Columns

પેન્સિલથી પેનની શરૂઆત

આજે સાતમા ધોરણમાં ભણતી મિયા સ્કુલમાંથી દોડતી ઘરે આવી અને મમ્મીને કહેવા લાગી, ‘મમ્મી મને નવી પેન અપાવજે.કાલે સ્કૂલમાં ટીચરે મંગાવી છે.’ મમ્મીએ કહ્યું, ‘ભલે, પપ્પાને ફોન કરીને કહું છું, પણ પેન શું કામ લઇ જવાની છે.’ નવી પેનથી લખવા મળશે ના ઉત્સાહથી થનગનતી મિયાએ કહ્યું, ‘મમ્મી, આવતા વર્ષથી આઠમા ધોરણમાં અમારે પેનથી જ બધું લખવાનું છે એટલે આગોતરી તૈયારી રૂપે ટીચરે કહ્યું છે કે હવે છેલ્લો એક મહિનો તમે બધા પેનથી લખવાનું શરૂ કરો.’ સાંજે મિયાના પપ્પા આવ્યા.

એક નહિ, દસ પેનનો સેટ લાવ્યા હતા અને સાથે નવાં પેન્સિલ રબર પણ.પપ્પાને જોઇને મિયાએ તરત પૂછ્યું, ‘પપ્પા પેન લાવ્યા?’  પપ્પાએ કહ્યું, ‘હા,’ મિયાએ પેન લેવા હાથ લાંબો કર્યો અને ત્યાં જ મમ્મી ચાનો કપ લઈને આવી. પપ્પાએ કહ્યું, ‘ચા પી લઉં, પછી આપું છું.’ મિયા પાસે બીજો કોઈ રસ્તો ન હતો. તે પપ્પા જલ્દી ચા પૂરી કરે તેની રાહ જોવા લાગી.ચા પીધા પછી પપ્પાએ કહ્યું, ‘મિયા, મમ્મીને બોલાવ, પછી તારી પેન બતાવું.’ મિયા મમ્મીને બૂમ પાડતી બોલાવવા ગઈ.પાછી આવી તો જોયું..ટેબલ પર પપ્પાએ એક નહિ દસ પેન ગોઠવી હતી. સાથે નવાં પેન્સિલ રબર પણ હતાં.તે ખુશ થઇ ગઈ.પપ્પા બોલ્યા, ‘બેસ દીકરા, આ બધું જ તારા માટે લાવ્યો છું.

તું જીવનમાં પહેલી વાર પેનથી લખવાની શરૂઆત કરીશ એટલે આ બધું જ તારા માટે ગીફ્ટ અને સાથે સાથે તું મારી એક વાત પણ સમજી લેજે.ચલ તારી નોટબુક લઈ આવ.’ મિયા બુક લઈને આવી. પપ્પાએ નવી પેન્સિલ અને રબર આપી કહ્યું, ‘જો હવે આ બુકમાં તું એક વાક્ય પેન્સિલથી લખ.’ મિયાએ પેન્સિલથી એક વાક્ય લખ્યું.તેમાં કોઈ ભૂલ થઈ તો રબરથી ભૂંસી ફરી લખ્યું. હવે પપ્પાએ પેન આપી કહ્યું, ‘મિયા, આ લે નવી પેન અને તેનાથી લખ.’મિયાએ પેનથી લખ્યું.થોડું અલગ લાગ્યું.ભાર પણ થોડો વધારે હતો.આનંદ ..ઉત્સાહ પણ હતો. લખવામાં નાનકડી ભૂલ થઈ, પણ હવે ભૂંસવા માટે રબર ન હતું. તે અટકી ગઈ અને પપ્પા સામે જોવા લાગી.પપ્પાએ કહ્યું, ‘દીકરા વાંધો નહિ, પેનથી લખવામાં ભૂલ થાય તો તેને ભૂંસી શકાતી નથી, પણ છેકી શકાય છે.જો બે વસ્તુ સમજજે.

આ પેન્સિલ છોડી પેનથી લખવું એ માત્ર આનંદ અને મજાની વાત નથી ..એક જવાબદારી છે પેન્સિલથી લખેલું, કોઈ ભૂલ થાય તો રબરથી ભૂંસીને સુધારી શકાય  છે …જયારે પેનથી લખવામાં ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું પડે છે.એટલે જયારે પેન્સિલ પછી પેનની શરૂઆત થાય છે તો તું મોટી થાય છે અને તારી જવાબદારી વધે છે કે ભૂલ થવી જોઈએ નહિ.હવે ભૂલો કરીને ભૂંસવાનો મોકો નહિ મળે.ભૂલ થશે તો તે દેખાશે.છેકી શકાશે, પણ સાવ ભૂંસી નહિ શકાય.એટલે પેનથી લખવાની શરૂઆત તું એકદમ ધ્યાનથી કરજે.’ પપ્પાએ પેન સાથે સરસ સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top