SURAT

ધાર્મિક, સામાજિક અને આર્થિક રીતે સમૃદ્ધ ગામ એટલે માંગરોળ તાલુકાનું સિયાલજ

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલાં કેટલાંક ગામડાં આજે પણ ઐતિહાસિક ધરોહર ધરાવે છે. એમાંનું એક એટલે સુરત જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં.48ને અડીને હાઇવેથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલું ગામ માંગરોળ તાલુકાનું સિયાલજ. સમયની સાથે આ ગામ પણ વિકાસના પંથે આગળ ધપી રહ્યું છે. આ ગામની વસતી 2000 જેટલી છે. આ ગામમાં 350 ઘર આવેલાં છે, જેમાં મુખ્ય વસતી કણબી પટેલ અને મુસ્લિમોની છે. અહીંના લોકોમાં એકરાગીતા જોવા મળે છે. કોઈપણ તહેવાર હળીમળીને ઊજવે છે.

સિયાલજ ગામના ઇતિહાસનું વર્ણન કરતાં વડીલો જણાવે છે કે, સિયાલજ ગામની રચના ગાયકવાડી સમયમાં કરવામાં આવી હતી. સમય સાથે ગામમાં બદલાવ આવ્યો, પણ ગામના લોકો આજે પણ જમીન સાથે જોડાયેલા છે. મહત્તમ લોકો અહીં ખેતી સાથે સંકળાયેલા છે. તો કેટલાક ખેતમજૂરી કે પશુપાલન કરી જીવન ગુજારે છે. જ્યારે કેટલાક લોકો મોટા વ્યવસાય સાથે જોડાયેલા છે. સિયાલજ ગામમાં આવવા માટે રસ્તાના પાંચ વિકલ્પ છે, જેમાં નેશનલ હાઇવેથી સિયાલજને જોડતો બે કિ.મી.નો માર્ગ, હાઇવેથી બાલવાસ હોટલને જોડતો બે કિ.મી.નો માર્ગ, મોટા બોરસરાથી સિયાલજનો માર્ગ, સિયાલજથી કોસંબાને જોડતો ચાર કિ.મી.નો માર્ગ અને સિયાલજથી પાનસરાને જોડતો બે કિ.મી.નો માર્ગ. આ તમામ માર્ગો પરથી લોકોની રાત-દિવસ અવરજવર ચાલુ રહે છે.

સિયાલજ ગામમાં પ્રવેશતાં જ પાદર પાસે મસ્જિદ આવેલી છે અને તેનાથી થોડે દૂર ફળિયામાં રાધાકૃષ્ણનું મંદિર આવેલું છે. એ સિવાય ગામમાં ત્રણ મંદિર આવેલાં છે. સિયાલજ ગામે હાલમાં પંચાયતનાં સરપંચ તરીકે ઉષાબેન પ્રવીણભાઈ ગોડિયા તેમજ ડેપ્યુટી સરપંચ સાજીદ સમસુદ્દીન શેખ ફરજ બજાવે છે. જ્યારે ગામમાં કુલ છ ફળિયાં આવેલાં છે. અને પંચાયતના કુલ આઠ વોર્ડ આવેલા છે. અહીં લોકશાહી ઢબે થતી ચૂંટણી હંમેશાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય છે. જેને કારણે ગ્રામ પંચાયતને કવાયત ઓછી કરવી પડે છે.

સરપંચ અને ઉપસરપંચ ગ્રામજનોને એકસાથે લઈને ચાલતા હોવાથી ગામનો વિકાસ આગળ ધપી રહ્યો છે. સિયાલજ ગામે ધોરણ-1થી 8ના અભ્યાસ માટે પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં ભણીગણીને ઘણા લોકો ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા છે. અને એમાંના ઘણા લોકો ગામના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. આજે પણ આ શાળા વિદ્યાર્થીઓને જ્ઞાનનું સિંચન કરી રહી છે. આર્થિક રીતે સમૃદ્ધિ ભણી આગળ વધી રહેલા આ ગામમાં આરોગ્યની સુવિધા માટે આયુષ્યમાન સબ સેન્ટરની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ગામમાં ચાર આંગણવાડી પણ આવેલી છે, જેમાં ભૂલકાં પાયાનું શિક્ષણ મેળવે છે.

