શિક્ષણનો દીવો જાગતો રાખવાના પ્રયત્ન કરીએ

શિક્ષણ એ બંધારણની રીતે સરકારની જવાબદારી છે. પણ એ આપણી જરૂરિયાત પણ છે. વળી શિક્ષણના વ્યવસાયમાંથી જે રૂપિયા કમાય છે તે સૌની ફરજ પણ છે કે શિક્ષણપ્રક્રિયા ચાલુ રહે. આજે આપણે એવા વિકલ્પો વિચારવા છે, જે કોરોના મહામારી લાંબી ચાલે તો પણ શિક્ષણને ચાલુ રાખે. ઘણા પ્રયોગો ગયા વર્ષમાં શિક્ષકો, અધ્યાપકોએ કરેલા પણ છે. ઘણાં સૂચનો અગાઉ થયેલાં પણ છે. જેને ફરીથી તપાસી શકાય, વ્યવહારુ હોય તેનો અમલ પણ કરી શકાય.

જેમકે એક સૂચન થયું હતું કે કોરોના કાળમાં કોલેજ કક્ષાએ સેમેસ્ટરને બદલે વાર્ષિક પધ્ધતિથી શિક્ષણ ચલાવવાનું અને વર્ષે એક જ પરીક્ષાથી મૂલ્યાંકન કરવું! આ સૂચન ખરેખર ઉપયોગી છે. આમ પણ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી યુનિ.માં વર્ષ પતી જશે, છતાં પરીક્ષાના ઠેકાણાં પડ્યાં નથી. તો વાર્ષિક ધોરણે શિક્ષણ-પરીક્ષણ ચલાવવું શું ખોટું! આપણે ફરી ઓનલાઈન શિક્ષણના સહારે આવી ગયા છીએ. જો દરેક શાળા કોલેજ માત્ર બે રૂમ એવા વેલ ઇક્વિપ્ડ ઊભા કરે, જ્યાં ઓનલાઈન લેક્ચર લેવાની સાધન-સુવિધા સાથેની વ્યવસ્થા હોય અને શિક્ષક-અધ્યાપક માત્ર લેક્ચર લે તો ખૂબ સરસ રીતે ઓનલાઈન લેક્ચર લેવાય! આ સંજોગોમાં તમામ-શાળા કોલેજોમાં એક કોમ્પ્યુટર-ટેક્નોલોજીના જાણકાર આસીસ્ટંન્ટની ભરતી થવી જોઈએ.

સરકાર હંગામી ધોરણે વરસ માટે આવી જગ્યા માટે આર્થિક મદદ કરે. ખાનગી શાળા કોલેજોના સંચાલકો આવી એક પોસ્ટ ઊભી કરે. તો ઉત્તમ રીતે-ટેક્નોલોજીના સહયોગથી લેક્ચર લઈ શકાય! આપણે આ આપત્તિના સમયમાં ગુણવત્તાવાળા લેક્ચર ઉપર ભાર આપવો જોઈએ. જો યોગ્ય તૈયારી સાથે ઉત્તમ લેક્ચર રેકોર્ડ થાય તો તે શિક્ષણનું કાયમી ઘરેણું બની જાય. આમ તો ઓનલાઈન-ડિજીટલ શિક્ષણ એ કાયમી ધોરણે કામ લાગતી શિક્ષણ સામગ્રી છે. જે રાજ્યના ઉત્તમ શિક્ષણ-અધ્યાપકનો લાભ સૌને મળે તેમાં મદદ કરે છે. આપણે આવાં ઉત્તમ લેક્ચર તૈયાર કરીને કાં તો પર્સનલ વેબસાઈટ પર કાં તો યુ ટ્યુબ જેવી જાહેર વીડિયો સ્ટ્રિમીંગ એપ પર મૂકી શકીએ જેથી વિદ્યાર્થી જ્યારે ઈચ્છે ત્યારે તે જોઈ શકે!

