SURAT

દર્શના જરદોષ, પુર્ણેશ મોદી અને હર્ષ સંધવીએ પતંગના પેચ લડાવ્યા

સુરત: ગુજરાતમાં (Gujarat) મકરસંક્રાતિના તહેવારનું ખુબ મહત્વ છે. ગુજરાતીઓ મકરસંક્રાતિની ઉજવણી જોરોશોરોમાં કરતા હોય છે. જેમાં સુરતમાં (Surat) રહેતા ગુજરાત અને ભારત સરકારના મંત્રીઓ પણ બાકાત રહ્યા નથી. શહેરના તમામ ધારાસભ્યો, કોર્પોરેટરો, મંત્રીઓએ (Ministers) ધાબા પર પરિવાર અને મિત્રો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. તેઓએ અસલ સુરતી સ્ટાઈલમાં (Surti Style) ઉતરાયણની ઉજવણી કરી હતી. સુરતના રાંદેર ઝોન વિસ્તારમાં કેન્દ્રીય રેલ્વે મંત્રી દર્શના જરદોશે (Darshana Zardoshe) ઉતરાયણનો સંદેશો આપવા સાથે ઉતરાયણની ઉજવણી કરી હતી તેમની ઉજવણી વખતે સ્થાનિક ધારાસભ્ય અને પુર્વ કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદી (Purnesh Modi) પણ જોડાયા હતા. શહેરના ઘણા કાર્યકર્તાઓએ ભાજપ 156 ના લોગો સાથેની પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી વિધાનસભાની ભવ્ય જીતને વાગોળી હતી.

બે વર્ષ બાદ સુરતીઓએ રંગે ચંગે ઉતરાયણની ઊજવણી કરી
બે વર્ષ બાદ સુરતીઓએ રંગે ચંગે ઉતરાયણની ઊજવણી કરી હતી. કપાસ, કાગળ, લાકડી, ગમ-ગુંદર, રંગ સહિતના રો- મટિરિયલનાં ભાવો 20 થી 30 ટકા વધ્યાં હોવાથી પતંગ અને દોરીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. તેમ છતાં ઉત્સવ ઘેલા સુરતીઓ અને દક્ષિણ ગુજરાતનાં પતંગ રસિયાઓને લીધે 2023ની ઉત્તરાયણમાં કુલ 7 કરોડ જેટલો વેપાર રહ્યો હતો.
આ વર્ષે શનિવારે ઉત્તરાયણ અને રવિવારે રજા હોવાથી બે દિવસ અગાસીઓમાં ઉત્તરાયણનો માહોલ જોવા મળ્યો હતો. શનિવારે વહેલી સવારથી જ તળ સુરતનું આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાઈ ગયું હતું. શહેરનાં ધાબાઓ અને અગાસીઓ ‘એ કાયપો, એ લપેટ’ નાં અવાજોથી ગુંજી ઉઠયા હતાં. શનિવાર અને રવિવાર બે દિવસ સુરતનાં બજારોમાં રંગબેરંગી પતંગો છવાઈ રહ્યાં હતાં.

બે દિવસ અગાસીઓ – ધાબાઓ પર પાર્ટીઓનું આયોજન
2023ની ઉત્તરાયણ શનિવારે અને એ પછી રવિવારે રજાનો દિવસ હોવાથી ફરસાણની દુકાનો બહાર ઊંધિયું ખરીદવા કતારો લાગી હતી. સુરતીઓએ બે દિવસ અગાસીઓ – ધાબાઓ પર પાર્ટીઓનું આયોજન કરતાં કેટરિંગ સર્વિસવાળાઓને સારો વેપાર મળ્યો હતો. કેટરિંગ સર્વિસ દ્વારા ઊંધીયા સાથે 10, 30 અને 50 વ્યક્તિઓનાં પેકેજ આપવામાં આવ્યા હતાં. આ પેકેજમાં કેસર-ઈલાયચી મઠો, તુવેર વટાણાની કચોરી, ગાજરનો હલવો, પુરી, વેજ પુલાવ, કઢી, પાપડ, અથાણું,કચુંબર પીરસવામાં આવ્યું હતું. સુરત એપીએમસીનાં ડિરેક્ટર બાબુભાઇ શેખે જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પૂર્વેના 7 દિવસમાં 1814 ટન વટાણા,203 ટન પાપડી,735 ટન ગાજર, 59 ટન રતાળું, 65 ટન શક્કરીયા અને 675 ટન દેશી રિંગણનો વેપાર થયો હતો. ઉત્તરાયણને લીધે તુવેરના 20 કિલોનાં ભાવમાં 200 રૂપિયા, પાપડીમાં 500, વટાણામાં 160 રૂપિયા, ગાજરમાં 20 થી 40 રૂપિયા, દેશી રિંગણમાં 90 થી 100 રૂપિયા ભાવ વધી ગયા હતાં.

Most Popular

To Top