Surat Main

આવતીકાલે મત ગણતરી: સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષા વચ્ચે રખાયા EVM, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સુરતમાં મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. ઈવીએમ મશીનમાં બંધ ઉમેદવારોનું ભાવિ ઉઘડશે. એસવીએનઆઈટી (SVNIT) અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ (Gandhi Engineering College) મજૂરાગેટ એમ બે સ્થળોએ મતગણતરી યોજાશે. એસવીએનઆઈટીમાં 16 જ્યારે ગાંધી એન્જનિયરિંગમાં14 વોર્ડની મતગણતરી થવાની છે. મતગણતરીને લઈ વહીવટી તંત્રએ તૈયારીઓ કરી લીધી છે. બંને મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ (EVM) મશીન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવ્યા છે. હાલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

લોકો પળેપળનું અપડેટ જોઈ શકે તેના માટે એક મોટી LED સ્ક્રીન પણ એલ.ડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે લગાવવામાં આવી છે. સૌપ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ વોર્ડના ઈવીએમમાં નોંધાયેલા મતોની ગણતરી થશે.  મતગણતરી કેન્દ્રમાં ચૂંટણી એજન્ટ અને ઉમેદવારને જ પ્રવેશ આપવામાં આવશે.

મતગણતરી કેન્દ્ર પર અલગ પોલીસ કંટ્રોલરૂમ, સીસીટીવી કંટ્રોલરૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ, મતગણતરી એજન્ટ પ્રતીક્ષા માટે અલગ ટેન્ટ, પાર્ટી એજન્ટ સીસીટીવી રૂમ, લોકરરૂમ, હેલ્પડેસ્ક,ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ વગેરે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.  હાલ તમામ વોર્ડના ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષીત રીતે સીલ કરી દેવામાં આવ્યાં છે અને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે.

120 બેઠકો જીતવાનો ભાજપનો હુંકાર, કોંગ્રેસે જીતની નજીક હોવાનો આશાવાદ તો આપે પ્રભાવક જીતનો દાવો કર્યો

સુરતમાં 30 વોર્ડની 120 બેઠકો માટે મતદાન પૂર્ણ થયા બાદ લગભગ 42 ટકાથી વધુ મતદાન થયું હોવાનુ તારણ નિકળી રહ્યું છે. જે ગત વર્ષ કરતા બે ટકા જેટલુ વધુ હોય ભાજપે આ મતદાનથી પોતાને લાભ થયો હોવાનું ગણિત માંડયું છે. તેમજ સુરતમાં તમામ 120 બેઠકો પર ભાજપની જીત થશે તેવો હુંકાર શહેર ભાજપ પ્રમુખ નીરંજન ઝાંજમેરાએ કર્યો હતો. જયારે કોંગ્રેસના શહેર પ્રમુખ બાબુ રાયકાએ કોંગ્રેસને એન્ટિ ઇન્કબન્સી અને ભાજપના ગરીબ વિરોધી નિર્ણયોને લીધે પ્રજા ભાજપથી નારાજ હોવાનો દાવો કરતા કોંગ્રેસ આ વખતે જીતની નજીક હોવાનો દાવો કર્યો હતો. જયારે પ્રથમ વખત મનપાની ચુંટણીના જંગમાં ઝંપલાવનાર આપના શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ જણાવ્યું હતું કે અમે દિલથી ચૂંટણી લડયા છીયે, આમ છતાં અમારા માટે આ અનુભવ નવો છે. અને 20 થી 30 બેઠકો જીતી લાવીશું તેવી અમારી આશા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top