માસ્ક અને વેક્સિનથી જ કોરોના ઢીલો થયો છે તે યુરોપની સરકારો ભૂલી ગઈ છે

કોરોનાની ત્રીજી લહેર તેની પીક પર છે. દુનિયાભરમાં કોરોનાના કેસ લાખોની સંખ્યામાં વધી રહ્યા છે. ભારતમાં પણ રોજના કોરોનાના કેસ લાખોની સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. અગાઉની બે લહેરની સરખામણીમાં કોરોનાની ત્રીજી લહેર એટલી જીવલેણ નથી. ત્રીજી લહેરમાં ઓમિક્રોન વેરિએન્ટના વધુ કેસ જોવા મળી રહ્યા છે. ઓમિક્રોન વેરિએન્ટમાં કોરોના વાયરસ ફેફસામાં મોટાભાગે પહોંચતો નથી અને તેને કારણે દર્દીના જીવ પર જોખમ આવતું નથી. આ કારણે જ કોરોનાના લાખોની સંખ્યામાં કેસ આવવા છતાં પણ તેની દહેશત ઓછી થઈ રહી છે.

તબીબો દ્વારા પણ કોરોનાને હવે ગંભીર ગણવામાં આવતો નથી અને લોકો સામાન્ય દવા લઈને ત્રીજી લહેરમાં કોરોનાથી સાજા થઈ રહ્યા છે. કોરોનાની આ સ્થિતિને કારણે હવે યુરોપના અનેક દેશો કોરોનાથી બચવા માટે માસ્ક અને વેક્સિનને મરજીયાત બનાવી રહ્યા છે. પરંતુ શું આ નિર્ણય યોગ્ય છે? આમ તો જ્યાં સુધી કોરોના સંપૂર્ણ નાબુદ નહીં થાય ત્યાં સુધી આવા નિર્ણયને સ્હેજેય યોગ્ય માનવા જોઈએ નહીં. કારણ કે કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટને કારણે આ સ્થિતિ છે પરંતુ જો અન્ય વેરિએન્ટ આવશે અને વાયરસ ફેફસામાં પહોંચવાનું ફરી શરૂ થશે તો ફરી જોખમ ઊભું થઈ શકે તેમ છે.

તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે યુરોપના દેશો પૈકી સ્પેન, ડેન્માર્ક,નેધરલેન્ડમાં કોરોનાને સામાન્ય ફ્લુ ગણવાની શરૂઆત કરવામાં આવી છે અને લોકોને માસ્ક પહેરવામાંથી મુક્તિ આપી દેવામાં આવી છે. તો નેધરલેન્ડમાં વેક્સિનમાંથી લોકોને છૂટ આપી દેવાઈ છે. યુરોપના અન્ય દેશો પણ કોરોનાને ફ્લુ ગણી શકાય કે કેમ? તે બાબતે વિચારણા કરી રહ્યા છે પરંતુ યુરોપના દેશોનું આ ઉતાવળિયું પગલું છે.

લોકો માસ્ક અને વેક્સિનથી કંટાળેલા છે તે હકીકત છે. પરંતુ માસ્ક પહેરવાથી કે વેક્સિન લેવાથી એટલી જલ્દી છૂટ લઈ લેવાની જરૂરીયાત નથી. માસ્ક પહેરવાથી કોઈ નુકસાન નથી અને વેક્સિન લેવાથી પણ કોઈ નુકસાન થતું નથી. હજુ કોરોનાની ચોથી લહેર પણ આવી શકે છે. કોરોના એવો વાયરસ છે કે જેના મ્યુટેશન જલ્દી થાય છે એટલે કે વાયરસના સ્વરૂપ બદલાય છે. સ્વરૂપ બદલાતા તેના જોખમોમાં પણ ફેરફાર થાય છે. ભલે યુરોપના દેશ પોતાની જવાબદારીમાંથી બહાર નીકળવા માટે નિર્ણયો કરે પરંતુ ભારત સરકારે આ મામલે હજુ સઘન વિચારણા કરવાની જરૂરીયાત છે. જ્યાં સુધી અન્ય વેરિએન્ટ આવતા બંધ થાય અને જ્યાં સુધી તમામ લોકો વેક્સિન લઈ લે ત્યાં સુધી કોરોના મામલે સ્હેજેય લાપરવાહી નડી શકે તેમ છે.

સમજવા જેવી વાત છે કે ત્રીજી લહેરમાં કોરોના એટલા માટે જ કાબુમાં આવ્યો છે કે લોકોએ માસ્ક પહેરવાની સાથે વેક્સિન લીધી. આ સત્યને ભૂલવા જેવું નથી. આ કારણે જ માસ્ક અને વેક્સિન હજુ એટલા જરૂરી છે. સરકારોએ પણ એ સમજવા જેવું છે અને લોકોએ પણ તેને ધ્યાનમાં રાખવા જેવું છે. જે વ્યક્તિ વેક્સિન લે તેને જ માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવામાં આવે તો માસ્ક નહીં પહેરવાનો અને વેક્સિન, બંનેનો હેતુ સાર્થક થાય તેમ છે. હાલમાં પ્રવાસ હોય કે પછી જાહેર સ્થળો પર પ્રવેશ, દરેક સ્થળે વેક્સિન ફરજીયાત કરવામાં આવી હોવાથી હોસ્પિટલાઈઝેશનનો દર એટલો વધ્યો નથી. કોરોના મહામારીનો ભરોસો થાય તેમ નથી.

 કોરોનાએ દરેક લહેરમાં પોતાનો સ્વભાવ બદલ્યો છે. જેથી સાવચેતી તે જ સલામતી છે. સરકાર માસ્ક અને વેક્સિનમાંથી છૂટ આપે તેના કરતાં વેક્સિન લેવાનો અને જે વ્યક્તિ વેક્સિન લે કે માસ્ક પહેરે તેને પ્રોત્સાહન આપવાના આયોજનો કરે તે જરૂરી છે. ભારતમાં હજુ 100 ટકા વેક્સિનેશન થયું નથી ત્યારે વધુને વધુ વેક્સિનેશન થાય તે જરૂરી છે. સરકારે વધુ વેક્સિનેશન માટે પ્રયત્નો કરવા જોઈએ.

ધારો કે સરકાર દ્વારા માસ્ક અને વેક્સિનમાંથી છૂટ આપી દેવામાં આવે તો પણ લોકોએ સાવચેતી રાખવાની જરુરીયાત છે. માસ્ક જે પહેરે છે તે જ બચે છે તેવું નથી. માસ્ક પહેરનાર પણ પોતાનાથી સામેની વ્યક્તિને બચાવે છે. માસ્ક પહેરવાને કારણે કોરોનાની સાથે સાથે અન્ય અનેક ચેપી રોગોથી લોકોનો છૂટકારો થયો છે. જૈનમૂનિ અને સાધ્વીઓ દ્વારા માસ્ક પહેરવામાં જ આવે છે. ભલે તેઓ ધાર્મિક કારણોસર માસ્ક પહેરતા હોય પરંતુ તેનાથી તેમને અને લોકોને ફાયદો જરૂર થયો છે. ભારત સરકારે પણ યુરોપના દેશોના રવાડે ચડતા પહેલા પૂરતો અભ્યાસ કરી જ લેવો કે જેથી કોરોના ફરી દેશવાસીઓનો ભોગ નહીં લે.

Most Popular

To Top