ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) પાછલા ત્રણ દિવસથી મેધરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે આ મુશળધાર વરસાદના કારણે વધુ 25 લોકોના મોત નિપજ્યા હતા. આ સાથે છેલ્લા ત્રણ દિવસમાં મૃત્યુઆંક વધીને 35 થઈ ગયો છે. આમ છતા મેઘરાજા ઉઠમણા કરવા તૈયાર નથી અને આજે પણ રાજ્યમાં મેઘતાંડવ યથાવત્ રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં પાછલા ત્રભ દિવસથી ખાબકી રહેલા વરસાદને કારણે ઘણા શહેરોની સ્થિતિ વણસી છે. ત્યારે આ વણસેલી સ્થિતિમાં ફસાયેલા લોકોની મદદ માટે ભારતીય વાયુસેનાની પણ મદદ લેવામાં આવી રહી છે. જો કે હમણા સુધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 17,800 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો બીજી બાજુ ગુજરાતના 237 તાલુકાઓમાં મેઘરાજાની સટાસટી મચી ગઇ છે. દરમિયાન ભારે તારાજી પણ સર્જાઇ છે. જેમાં હિરાસર એરપોર્ટની વોલ તૂટી પડી હતી, તેમજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતો આખેઆખો રસ્તો ઉખડી ગયો હતો.
ગુજરાતમાં બચાવકાર્ય કાર્યરત
રાજ્યમાં મુશળધાર વરસાદને પગલે વહીવટીતંત્ર એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, ભારતીય વાયુસેના અને ભારતીય કોસ્ટ ગાર્ડની મદદથી રાહત અને બચાવ કામગીરી કરી રહ્યું છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી.
આ સાથે જ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ત્યારે ગઇકાલે ગુરુવારે પણ 11 જિલ્લામાં રેડ એલર્ટ અને 22 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતુ. દરમિયાન ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે મંગળવારે 15 લોકોના મોત થયા હતા, જ્યારે બુધવારે ચાર મૃત્યુ નોંધાયા હતા. તેમજ જિલ્લા કલેક્ટરે મોરબીમાં ચાર અને રાજકોટ જિલ્લામાં બે મૃત્યુ નોંધ્યા હતા. આ સાથે જ મંગળવારે દીવાલ ધરાશાયી થવાની ઘટનાઓમાં આણંદ જિલ્લાના ખડોધી ગામમાં ત્રણ, મહીસાગરના હરિપુરા ગામમાં બે, અમદાવાદના ઢીંગરા ગામ અને સાણંદમાં બે તેમજ ખેડાના ચિત્રાસર ગામમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
રાજ્યના મૃત્યુઆંકની માહિતી આપતા ગાંધીનગર ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે ભરૂચના પીલુદરા ગામ, જૂનાગઢના માંગરોળ ગામ, પંચમહાલના હાલોલ તેમજ અમદાવાદના ધોળકા તાલુકા અને અમદાવાદ શહેરના મણિનગરમાં એક-એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું જ્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં બે વ્યક્તિનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આમ, પાછલા ત્રણ દિવસોમાં આખા રાજ્યમાં કોઇક ને કોઇક કારણો સર કુલ 35 લોકોના મોત નિપજ્યા હતા.
રાહુલ ગાંધીએ ગુજરાતમાં પૂરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી
એક બાજુ રાજ્યમાં મેધમહેરથી જન જીવન અસ્તવ્યસ્ત થયું હતું તો બીજી બાજુ વન્ય પ્રાણીઓ પણ માનવીય વિસ્તારોમાં ભટકતા જોવા મળ્યા હતા. અસલમાં અમરેલીમાં બુધવારે ગુડ્સ ટ્રેનના લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવીને રેલવે ટ્રેક પર બેઠેલા પાંચ સિંહોના જીવ બચાવ્યા હતા. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં પૂરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારને કુદરતી આપદાની અસરને ઘટાડવા માટે તમામ જરૂરી પગલાં લેવા વિનંતી કરી હતી.