉતરવાનું સ્ટોપ ઘણું દૂર હોવા છતાં તે પોતે ઊભો રહે અને આગળ જતાં કોઈ બીજા બસસ્ટોપ પર જો કોઈ સીટ ખાલી થાય તો પણ તે ન બેસે. આજુબાજુ જે કોઈ પણ ઊભું હોય તેને બેસવા માટે સીટ આપી દે.

આ રોજ જ આમ કરે. પોતાની સીટ બીજાને બેસવા આપે અને વળી પાછી કોઈ સીટ ખાલી થાય તો પણ પોતે ન બેસે. અન્યને બેસવા દે અને પોતે આખા દિવસની મજૂરીનો થાક હોવા છતાં હસતા મોઢે ઘર સુધી ઊભા ઊભા મુસાફરી કરે અને આ વાતનો તેના ચહેરા પર આનંદ છલકાય. એક દિવસ કંડકટરે પૂછ્યું, ‘ભાઈ, હું રોજ તને જોઉં છું, તું પોતે થોડી વાર બેસીને ગરદી થાય તો પોતાની સીટ બીજા મુસાફરોને આપે છે અને પછી પણ કોઈ સીટ ખાલી થાય તો તું બેસતો નથી. અન્યને બેસવા દે છે અને તે પણ હસતા મોઢે.શું તને આખા દિવસના કામનો થાક નથી લાગતો? તને એમ નથી થતું કે હું બેસીને ઘર સુધી જાઉં.’

મજૂરે કહ્યું, ‘હું કંઈ ભણેલો નથી.બહુ આવડત ધરાવતો નથી. હા, તનતોડ મજૂરી કરીને ખપ પૂરતું કમાઈ લઉં છું. મારી પાસે એટલા પૈસા નથી કે હું કોઈને મદદ કરી શકું.એટલે હું બીજાને મારી રીતે મદદરૂપ થવાની નાનકડી કોશિશ કરું છું.હું કોઈને સીટ બેસવા માટે આપું અને તેઓ મને હસીને થેન્કયુ કહે છે ત્યારે મારા મનમાં એમ થાય છે કે હું પણ કોઈને થોડો કામ લાગું છું અને એટલે મને આનંદ મળે છે.’ કંડકટરે કહ્યું, ‘ભાઈ, કોઈક વાર ઠીક છે, પણ તું તો રોજ ઊભા ઊભા મુસાફરી કરે છે અને પોતાની સીટ અન્યને બેસવા આપે છે.આવું કોઈ ન કરે. એમાં તને શું ફાયદો થાય એના કરતાં બેસીને ઘર સુધી જાય તો તારો અડધો થાક ઊતરી જાય.’

મજૂર બોલ્યો, ‘એ અડધો શું…આમ કરવાથી મારો તો બધો થાક ઊતરી જાય છે.આખો દિવસ કામ કર્યા બાદ પણ હું થોડો વધારે વખત ઊભો રહી શકું એવું મારું ખડતલ શરીર છે.એટલે હું બીજાને મારી સીટ આપી તેમને રાહત આપી કોઈ માટે મદદરૂપ થયાનો સંતોષ મેળવું છું.રોજ આમ કરવું મેં નિયમ બનાવ્યો છે કે હું આમ થોડો સમાજને કામ લાગું છું અને આ વિચાર મને આનંદ અને ખુશી આપે છે અને મારો બધો થાક ઉતારી નાખે છે.’ કંડકટર મજૂરના અંતરમનની જાહોજહાલી જોઈ રહ્યો.કોઈ માટે મદદરૂપ થવું હોય તો અંતરની ઈચ્છાશક્તિ જોઈએ, બીજું કશું જ નહિ.  
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top