Entertainment

કોમેડી ન કરે તો અર્શદ માટે ટ્રેજેડી ઊભી થઇ જાય

કેટલાંક અભિનેતા એવા હોય છે જેમની કારકિર્દી તેમના વડે ફેમસ થયેલા એકાદ-બે પાત્રની ઓશીયાળી બની જતી હોય છે. અર્શદ વારસીને સરકીટનું પાત્ર આજે પણ કામ અપાવે છે. તેણે કોમેડીમાં જ સેટ થવું એવું તો નહોતું પણ હવે કોમેડી ન કરે તો ટ્રેજેડી થઇ જાય એવા હાલ છે. તે થોડું જુદું કરવા પ્રયત્ન કરે છે તો લોકો તેને એકદમ વધાવી લેતા નથી. લોકોનું તો જાણે સમજયા પણ ખુદ અર્શદ પણ હવે એ કુંડાળામાંથી બહાર નીકળવા માંગતો નથી. ચાલતી કમાણીને કોણ રોકે? પોતે સારો એકટર છે એવું દેખાડવાનું સાહસ બધા ન કરી શકે.

અર્શદે ૧૯૯૬ થી કારકિર્દી શરૂ કરેલી એ જોતાં ફિલ્મ જગતમાં તેને ૨૭ વર્ષ થઇ ગયા છે. લોકો માટે તે ‘મુન્નાભાઇ એમ.બી.બી.એસ.’ અને ‘લગે રહો મુન્નાભાઇ’નો સરકીટ છે. તેણે ત્યારપછી ‘હલચલ’, ‘મૈંને પ્યાર કયું કિયા?’ ‘સલામ નમસ્તે’, અનલિમીટેડ, ‘ધમાલ’, ‘ગોલમાલ’ સિરીઝની ફિલ્મો વચ્ચે ‘સેહર’, ‘કાબુલ એકસપ્રેસ’, ‘દેઢ ઇશ્કિયા’ વગેરેમાં જુદી ભૂમિકાઓ કરી પણ તે જાણી ગયો છે કે લોકો તેની પાસે કોમેડીની જ અપેક્ષા રાખે છે. બાકી ‘એન્થની કૌન હે’, ‘કાબુલ એકસપ્રેસ’ માં તેણે જુદી ભૂમિકા કરેલી.

‘હમ તુમ ઔર ઘોસ્ટ’ નામે ફિલ્મનું તો તેણે નિર્માણ પણ કરેલું. પરંતુ તેમાં એવો દાઝયો કે હવે એવું કરતો નથી. મારિયા ગોરેટ્ટીને પરણેલો અર્શદ એક દિકરા અને એક દિકરીનો પિતા છે. એ બંને ‘સલામ નમસ્તે’ માં દેખાયેલા ય ખરા. સ્કૂલ દિવસોમાં રાષ્ટ્રીય સ્તરનો જિમ્નાસ્ટિક રહેલો અર્શદ હવે ફિલ્મો સિવાય કશું નથી કરતો. અત્યારે તેની પાસે ‘જીવન ભીમા યોજના’, ‘ઇન દિવાર’, ‘બંદાસીંઘ’ જેવી ફિલ્મો છે. આ ત્રણે ફિલ્મોમાં તેની ભૂમિકા મહત્વની છે. ‘ઇન દિવાર’ માં તો તેની સાથે જુહી ચાવલા અને ગૌહર ખાન છે. •

Most Popular

To Top