SURAT

પ્રેમિકાને લઈ પરણિત પુરુષ સુરતની સ્મિમેરમાં ગયો અને ત્યાં થયું એવું કે…

સુરત: સ્મીમેર હોસ્પિટલમાં (Hospital) પ્રેમી તેની પ્રેમિકાને ફિટનેસ સર્ટિફિકેટ (Fitness Certificate) અપાવવા માટે લઈને આવ્યો હતો. ત્યાં પ્રેમીની પાછળ તેની પત્ની આવી અને જાહેરમાં પતિની સામે તેની પ્રેમિકાને ફટકારી હતી. તેના વાળ ખેંચીને નીચે પાડીને માર માર્યો હતો. આ ઘટનાના પગલે હોસ્પિટલનો સ્ટાફ (Staff) અને સિક્યિુરીટી દોડતા થઈ ગયા હતા કેમકે સમગ્ર ઘટના સ્મીમેરના આરએમઓની ઓફિસની સામે બની હતી. પેશન્ટોની વચ્ચે આ બનાવ બન્યો હતો. ભારે બબાલ વચ્ચે ડોક્ટરો અને સ્ટાફ દ્વારા મધ્યસ્થી કરવામાં આવતાં મામલો થાળે પડ્યો હતો.

સ્મીમેર હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મહાનગર પાલિકાના એક વિભાગમાં નોકરી કરતો રાજેશ (નામ બદલ્યું છે) આજરોજ ગુરુવારે સવારે તેની પ્રેમિકા આયેશા (નામ બદલ્યું છે) સાથે સ્મીમેર હોસ્પિટલ આવ્યો હતો. તે આયેશાને ફિટનેશ સર્ટિફિકેટ માટે સ્મીમેર હોસ્પિટલમાં લાવ્યો હતો. રાજેશ આયેશાને લઈને આવ્યો તેની ગણતરીની મિનટોમાં રાજેશની પત્ની સ્મીમેર પહોંચી હતી. સવારે 10 વાગ્યાના સુમારે રાજેશ તેની પ્રેમિકા સાથે ફિટનેસ સર્ટિફિકેટ માટે મેડીસિન વિભાગની ઓપીડી પાસે પહોંચતાં જ ત્યાં તેની પત્ની આવી પહોંચી હતી. પત્નીને જોતાં જ રાજેશના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હતી.

ખાસ વાત એ છે કે પત્નીને રાજેશના અફેયર બાબતે ખબર હતી અને તેને ઘણી વખત ચેતવ્યો પણ હતો. ત્યારે રાજેશ માત્ર એવો ડોળ કરતો હતો કે તેને પ્રેમપ્રકરણ પર પૂર્ણ વિરામ મુકી દીધું છે. છતા તેને પ્રેમ સંબંધ ચાલુ રાખ્યા હતા. તેથી તેની પત્નીની તેના પર નજર હતી. પતિને પ્રેમિકા સાથે જોતા જ તેની પત્નીનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. અન્ય દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફ વચ્ચે જ રાજેશની પત્નીએ રાજેશને અને આયેશાના બરાબર રિમાન્ડ લીધા હતા. આયેશા ગભરાઈને આરએમઓ ઓફિસ પાસે પહોંચી ગઈ હતી. રાજેશની પત્ની પણ તેની પાછળ-પાછળ પહોંચી ગઈ હતી. ત્યાં તેણીએ આયેશાના વાળ ખેંચીને જમીન પર પછાડીને માર માર્યો હતો. આ હંગામાના કારણે હોસ્પિટલનો સ્ટાફ અને સિક્યુરીટી સ્ટાફ દોડતો થઈ ગયો હતો. ડોક્ટરો અને સ્ટાફ દ્વારા મધ્યસ્થી કરાતા મામલો થાળે પડ્યો હતો. રાજેશની સાથે તેની પ્રેમિકા પણ મનપામાં કોઈ વિભાગમાં નોકરી કરતી હોવાની માહિતી મળી છે.

Most Popular

To Top