SURAT

પતંગ ઉડાડીને પરત ફરતા યુવાનની બાઇકને કારે અડફેટે લેતાં મોત

સુરત : સચિનમાં (Sachin) પતંગ ઉડાડીને પરત ફરતા યુવાનની બાઇકને (Bike) કારના (Car) ડ્રાઈવરે ટક્કર મારી હતી. તેના કારણે ઇજાગ્રસ્ત યુવાનનું મોત (Death) થયું હતું. પોલીસ (Police) સૂત્રોના જણાવ્યા અનુસાર સચિન વિસ્તારમાં સાંઈનાથ સોસાયટી પાસે સ્લમ બોર્ડમાં રહેતા ક્રિષ્માસિંગ નાગેશ્વર સિંગ (28 વર્ષ) શનિવારે મકરસંક્રાંતિના રોજ તેના દીકરાને લઈને પતંગ ઉડાડવા માટે ઓળખીતાના ઘરે ગયો હતો. ત્યાંથી તે એકલો પરત કોઈ કામથી બહાર નીકળ્યો હતો. રસ્તામાં કાર ડ્રાઈવરે તેમની બાઇકને ટક્કર મારતા ક્રિષ્માસિંગને ગંભીર ઇજા થઈ હતી. તેની પત્ની સુગંધાદેવી સંબંધીઓની સાથે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. ત્યાં સારવાર દરમિયાન ક્રિષ્માસિંગનું મોત નિપજ્યું હતું. ક્રિષ્માસિંગ પાવર લુમ્સના ખાતામાં નોકરી કરતો હતો.

  • શહેરનાં ધાબાઓ ‘એ કાયપો, એ લપેટ’નાં અવાજોથી ગુંજી ઉઠયા
  • આ વર્ષે શનિવારે ઉત્તરાયણ અને રવિવારે રજા હોવાથી
  • બે દિવસ અગાસીઓમાં ઉત્તરાયણનો માહોલ જોવા મળ્યો

ગળા કપાવાના, ધાબા પરથી પટકાવાના 100થી વધુ બનાવ
-ધાબા પરથી પડી જવાના 7 બનાવ
-રોડ અકસ્માતની 23 ઘટના
-ગળુ અને હાથ કપાવાના 20 કેસ
-108ને 70 કોલ્સ મળ્યા

શહેરનાં ધાબાઓ ‘એ કાયપો, એ લપેટ’નાં અવાજોથી ગુંજી ઉઠયા
સુરત: બે વર્ષ બાદ સુરતીઓએ રંગે ચંગે ઉતરાયણની ઊજવણી કરી હતી. કપાસ, કાગળ, લાકડી, ગમ-ગુંદર, રંગ સહિતના રો- મટિરિયલનાં ભાવો 20 થી 30 ટકા વધ્યાં હોવાથી પતંગ અને દોરીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. તેમ છતાં ઉત્સવ ઘેલા સુરતીઓ અને દક્ષિણ ગુજરાતનાં પતંગ રસિયાઓને લીધે 2023ની ઉત્તરાયણમાં કુલ 7 કરોડ જેટલો વેપાર રહ્યો હતો.
આ વર્ષે શનિવારે ઉત્તરાયણ અને રવિવારે રજા હોવાથી બે દિવસ અગાસીઓમાં ઉત્તરાયણનો માહોલ જોવા મળ્યો હતો. શનિવારે વહેલી સવારથી જ તળ સુરતનું આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાઈ ગયું હતું. શહેરનાં ધાબાઓ અને અગાસીઓ ‘એ કાયપો, એ લપેટ’ નાં અવાજોથી ગુંજી ઉઠયા હતાં. શનિવાર અને રવિવાર બે દિવસ સુરતનાં બજારોમાં રંગબેરંગી પતંગો છવાઈ રહ્યાં હતાં.

ઉત્તરાયણમાં સુરતીઓ લાખોનું ઊંધીયુ ઝાપટી ગયા
2023ની ઉત્તરાયણ શનિવારે અને એ પછી રવિવારે રજાનો દિવસ હોવાથી ફરસાણની દુકાનો બહાર ઊંધિયું ખરીદવા કતારો લાગી હતી. સુરતીઓએ બે દિવસ અગાસીઓ – ધાબાઓ પર પાર્ટીઓનું આયોજન કરતાં કેટરિંગ સર્વિસવાળાઓને સારો વેપાર મળ્યો હતો. કેટરિંગ સર્વિસ દ્વારા ઊંધીયા સાથે 10, 30 અને 50 વ્યક્તિઓનાં પેકેજ આપવામાં આવ્યા હતાં. આ પેકેજમાં કેસર-ઈલાયચી મઠો, તુવેર વટાણાની કચોરી, ગાજરનો હલવો, પુરી, વેજ પુલાવ, કઢી, પાપડ, અથાણું,કચુંબર પીરસવામાં આવ્યું હતું. સુરત એપીએમસીનાં ડિરેક્ટર બાબુભાઇ શેખે જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પૂર્વેના 7 દિવસમાં 1814 ટન વટાણા,203 ટન પાપડી,735 ટન ગાજર, 59 ટન રતાળું, 65 ટન શક્કરીયા અને 675 ટન દેશી રિંગણનો વેપાર થયો હતો. ઉત્તરાયણને લીધે તુવેરના 20 કિલોનાં ભાવમાં 200 રૂપિયા, પાપડીમાં 500, વટાણામાં 160 રૂપિયા, ગાજરમાં 20 થી 40 રૂપિયા, દેશી રિંગણમાં 90 થી 100 રૂપિયા ભાવ વધી ગયા હતાં.

Most Popular

To Top