કેવી રીતે ભણશે ગુજરાત? ગામની પ્રાથમિક શાળાના ત્રણ ઓરડા જર્જરિત
શિક્ષણમાં ખાનગી શાળાઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધાની વચ્ચે સરકારી શાળાઓએ પણ બદલાવનો સમય આવી ગયો છે. સરકાર દ્વારા સરકારી શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે એ માટે પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ સરકારી શાળાઓ ઓછી સંખ્યા સાથે શિક્ષણ યજ્ઞમાં યોગદાન આપવામાં અસર છોડી રહી નથી. જેના પરિણામે કેટલીક પ્રાથમિક શાળાઓનો મૃત્યુઘંટ પણ વાગી ગયો છે. ત્યારે સિયાલજ ગામની શાળા પણ પ્રાથમિક જરૂરિયાત સામે ઝઝૂમી રહી છે. આઝાદીનાં બે વર્ષ બાદ ગામનાં બાળકો શિક્ષણ ક્ષેત્રે આગળ વધે એ માટે એ સમયના અગ્રણીઓએ દુરંદેશી નજર રાખી શિક્ષણનો પ્રારંભ કરાવ્યો હતો. વર્ષ-1949ની સાલમાં પ્રાથમિક શાળાની સ્થાપના કરવામાં આવી હતી. અને આ શાળામાંથી કંઈ કેટલાય વિદ્યાર્થીઓ ભણીગણીને પણ આગળ વધ્યા હતા. સમય જતા શાળાના કેટલાક ઓરડા જર્જરિત બન્યા અને પાંચ વર્ષથી શાળાના ત્રણ ઓરડા તો એટલી હદે જર્જરિત બની ગયા કે વારંવારની ઓરડા બનાવવાની માંગ પ્રત્યે તંત્ર દ્વારા કોઇ ધ્યાન નહીં અપાતાં છેલ્લાં પાંચ વર્ષ વિદ્યાર્થીઓને બેસાડવાનું બંધ કરવામાં આવ્યું છે. સિયાલજ ગામની પ્રાથમિક શાળામાં હાલ ધોરણ-1થી 8ના વર્ગો ચાલે છે. કુલ 8 શિક્ષક હોવા જોઇએ. પરંતુ સાત શિક્ષકથી જ ગાડું ગબડાવવામાં આવે છે. ત્રણથી ચાર ઓરડાની પણ ઘટ છે. શાળાના મેનેજમેન્ટ તેમજ ગામવાસીઓના જણાવ્યા મુજબ જ્યાં પ્રાથમિક શાળા આવેલી છે તેની પાસે જ શાળાની જ મસમોટી ખુલ્લી જગ્યા પણ આવેલી છે. સરકાર દ્વારા નવી શાળા અને બાળકો માટે રમતગમતનું મેદાન બનાવવામાં આવે તો સમસ્યાનો નિવેડો આવે તેમ છે.

પાણીના નિકાલના અભાવે ખેતીનો વ્યવસાય જોખમી બન્યો
શિયાલજ ગામની જનતા સાથે સરકારી તંત્ર ઓરમાયું વર્તન કરી રહ્યું છે. ગામની ચારેકોર ખાડી-કોતર અને નદી તેમજ પાણીના પ્રવાહનો ધોધ વહે છે. ખેડૂતોનાં ખેતરોમાં પાક તૈયાર થાય કે ખેડૂતો ખેતરો ખેડવાની તૈયારી કરતાં હોય ત્યાં જ ખેતરોમાં પાણીનો ભરાવો થતાં 15થી 20 દિવસો સુધી ખેતરોમાંથી પાણી નહીં નીકળતાં અને ખેતરો જળબંબાકાર બની તળાવનાં રૂપમાં ફેરવાઈ જાય છે. આ સ્થિતિ વર્ષોથી છે. અનેક વખત અનેક જગ્યા રજૂઆત કરવા છતાં અધિકારીઓ ધ્યાન આપતા નથી. જેથી કેટલાક ખેડૂતોની કીમતી જમીન નષ્ટ થવાના આરે છે. ગામનાં કેટલાક ખેડૂતોએ આ બાબતે જણાવ્યું હતું કે, શિયાલજ ગામના ખેડૂતો માત્ર ખેતી પર જ નભે છે અને જો ખેતરો આ પાણીના ભરાવાના કારણે નષ્ટ પામે તો ખેડૂતોની હાલત કફોડી બનવાનાં એંધાણ છે.

