Gujarat

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર લાંગા સામે ભ્રષ્ટાચારની ફરિયાદ

ગાંધીનગર: ગાંધીનગરના (Gandhinagar) પૂર્વ કલેક્ટર લાંગા (Langa) સામે સરકાર દ્વારા ભ્રષ્ટાચાર (Corruption) અંગેની ફરિયાદ દાખલ કરાતાં રાજ્યના સનદી અધિકારીઓ ઉપરાંત રાજકીય વર્તુળોમાં ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લાંગાએ પોતાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટ રીતરસમો આચરી કરોડોની બેનામી પ્રોપર્ટી વસાવી હોવાનો પણ આરોપ છે. વ્યાપક ફરિયાદોને ધ્યાને લઈ સરકારે નિવૃત્ત IAS વિનય વ્યાસાને તપાસ સોંપી હતી. જેનો આજે વચગાળાનો રિપોર્ટ આવતાં ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ મથકે લાંગા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.

ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ કે લાંગાની સામે તેમની નિવૃત્તિ બાદ હવે રાજય સરકારે ગાંધીનગરમાં સેકટર – 7 પોલીસ મથકે ખાતે ફરિચાદ દાખલ કરાવી છે. ગાંધીનગરના ચીટનીસ ટુ કલેકટર એવા ધૈવત ધ્રુવે સેકટર- 7 પોલીસ મથકે સરકાર તરફે ફરિયાદ દાખલ કરી છે. હવે લાંગા સામે સેકટર સાત પોલીસ દ્વારા ધનિષ્ઠ તપાસ શરૂ કરી દેવાઈ છે. અગાઉ લાંગા સામે પંચમહાલના ગોધરા ખાતે પણ એક ફરિયાદ દાખલ થઈ હતી.

લાંગા ઉપરાંત તત્કાલીન નિવાસી અધિક કલેકટર તથા તે સમયના ચીટનીસ ગાંધીનગર કલેકટર તરીકે એસ કે લાંગાએ તા. 6ઠ્ઠી એપ્રિલ 2018થી 17મી મે 2019 સુધી ફરજ બજાવી હતી. તે દરમ્યાન તેમણે 5904 જેટલા વિવિધ કેસોમાં જુદા જુદા હુકમો કર્યા હતા. આ હુકમોની તપાસ રાજય સરકારે નિવૃત્ત આઈએએસ વિનય વ્યાસાને સોપી હતી. વ્યાસાએ આજે તેમનો વચગાળાનો રિપોર્ટ સરકારને સુપ્રત કર્યો છે. જેના પગલે રાજય સરકારના આદેશથી સમગ્ર ફરિયાદ ચીટનીશ ટુ કલેકટર દ્વારા દાખલ કરાઈ છે.

આ ફરિયાદમાં જણાવાયા અનુસાર, લાંગાએ તેમના કાર્યકાળ દરમ્યાન મહેસુલ કાયદાની જુદી જુદી કલમો હેઠળ જે હુકમો કર્યાં તેમાં સરકારના આર્થિક હિતને ભારે નુકસાન પહોચાડ્યું છે. આ ઉપરાંત જે કેસમાં પક્ષકારો સાથે આર્થિક સેટલમેન્ટ ના થાય ત્યાં સુધી નાની કવેરીઓ કાઢીને ફાઈલને પરત મોકલી દેતા હતા. એટલું જ નહીં, તે ફાઈલો પાછળથી મંજૂર કરી દેતા હતા. એનએ પરવાનગી આપવાના કિસ્સામાં જે જમીન નવી શરતની જણાતી હોય તેવા કિસ્સામાં પણ જુની શરતની જમીન ગણીને પ્રીમીયમની વસૂલાતના હુકમ કરેલા છે. બિન ખેડૂત તરીકેના પુરાવા હોવા છતાં ખેડૂત ગણીને બિનખેતીના હુકમો કરેલા છે. ગાંધીનગરમાં પેથાપુરની 30,431 ચો.મી જમીન અગાઉ ડે કલેકટરે સરકારી ઠરાવી હોવા છતાં તેને ખાનગી ખેડૂતની જમીન હોવાનું ઠરાવતો હુકમ કરેલો છે. કેટલાયે કિસ્સામાં વધારાની સ્ટેમ્પ ડયુટી વસૂલવાની થતી હોવા છતાં તે રદ કરવાની ભલામણ કરેલી છે. આ આ રીતે સંખ્યાબંધ કેસોમાં સરકારના આર્થિક હિતોને નુક્સાન કરાવ્યું છે. લાંગાએ ભ્રષ્ટ રીતરસમો આચરીને કરોડોની બેનામી પ્રોપર્ટી વસાવી છે.

મૂળ વિવાદ 700 કરોડની જમીનનો, પણ ભાજપ અગ્રણીને બચાવી લેવાયાની ચર્ચા
આ સમગ્ર પ્રકરણમાં વિવાદનું મૂળ અંદાજિત 700 કરોડની ગાંધીનગરના મૂલસણ ગામની જમીન છે. આ જમીન પાંજરાપોળના ટ્રસ્ટને લીઝ હેઠળની હતી. ગમે તે રીતે તેનો ટ્રસ્ટ એકટમાંથી ગાળિયો કાઢીને તેને છૂટી કરવા માટે એક હાઈપાવર કમિટી બનાવવામાં આવી. આ કમિટીએ એડવોકેટ જનરલનો અભિપ્રાય ધ્યાને લઈને જમીન બિનખેતી કરવા માટે કલેકટર લાંગાને સૂચના આપી હતી. સરકારની સૂચનાને પગલે જ કલેકટર લાંગાએ આ મૂલસણની જમીન બિનખેતી કરવાનો હુકમ કર્યો હતો. હવે ખુદ લાંગા સામે ફરિયાદ દાખલ થઈ છે. જયારે ભાજપના દિગ્ગજ નેતાના ગળામાંથી ગાળિયો કાઢી નાંખવામાં આવ્યો છે. ભાજપના આ નેતા સૌરાષ્ટ્ર બાજુના છે.

Most Popular

To Top