Gujarat

કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ, રાજ્યના 7 જિલ્લામાં બે દિવસ ભારે પવન સાથે માવઠાની આગાહી

ગાંધીનગર: (Gandhinagar) ભર ઉનાળે રાજ્યમાં વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત (Gujarat) પર સક્રિય થયેલી ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમની અસર હેઠળ રાજ્યમાં આગામી 48 કલાક માટે માવઠાની સંભાવના રહેલી છે. જેમાં બનાસકાંઠા, ભરુચ, સુરત, કચ્છ, ભાવનગર, અમરેલી, દીવ, ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે. 48 કલાક માટે પ્રતિ કલાકના 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. છેલ્લા બે દિવસથી થઈ રહેલા માવઠાના કારણે રાજ્યમાં ખેડૂતોના કેરીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે.

રાજ્યમાં આજે ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમની અસર હેઠળ કચ્છના અંજારમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અંબાજી પંથકમાં ધીમી ધારે વરસાદ થયો હતો. અમદાવાદમાં પણ માવઠું થયું છે. પાટણ જિલ્લામાં વાતાવરણમાં પણ આજે અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારથી કાળઝાળ ગરમી બાદ વરસાદી માહોલ બન્યો છે. રાધનપુર, સાંતલપુર તાલુકામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ બનેલો જોવા મળ્યો હતો. બન્ને તાલુકામાં વરસાદી વાદળો ઘેરાયા છે. વારાહી, લખાપુરા, કમાલપુર, સાતુંન સહિત ગામોમાં પણ હળવો વરસાદ થયો હતો. કચ્છના અંજારમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબકતાં આખું શહેર પાણી પાણી થયું હતું. ભરઉનાળે ગાજવીજ સાથે વરસાદથી રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતાં લોકો અચંબામાં મુકાયા હતા. દ્વારકાના ભાણવડમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકો મુજબ, રાજ્યમાં આગામી 48 કલાકમાં ગરમીના પ્રમાણમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. તે પછી રાજ્યમાં 2થી4 ડિગ્રી જેટલો ગરમીમાં વધારો થવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર – કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ તથા ભેજવાળી હવાના કારણે વાતાવરણ બેચેનીભર્યું લાગશે. આજે દિવસ દરમ્યાન રાજ્યમાં ગરમીના પ્રમાણમાં 2 ડિગ્રીનો ઘટાડો થયો હતો. વલ્લભ વિદ્યાનગરમાં આજે 40 ડિગ્રી ગરમી નોંધાઈ છે.

અમદાવાદના એરપોર્ટ કેમ્પસ સ્થિત હવામાન વિભાગના સત્તાવાર સૂત્રો મુજબ આજે અમદાવાદમાં 38 ડિ.સે., ડીસામાં 37 ડિ.સે., ગાંધીનગરમાં 37 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 40 ડિ.સે., વડોદરામાં 38 ડિ.સે., સુરતમાં 33 ડિ.સે., વલસાડમાં 34 ડિ.સે., ભૂજમાં 38 ડિ.સે., નલિયામાં 34 ડિ.સે., કંડલા પોર્ટ પર 34 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 37 ડિ.સે., ભાવનગરમાં 36 ડિ.સે., રાજકોટમાં 39 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 39 ડિ.સે., મહુવામાં 35 અને કેશોદમાં 35 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયું હતું.

Most Popular

To Top