Gujarat

રાજકોટ, અમદાવાદ, ગાંધીનગરમાં 44 ડિગ્રી ગરમી સાથે લોકો ત્રાહિમામ

ગાંધીનગર: ગુજરાતમાં ઉનાળાએ હવે આકરો મિજાજ ધારણ કર્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં રાજ્યનું સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાતા ગરમીનો પ્રકોપ ચરમસીમાએ પહોંચ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અન્ય શહેરોમાં પણ ભારે ગરમીનો માહોલ રહ્યો હતો. કંડલા પોર્ટ અને કંડલા એરપોર્ટ પર 43 ડિ.સે., અમરેલીમાં 43 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 43 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 43 ડિ.સે., વડોદરામાં 42 ડિ.સે., અને ડીસામાં 42 ડિ.સે., તાપમાન નોંધાયું હતું. ભાવનગરમાં 41 ડિ.સે., ભૂજ અને કેશોદમાં 40 ડિ.સે., જ્યારે પોરબંદરમાં 39 ડિ.સે., તાપમાન રહ્યું હતું. બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં મહુવામાં 36 ડિ.સે., સુરતમાં 34 ડિ.સે., અને દમણમાં 35 ડિ.સે., તાપમાન નોંધાયું હતું.

છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વાતાવરણ શુષ્ક રહ્યું હતું. કચ્છ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં તીવ્ર હીટવેવની સ્થિતિ જોવા મળી હતી. જ્યારે રાજકોટ, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં પણ હીટવેવની અસર નોંધાઈ હતી.હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. જોકે ત્યારબાદના ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. તેમ છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ચાર દિવસ સુધી 40 ડિગ્રીથી વધુ તાપમાન યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે 15 અને 16 મે દરમિયાન ગરમ અને ભેજવાળા વાતાવરણની આગાહી પણ કરી છે. આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છ જિલ્લામાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.તે ઉપરાંત બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવ જિલ્લામાં યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં પણ હીટવેવની અસર જોવા મળી શકે છે.અમદાવાદ અને આસપાસના વિસ્તારો માટે હવામાન વિભાગે આગામી 15 મે સુધી આકાશ મુખ્યત્વે નિર્મેઘ રહેવાની આગાહી કરી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાનની હાલની પરિસ્થિતિ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન 16 મે આસપાસ દક્ષિણ બંગાળની ખાડી, અંદમાન સમુદ્ર અને અંદમાન-નિકોબાર દ્વીપસમૂહ તરફ આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે. સાથે જ ઉત્તર-પશ્ચિમ ભારતમાં 15 મે બાદ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે.

Most Popular

To Top