આજે ખાન એકેડમીના લેક્ચર, સલમાન ખાન સરના એકેડેમિક લેક્ચર કે ગુજરાતના જ શિક્ષક-અધ્યાપકના ઉત્તમ લેક્ચરની સિરીઝ ઓન-લાઈન ઉપલબ્ધ છે. ઉચ્ચ શિક્ષણમાં તો હાવર્ડ-ઓક્સફર્ડ વર્ષોથી ઓનલાઈન કોર્ષ કરાવે જ છે. સ્કિલબેઝ એજ્યુકેશન પ્રોગ્રામ-ત્રણ મહિનાના, છ મહિનાના એમ ઘણાં વર્ષોથી ચાલે છે. આપણે તેમાંથી શીખી શકીએ. અગાઉ પણ કહ્યું હતું આજે ફરી સૂચન કરીએ કે ઓનલાઈન શિક્ષણની મોટી મર્યાદા પ્રાથમિક શિક્ષણમાં છે. પ્રાથમિક શિક્ષણમાં તો નાનાં-બાળકોને પાસે બેસીને જ ભણાવવું પડે! અહીં સરકાર થોડી જવાબદારી ઉઠાવે તો આ કપરો સમય પસાર થઈ જાય. સરકાર વરસ-બે વરસ માટે મોટા પ્રમાણમાં હંગામી શિક્ષકોની ભરતી કરી શકે. જે વિદ્યાર્થીઓને-પોળ કે સોસાયટીમાં જઈને ભણાવે.

એક મોટી સોસાયટીમાં પંદર-વીસ બાળકો કોઈ એક ઘરે ભેગાં થાય અને શિક્ષક ત્યાં જઈ ને બાળકોને ભણાવે! આ વ્યવસ્થામાં સ્થાનિક આગેવાનો, શિક્ષિત લોકો પણ મદદ કરી શકે! સરકાર ધારે તો પ્રાથમિક શાળાના શિક્ષકોને વર્ક ફ્રોમ હોમને બદલે ‘‘વર્ક નિયર હોમ’’- પણ આપી શકે. તમે તમારા ઘર નજીકનાં બાળકોને ભણાવો! આનાથી અપડાઉનનો આખો પ્રશ્ન ઉકલી જાય અને બાળકોને ઘર આંગણે જ ભણવા મળે! આપણી તમામ યુનિ.એ પોતાના શૈક્ષણિક ભવનોમાં કાયમી ધોરણે ડિઝીયલ ક્લાસરૂમ તૈયાર કરી જ દેવા જોઈએ જ્યાંથી ઓનલાઈન લેક્ચર લઈ શકાય!

આપણે તાલુકા કે ગામ કક્ષાએ સ્થાનિક વિજ્ઞાન પ્રયોગશાળાનો કદી વિચાર જ કર્યો નથી. કોરોના હોય કે ન હોય, પ્રયોગશાળાઓ હોવી જોઈએ, જ્યાં બાળકો રોજિંદા જીવનમાં આવતા વિજ્ઞાનના નિયમોના પ્રયોગ કરી શકે! કારણ કે ઓનલાઈન લેક્ચરમાં જે ખૂટે છે તે છે ‘‘પ્રયોગ.’’ આમ તો સરકાર વિદ્યાર્થીને ‘ટેબલેટ’ વહેંચવા પાછળ મોટા ખર્ચા કરે છે. જો સરકાર ઓનલાઈન એજ્યુકેશનની ભૌતિક વ્યવસ્થાઓ ગોઠવવા પાછળ થોડો ખર્ચ કરે તો તમામ સ્તરે સુવિધાઓ ઊભી થાય અને આપણું મોબાઈલ આધારિત શિક્ષણ થોડું વ્યવસ્થિત બને. આપણે OTT પ્લેટફોર્મ, ચેનલોનો ઉપયોગ પણ શિક્ષણના વિસ્તાર પ્રસાર માટે કરી શકીએ.વિકલ્પો ઘણા છે. જો ઈરાદો હોય તો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top