Gujarat

સાસણગીરમાં આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની પ્રથમ પ્રિ-ઇવેન્ટ યોજાઈ, સિંહ સંરક્ષણના ગુજરાત મોડલને વૈશ્વિક મંચ મળશે

ગાંધીનગર

સાસણગીરમાં આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની પ્રથમ પ્રિ-ઇવેન્ટ અંતર્ગત સિંહ સંરક્ષણ કાર્યક્રમ યોજાયો હતો, જેને સીએમ ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો.સિંહ સંરક્ષણ વિષયક આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આગામી 1 અને 2 જૂન, 2026 દરમિયાન નવી દિલ્હીમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ સમિટ યોજાનાર છે. આ સમિટ પૂર્વે દેશના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ વિષયો આધારિત પ્રિ-ઇવેન્ટ યોજાઈ રહી છે. તેના ભાગરૂપે સાસણગીરમાં સિંહ સંરક્ષણ અંગેની પ્રથમ પ્રિ-ઇવેન્ટ યોજાઈ હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું હતું કે એશિયાટિક સિંહોના જતન, સંવર્ધન અને સંરક્ષણ માટે ગુજરાતમાં હાથ ધરાયેલા સફળ પ્રયાસોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકાસ ભી, વિરાસત ભી”ના મંત્રને સાકાર કરવામાં સફળતા મળી છે.તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદીએ ગીર અને સિંહ સંરક્ષણ માટે લીધેલા નિર્ણયો આજે સમગ્ર દેશમાં બિગ કેટ સંવર્ધન માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

મુખ્યમંત્રીએ કહયું હતું કે પર્યાવરણ સાથે લાગણી અને સ્થાનિક અર્થતંત્રને જોડવાનો અભિગમ ગુજરાતમાં સફળતાપૂર્વક અમલમાં આવ્યો છે. સિંહ સંરક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા અને વન વિભાગની સક્રિય કામગીરીના પરિણામે વર્ષ 1991માં 284 રહેલી સિંહોની સંખ્યા આજે વધીને આશરે 891 સુધી પહોંચી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા અઢી દાયકામાં સિંહોના વિચરણ વિસ્તારનો વ્યાપ ત્રણ જિલ્લાઓમાંથી વધીને 11 જિલ્લાઓ સુધી પહોંચ્યો છે. પોરબંદરના બરડા વિસ્તારમાં સિંહોની કુદરતી વસાહત વિકસતા બરડા અભયારણ્ય હવે એશિયાટિક સિંહોનું નવું રહેઠાણ બન્યું છે, જ્યાં હાલમાં 24 જેટલા સિંહો વસવાટ કરી રહ્યા છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ 2000 કરોડ રૂપિયાના ‘પ્રોજેક્ટ લાયન’ અંતર્ગત સિંહો માટે પ્રજનન કેન્દ્ર, સારવાર કેન્દ્રોના આધુનિકીકરણ, રેડિયો કોલર અને ડ્રોન સર્વેલન્સ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ ગીર વિસ્તારના સર્વાંગી વિકાસ સાથે સ્થાનિક લોકોના આર્થિક અને સામાજિક ઉત્થાનમાં પણ મદદરૂપ બનશે.

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રકૃતિ, પર્યાવરણ અને વન્યજીવન સંરક્ષણ માટે વિશ્વને નવું વિઝન આપી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં યોજાનારી સમિટમાં વિશ્વના અનેક દેશોના શાસકો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને સંરક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓ ભાગ લેશે.તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ બિલાડી કુળની સાત મુખ્ય પ્રજાતિઓ — વાઘ, સિંહ, દીપડો, હિમ દીપડો, ચિત્તો, જગુઆર અને પુમાના સંરક્ષણ માટે વૈશ્વિક સ્તરે કાર્યરત મંચ છે. આ સાતમાંથી પાંચ પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે, જે દેશ માટે ગૌરવની બાબત છે.

ભૂપેન્દ્ર યાદવે ગુજરાતના સિંહ સંરક્ષણ મોડલને સમગ્ર વિશ્વ માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિશ્વમાં જ્યાં આફ્રિકન સિંહોની સંખ્યા ઘટી રહી છે, ત્યાં ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં 32 ટકાનો વધારો નોંધાયો છે.
રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સિંહ અને દીપડા ઉપરાંત હવે રતનમહાલ વિસ્તારમાં વાઘની હાજરી પણ નોંધાઈ રહી છે. રાજ્યમાં વાઘનું કાયમી વસવાટ બને તે માટે વન વિભાગ દ્વારા સજ્જતા કરવામાં આવી રહી છે. સાથે જ ભવિષ્યમાં ચિત્તાને ગુજરાતમાં લાવવા માટે પણ આયોજન થઈ રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સના નિયામક એસ.પી. યાદવે વિડિયો પ્રસ્તુતિ દ્વારા વિશ્વના બિગ કેટ્સ અને તેમના સંરક્ષણ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન સાસણની વન્યજીવ સંવર્ધન સંબંધિત પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top