Gujarat

ગાંધીનગર સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની માંગ તેજ

ગાંધીનગર: ગુજરાતમાં વહીવટી તંત્રને વધુ આધુનિક, કાર્યક્ષમ અને પર્યાવરણલક્ષી બનાવવા માટે હવે સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ ઊઠી છે. ધી ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલને સંબોધીને લખાયેલા પત્રમાં સચિવાલયમાં હાઈબ્રિડ વર્કિંગ મોડલ અને ‘વર્ક ફ્રોમ હોમ’ પદ્ધતિ અમલમાં મૂકવા રજૂઆત કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા દેશને ‘આર્થિક આત્મરક્ષા’ અને ઈંધણ બચત માટે કરાયેલી અપીલનો ગુજરાતમાં વ્યાપક પડઘો પડ્યો છે.

રાજયપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડે સીએમ હર્ષ સંઘવી તથા અન્ય કેબિનેટ મંત્રીઓએ કોન્વોયમાં વાહનો ઘટાડી દીધા છે. પેટ્રોલ-ડીઝલ પર ઓછો ખર્ચ થાય તેવા પગલાં લીધા છે.
ફેડરેશનના પ્રમુખ કીર્તિ એલ. પટેલ અને મહામંત્રી હિરેન આર. પટેલ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પેટ્રોલ-ડીઝલના વપરાશમાં ઘટાડો કરવા અને વર્ચ્યુઅલ મિટિંગ્સને પ્રાથમિકતા આપવા કરાયેલી અપીલ રાષ્ટ્રહિતમાં મહત્ત્વપૂર્ણ અને દૂરંદેશી પગલું છે. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ અને વૈશ્વિક ઈંધણ સંકટને ધ્યાનમાં રાખીને હવે સરકારી તંત્રમાં પણ વૈકલ્પિક કાર્યપદ્ધતિ અપનાવવી જરૂરી બની હોવાનું ફેડરેશને જણાવ્યું છે.ફેડરેશને યાદ અપાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન ઈ-ઓફિસ અને ‘વર્ક ફ્રોમ હોમ’ વ્યવસ્થા સફળતાપૂર્વક અમલમાં આવી હતી. હાલમાં સચિવાલયમાં ઈ-સરકાર, કર્મયોગી અને આઈ.એફ.એમ.એસ. જેવી ડિજિટલ સિસ્ટમ્સ કાર્યરત હોવાથી હવે આ વ્યવસ્થાને કાયમી અને સુવ્યવસ્થિત રીતે અમલમાં મૂકી શકાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

ફેડરેશનની મુખ્ય માંગણીઓ
ફેડરેશન દ્વારા સરકાર સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ દરખાસ્તો રજૂ કરવામાં આવી છે:
શક્ય હોય તેવા વિભાગોમાં તબક્કાવાર ‘વર્ક ફ્રોમ હોમ’ અથવા ‘હાઈબ્રિડ વર્કિંગ મોડલ’ શરૂ કરવું
કેન્દ્ર સરકારના ધોરણે અઠવાડિયામાં 5 દિવસનું કામકાજ અમલમાં મૂકવું
રોટેશન આધારીત હાજરીની વ્યવસ્થા ઊભી કરવી જેથી કાર્યક્ષમતા જળવાઈ રહે
ફેડરેશનના મતે આ પગલાંથી માત્ર ઈંધણની જ બચત નહીં થાય, પરંતુ ટ્રાફિકની સમસ્યા અને પ્રદૂષણમાં ઘટાડો થશે. સાથે જ કિંમતી માનવ કલાકો બચશે અને ‘ગ્રીન ગવર્નન્સ’ના લક્ષ્યને પણ પ્રોત્સાહન મળશે.

કેબિનેટ બેઠકમાં થઈ શકે ચર્ચા
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલે યોજાનારી ગુજરાત કેબિનેટ બેઠકમાં આ મુદ્દે વિશેષ ચર્ચા થવાની શક્યતા છે. સરકાર હાલમાં બે મોડલ પર વિચારણા કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.પ્રથમ મોડલ હેઠળ પસંદગીના વિભાગોમાં કર્મચારીઓને સંપૂર્ણ રીતે ઘરે બેઠા કામ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. જ્યારે બીજા વિકલ્પ તરીકે રોટેશન આધારીત હાજરી પદ્ધતિ અમલમાં મૂકવાની ચર્ચા ચાલી રહી છે, જેથી ઓફિસોમાં ભીડ ઘટાડવા સાથે ઈંધણ બચતનો ઉદ્દેશ સિદ્ધ થઈ શકે.

કોરોના કાળ દરમિયાન મળેલા અનુભવને ધ્યાનમાં રાખીને સરકાર ફરી એકવાર ડિજિટલ કાર્યપદ્ધતિને પ્રોત્સાહન આપવાના મૂડમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઓનલાઈન સેવાઓ અને ડિજિટલ માધ્યમોના વધતા ઉપયોગને કારણે હવે અનેક સરકારી કામગીરી દૂરસ્થ રીતે પણ સરળતાથી સંભવ બની રહી છે. જો સરકાર આ પ્રસ્તાવને મંજૂરી આપે તો રાજ્યના હજારો સરકારી કર્મચારીઓને મોટી રાહત મળશે. સાથે જ ટ્રાફિક અને ઈંધણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. હવે સૌની નજર આવતીકાલે યોજાનારી ગુજરાત કેબિનેટ બેઠક પર ટકેલી છે, જ્યાં ‘વર્ક ફ્રોમ હોમ’ મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે.

Most Popular

To Top