Entertainment

હુમા હવે ‘મહારાણી’થી કમ નથી

આ વર્ષે જેણે પોતાની સ્થિતિ ખૂબ સુધારી હોય તો તે છે હુમા કુરેશી. જેણે પોતાની સ્થિતિ બગાડી હોય તેમાં કદાચ કંગના રણૌતનું નામ મુકવું જોઇએ. જો કે તે પોતાની સ્થિતિ બદલી શકે તેવી છે એટલે તે વિશે વધારે વાત ન કરીએ. હુમાની બદલાયેલી સ્થિતિના કારણમાં ફિલ્મો નથી બલ્કે ‘મહારાણી’ ટી.વી. શ્રેણી છે. તેણે તેની બન્ને સીઝન વડે જે અભિનય ક્ષમતા દાખવી છે તે અગાઉ જોવા નથી મળી. સારી ટી.વી. શ્રેણી અને વેબ સિરીઝ સ્ટાર્સને મદદ કરી શકે છે. ઘણીવાર એવું બને છે કે ફિલ્મોમાં ન ચાલતા કળાકારો આ માધ્યમ તરફ વળે છે.

હુમા વિશે પણ એવું કહી શકાય કારણ કે ‘ગંગુબાઇ કાઠિયાવાડી’માં તે કવ્વાલી ગાવા સુધી ઊતરી આવી હતી. ‘બેલબોટમ’, ‘આર્મી ઓફ ધ ડેડ’ ને, ‘કાલા’ પણ નિષ્ફળ રહી હતી. જો કે તે સાવધ થઇ ગયેલી એટલે ‘લીલા’ ટી.વી. શ્રેણી સ્વીકારી પછી ‘ફ્રીડમ’ અને ‘મિથ્યા’ માં પણ કામ કર્યું અને સમાંતર કારકિર્દી ઊભી કરી. પોતાને ફિલ્મોની જ સ્ટાર માનતી ઘણી અભિનેત્રી આવા સાહસ કરી શકતી નથી. ટી.વી. શ્રેણી વડે પોતાની ફિલ્મ -કારકિર્દી સુધારવા બાબતે હુમાનું ઉદાહરણ લઇ શકો. તેણે ‘મહારાણી’ માં  જે ટેલેન્ટ દેખાડી છે તે પછી ફિલ્મોમાં વધુ સારી ભૂમિકાઓ મળી જોઇએ.

જોકે એવું બનશે કે નહીં તે ખબર નથી કારણકે ફિલ્મોનું એક માળખું છે અને કંગના, તાપસીથી માંડી બીજી અભિનેત્રીઓ મહિલા કેન્દ્રી ફિલ્મોની બ્રાન્ડ બની ગઇ છે. હુમાએ એવું જ કરવાની જરૂર પણ નથી. તેની પાસે અત્યારે જે ચાર ફિલ્મ છે તે રજૂ થાય પછી ખ્યાલ આવશે કે તેનું બદલાયું સ્ટેટસ ફિલ્મ બાબતે કેવુંક છે. હા, ‘ડબલ એકસ’ માં તે સોનાક્ષી સાથે બે પ્લસ સાઇઝ સ્ત્રીની સમસ્યા હળવાશથી રજૂ કરતી જણાય છે. અત્યાર પહેલાં આવા વિષયની ફિલ્મો બની શકતી નહોતી અને પરદા પર જાડી દેખાવાનું  તો કારકિર્દી માટે નુકશાનકારક ગણાય.

હુમા અને સોૃનાક્ષી સાહસી બની ગઇ છે. ‘મોનિકા, ઓ માય ડાર્લિગ’ માં તે રાધિકા આપ્ટે, રાજકુમાર રાવ સાથે મર્ડર મિસ્ટ્રી ઊભી કરી રહી છે. આ ફિલ્મ તો આવતા મહિને ૧૧મીએ જ રજૂ થવાની છે. એટલે કે ચોથએ ‘ડબલ એકસ’ પછી તરત જ.ગમે તે કહો હુમામાં નવો આત્મવિશ્વાસ આવી ગયો છે એટલે આ બધા વિષયોવાળી ફિલ્મોમાં દેખાય રહી છે. હા, તેની ચારેચાર ફિલ્મોમાં બીજી હીરોઇનની હાજરી છે. ‘પૂજા મેરી જાન’ માં મૃણાલ ઠાકુર છે અને ‘ફીડમ’ માં મનીષા કોઇરાલા અને નસીરુદ્દીન શાહ છે. આ ઉપરાંત ‘તરલા’ની તરલા દલાલ તો છે જ. •

Most Popular

To Top