Entertainment

ફેમસ સિંગર વાણી જયરામનું નિધન, હાલમાં જ પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા

નવી દિલ્હી: સંગીત જગતમાંથી (Music Industry) એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સંગીત જગતના પ્રસિદ્ધ ગાયિકા વાણી જયરામનું (Vani Jayaram) નિધન થયું છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સુપ્રસિદ્ધ સિંગર વાણી જયરામના નિધનના સમાચાર સાંભળી ચાહકોને ભારે આઘાત લાગ્યો છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પ્લેબેક સિંગર વાણી જયરામને હાલમાં જ ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી (Padma Bhushan) સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

વાણી જયરામે દુનિયાને અલવિદા કહ્યું
પ્લેબેક સિંગર વાણી જયરામે 77 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. સિંગર વાણી જયરામ ચેન્નાઈમાં સ્થિતિ તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના નિધનના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. વાણી જયરામનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી.

10 હજારથી વધુ ગીતોને અવાજ આપ્યો
વાણી જયરામે હાલમાં જ એક પ્રોફેશનલ સિંગર તરીકે મ્યૂઝીક ઈન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમણે તેમની કારકિર્દીમાં 10,000 થી વધુ ગીતો રેકોર્ડ કર્યા હતા. વાણી જયરામે આરડી બર્મન, કે.વી. મહાદેવન, ઓપી નૈય્યર અને મદન મોહન સહિત અન્ય ઘણા પ્રખ્યાત સંગીતકારો સાથે કામ કર્યું હતું. સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા 25 જાન્યુઆરીએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. સિંગર વાણી જયરામનું નામ પણ આ વખતે પદ્મ ભૂષણની યાદીમાં હતું. વાણી જયરામને આધુનિક ભારતની મીરા પણ કહેવામાં આવે છે. તેમણે સંગીતની દુનિયાને નવી ઉંચાઈઓ પર પહોંચાડી હતી.

ઘણી ભાષાઓમાં ગીતો ગાયા હતા
વાણી જયરામે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, હિન્દી, ઉર્દૂ, મરાઠી, બંગાળી, ભોજપુરી અને ઉડિયામાં ઘણાં ગીતો ગાયાં હતા. તેમને તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કેરળ, ગુજરાત અને ઓડિશામાંથી રાજ્ય પુરસ્કારો પણ એનાયત કરવામાં આવ્યા હતા. તેમને પોતાની ગાયકી કારકિર્દીમાં ઘણા સુંદર ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. સંગીત જગતમાં તેમના યોગદાનની હંમેશા પ્રશંસા કરવામાં આવશે. વાણી જયરામના નિધનના સમાચારથી તેમના તમામ ચાહકોના દિલ તૂટી ગયા છે.

Most Popular

To Top