ચંદ્રયાન-૨ પાછળનો ખર્ચ અને પરિશ્રમ સાવ એળે ગયો નથી: ઓર્બિટર અદભૂત કામગીરી બજાવી રહ્યું છે

ભારતનો ચંદ્રયાન-૨ પ્રોજેક્ટ એ અતિમહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો અને આ પ્રોજેક્ટ પર વર્ષોથી કાર્ય ચાલી રહ્યું હતું. ચંદ્રયાન-૨ પ્રોજેક્ટનો એક મહત્વનો હેતુ ચંદ્રની ધરતી પર ભારતના લેન્ડરને ઉતરાણ કરાવવાનું હતું. આ ચંદ્રયાન-૨માં વિક્રમ લેન્ડર મૂકવામાં આવ્યું હતું, જેનું ચંદ્રના દક્ષિણ ધ્રુવના ભાગ પર લેન્ડિંગ કરાવવાનું હતું. જો આ લેન્ડરનું બરાબર ઉતરાણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર થાય તો આમ કરનાર ભારત પ્રથમ દેશ બને તેમ હતું, કારણ કે હજી સુધી વિશ્વના કોઇ દેશે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કર્યુ નથી. ૬ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ, જ્યારે ભારતમાં રાત પડી ગઇ હતી ત્યારે ખગોળ અને અવકાશ કાર્યક્રમોમાં રસ ધરાવનારાઓ સહિત અનેક લોકો આતુરતાપૂર્વક આ ક્ષણની રાહ જોઇ રહ્યા હતા.

લોકો ટીવી સામે કે ઇન્ટરનેટ સામે ખોડાઇને બેસી રહ્યા હતા. કટોકટીની ક્ષણો નજીક આવતી હતી અને છેવટે કરોડો ભારતીયોને નિરાશ થવું પડ્યું. વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ થઇ શક્યું નહીં, તેના તરફથી આવતા સિગ્નલો બંધ થઇ ગયા. ઇસરોના કન્ટ્રોલ રૂમમાં સન્નાટો છવાઇ ગયો , જે કન્ટ્રોલ રૂમમાં તે સમયે વડાપ્રધાન મોદી પણ હાજર હતા. છેવટે ઇસરોના વડાએ ગંભીર અવાજમાં જાહેર કર્યું કે વિક્રમ લેન્ડરનું લેન્ડિંગ સફળ રહી શક્યુ઼ં નથી. દેખીતી રીતે તેનું હાર્ડ લેન્ડિંગ થયું હતું. લેન્ડર ચંદ્રની ધરતી પર પછડાઇને ઉંધુ વળી ગયું હતું તે બાદમાં ચંદ્રયાનના ઓર્બિટર તરફથી મોકલવામાં આવેલી તસવીરો પરથી જાણવા મળ્યું. લેન્ડર ભલે સફળ ઉતરાણ કરી ન શક્યું, પણ ઓર્બિટરની કામગીરી ચાલુ જ હતી, તે ચંદ્રની ફરતે ભ્રમણ કરીને ડેટા મોકલી રહ્યું હતું અને હજી પણ મોકલી રહ્યું છે.

હાલમાં આ ચંદ્રયાન-૨ના ઓર્બિટર અંગે આનંદના સમાચાર એ આવ્યા છે કે ૯૦૦૦ કરતા પણ વધુ આંટા ચંદ્રની આજુબાજુ માર્યા પછી પણ આ ઓર્બિટર કાર્યરત છે અને ઘણી ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યું છે. ભારતના ચંદ્રયાન-૨ અવકાશયાને ચંદ્રની આસપાસની ભ્રમણકક્ષામાં ૯૦૦૦ કરતા વધુ આંટા પૂરા કર્યા છે અને તેના પરના ઇમેજિંગ અને વૈજ્ઞાનિક સાધનો અદભૂત માહિતીઓ પહોંચાડી રહ્યા છે એમ અધિકારીઓએ હાલમાંજણાવ્યું છે.ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો) બે દિવસની લુનાર સાયન્સ વર્કશોપનું પણ આ સપ્તાહે આયોજન કર્યું હતું. ચંદ્રની ભ્રમણકક્ષાની આસપાસ ચંદ્રયાન-૨ અવકાશયાનની કામગીરીના બે વર્ષ પુરા થવા પ્રસંગે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમાં પોતાના ઉદઘાટન સંબોધનમાં ઇસરોના વડા કે. સિવને જણાવ્યું હતું કે ચંદ્રયાન-૨ અવકાશયાન પરના આઠ પેલોડ્સ ચંદ્રની સપાટી પરથી લગભગ ૧૦૦ કિમીની ઉંચાઇએથી રિમોટ સેન્સિંગ અને ચંદ્રના ઇન-સિટુ નિરીક્ષણો કરી રહ્યા છે. આજની તારીખ સુધી ચંદ્રયાન-૨એ ચંદ્રની ભ્રમણકક્ષાની આસપાસ ૯૦૦૦ કરતા વધુ આંટા પુરા કર્યા છે એમ તેમણે જણાવ્યું હતું. બેંગલુરુમાં વડુમથક ધરાવતા ઇસરોના જણાવ્યા મુજબ ડેટા પ્રોડક્ટ અને સાયન્સ ડોક્યુમેન્ટો સિવન દ્વારા ચંદ્રયાન-૨ ઓર્બિટ પેલોડ્સ તરફથી મળેલા ડેટા સાથે જારી કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક પરિણામોની સમીક્ષા કરવામાં આવી છે અને તે ઘણી પ્રોત્સાહક રહી છે. 

ચંદ્રની ધરતી પર લેન્ડર ઉતારવાનું સ્વપ્ન ભલે પુરું થઇ ન શક્યું, પરંતુ ચંદ્રયાન-૨નું ઓર્બિટર ઘણી સારી કામગીરી બજાવી રહ્યું છે તે પણ દેશવાસીઓ માટે આનંદના સમાચાર છે. ચંદ્રયાન-૨ પાછળ થયેલો ખર્ચ અને સખત પરિશ્રમ પુરેપુરા એળે ગયા નથી અને આ યાન સારી રીતે ડેટા મોકલી રહ્યું છે તે એક પ્રોત્સાહક બાબત છે. નિષ્ફળતાથી હતાશ થયા વિના આપણા અવકાશ વૈજ્ઞાનિકોએ પોતાનુ કાર્ય ઉત્સાહપૂર્વક ચાલુ રાખ્યું છે અને ચાલુ જ રાખશે અને અવકાશક્ષેત્રે ભારત નવી સિધ્ધીઓ હાંસલ કરશે એવી અપેક્ષા રાખવી અસ્થાને નહીં હોય.

Related Posts