Gujarat

બારડોલીમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ: જીવ બચાવવા બાલ્કનીમાંથી કૂદેલા વૃદ્ધનું મોત

બારડોલી: બારડોલીના તેન રોડ પર આવેલી એક રેસિડેન્સીમાં ગુરુવારે વહેલી પરોઢે ગેસ સિલિન્ડર ફાટવાની ભયાનક ઘટના સામે આવી છે. આગ અને બ્લાસ્ટથી બચવા માટે ફ્લેટની બાલ્કનીમાંથી નીચે કૂદેલા ૭૧ વર્ષીય વૃદ્ધનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે સભ્યનો આબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી અનુસાર તેન રોડ પર સ્થિત ‘રત્નકળશ રેસિડેન્સી’ નામના એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલા ફ્લેટ નં.૧૦૪માં આ દુર્ઘટના ઘટી હતી. ફ્લેટ માલિક ગિરીશભાઈ પટેલ અને તેમના પત્ની બહારગામ ગયાં હતાં. ઘરે તેમના બે પુત્રો અને સંબંધી અરુણભાઈ મંછાભાઈ મિસ્ત્રી (ઉં.વ.૭૧) હાજર હતા. વહેલી પરોઢે આશરે ૩:૪૫ વાગ્યાના સુમારે રસોડામાં ગેસ લીકેજને કારણે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટ્યો હતો. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આખું ઘર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતુ.

ઘરમાં સૂતેલા અરુણભાઈ મિસ્ત્રી અચાનક થયેલા બ્લાસ્ટ અને આગને જોઈ ગભરાઈ ગયા હતા. જીવ બચાવવા માટે તેઓ ફ્લેટની બાલ્કની તરફ દોડ્યા હતા. આગની જ્વાળાઓ પાછળ આવી રહી હોવાથી ગભરાટમાં તેમણે પહેલા માળની બાલ્કનીમાંથી નીચે પડતું મૂક્યું હતું. કમનસીબે, જમીન પર પટકાતાં તેમને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. બીજી તરફ, ઘરમાં હાજર અન્ય બે યુવાનોને નજીવી ઇજાઓ પહોંચી હતી અને તેઓ સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.

ઘટનાની જાણ થતા જ બારડોલી ફાયર બ્રિગેડની ટીમ બે ફાયર એન્જિન સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. લશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘરનો તમામ સામાન અને ઇલેક્ટ્રિક વાયરિંગ બળીને ખાખ થઈ ગયું હતું. બારડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી અરુણભાઈના મૃતદેહનો કબજો મેળવી પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર એપાર્ટમેન્ટ અને પંથકમાં અરેરાટી સાથે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

Most Popular

To Top