Gujarat

ઇંધણ બચતનો સંદેશ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કુરુક્ષેત્રમાં સાઈકલ ચલાવી

ગાંધીનગર: ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે ઇંધણ બચત અને સ્વદેશી અપનાવવાના સંદેશ સાથે કુરુક્ષેત્રમાં અનોખી પહેલ કરી હતી. રાજ્યપાલએ ગુજરાતથી કુરુક્ષેત્ર સુધી ટ્રેનમાં મુસાફરી કર્યા બાદ કુરુક્ષેત્ર રેલવે સ્ટેશનથી ગુરુકુળ સુધી સાયકલ ચલાવી લોકોને ઇંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરિત કર્યા હતા.

રાજ્યપાલ આજે સવારે શતાબ્દી એક્સપ્રેસ દ્વારા કુરુક્ષેત્ર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં નાગરિકો અને ગુરુકુળ પરિવાર દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે રેલવે સ્ટેશનથી રેલવે રોડ, આર્ય સમાજ માર્કેટ, પેનોરમા ચોક અને બિરલા મંદિર માર્ગે સાયકલ યાત્રા કરી ગુરુકુળ પહોંચ્યા હતા. આ યાત્રામાં ઓ.એસ.ડી. ડૉ. રાજેન્દ્ર વિદ્યાલંકાર, ગૌરવ આર્ય, એસએઆઈના ખેલાડીઓ તેમજ આશરે 200 જેટલા સાયકલિસ્ટ જોડાયા હતા.

આ પ્રસંગે રાજ્યપાલએ જણાવ્યું હતું કે દેશના અર્થતંત્ર અને મુદ્રા સ્થિતિને મજબૂત બનાવવા દરેક નાગરિકે સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરવી જોઈએ. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે દેશવાસીઓએ ઇંધણ બચત અને આત્મનિર્ભરતાને જીવનશૈલી બનાવવી જરૂરી છે.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના ઇંધણ બચતના આહવાનને અનુસરીને તેમણે રાજ્યમાં આયોજિત કાર્યક્રમો માટે હવાઈ મુસાફરી અને હેલિકોપ્ટરનો ઉપયોગ બંધ કરી દીધો છે. સાથે જ પોતાના કાફલામાં ગાડીઓની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે.તેમણે વિદ્યાર્થીઓ અને યુવાનોને આ સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવાની અપીલ કરતા જણાવ્યું હતું કે દેશ હાલ તેલ સંકટ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે અને આવા સમયે ઇંધણ બચત રાષ્ટ્રસેવા સમાન છે.રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની તમામ રાજ્ય યુનિવર્સિટીઓને અઠવાડિયામાં એક દિવસ ‘નો વ્હીકલ ડે’ ઉજવવા અને જાહેર પરિવહન, સાયકલ અથવા ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ પ્રોત્સાહિત કરવા સૂચના આપવામાં આવી છે.
ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ દર અઠવાડિયે એક ગામની મુલાકાત લઈ સરકારી શાળામાં રાત્રિ રોકાણ કરે છે અને ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી, વ્યસનમુક્તિ, વૃક્ષારોપણ, સ્વચ્છતા તથા સંસ્કારયુક્ત શિક્ષણ માટે પ્રેરિત કરે છે.રાજ્યપાલે જણાવ્યું હતું કે કુરુક્ષેત્ર ગુરુકુળમાં છેલ્લા 10 વર્ષથી 200 એકરમાં સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. આ જ મોડલને ગુજરાતમાં અભિયાન સ્વરૂપે અમલમાં મૂકાતા આજે રાજ્યના અંદાજે 8.50 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે.તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરતા અનેક ખેડૂતો એકર દીઠ વાર્ષિક 5 થી 8 લાખ રૂપિયાની બચત કરી રહ્યા છે અને સાથે જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થયો છે.

Most Popular

To Top