પીવાના પાણી માટે ટાંકી, બોર અને કીમ નદીનો આધાર
સરકારી યોજના થકી ગ્રામજનોને પાણીની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ગામમાં પાણીની ટાંકી પણ ઉપલબ્ધ છે. સિયાલજ ગામ તો આમ તો ઊંચાઈ પર આવેલું છે. પરંતુ નજીકમાંથી જ કીમ નદી પસાર થાય છે. એટલે પાણીનાં સ્તર ઊંચાં આવ્યાં છે. લોકોને પીવાના પાણી માટે હેરાનગતિ વેઠવી પડતી નથી. ઉપરાંત પીવાના પાણી માટે બોરની સુવિધા પણ કરવામાં આવી છે. વધુમાં વર્ષ-1972થી ગામમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ છે. ગામનાં દરેક ફળિયામાં સ્ટ્રીટલાઇટની સુવિધા પણ છે. જેથી લોકોને રાત્રિના સમયે રસ્તા પર અંધકારનો સામનો કરવો પડતો નથી.

સિયાલજ દૂધ ઉત્પાદક સહકારી મંડળી વર્ષે 5થી 6 કરોડનું ટર્ન ઓવર કરે છે
સિયાલજ ગામે પટેલ ફળિયામાં સિયાલજ દૂધ ઉત્પાદક સહકારી મંડળી સને-2005થી કાર્યરત છે, જેમાં પ્રમુખ તરીકે ગણપતભાઈ જેકિશનભાઈ પટેલ વર્ષોથી સફળ સંચાલન કરે છે. આ મંડળીમાં 200 સભાસદ સવાર-સાંજ દૂધ ભરે છે. આ દૂધમંડળી વર્ષે 5થી 6 કરોડનું ટર્ન ઓવર કરે છે. આ મંડળી વર્ષે 11 લાખ લીટર દૂધ સુમુલ ડેરીને પહોંચાડે છે. આ મંડળીએ એક લીટરે 9.75 પૈસા પ્રતિ લીટર ભાવફેરની મળી કુલ 1 કરોડની માતબર રકમ સભાસદોને ચૂકવતાં સભાસદોમાં આનંદ છવાયો છે.

  • સિયાલજ ગ્રામ પંચાયત બોડી
    સરપંચ-ઉષાબેન પ્રવીણભાઈ ગોડિયા
  • ડે.સરપંચ-સાજીદ સમસુદ્દીન શેખ
  • સભ્ય-સોહેલ શબ્બીર પઠાણ
  • ઇસ્માઇલ અકબર શેખ
  • રંજનબેન મુકેશભાઈ પટેલ
  • રાજેશભાઈ છગનભાઈ ગોડિયા
  • દિનેશભાઈ અનોપભાઈ રાઠોડ
  • સીતાબેન મહેન્દ્રભાઈ રાઠોડ
  • કલીબેન ગેલાભાઈ ચોસલા

સિયાલજ-પાનસરા અને સિયાલજ-મોટી નરોલીનો રસ્તો નવો બનાવવાની માંગ ક્યારે સંતોષાશે?
સિયાલજ ગામની જનતા અને ખેડૂતોની સિયાલજ-મોટી નરોલી અને સિયાલજ-પાનસરાનો રસ્તો નવો બનાવી આપવાની વર્ષો જૂની માંગ છે. પરંતુ તંત્ર તેમજ સરકારના બહેરા કાને આ રજૂઆત સંભળાતી નથી. ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ ગામના ખેડૂતોની જમીન પણ ઉપરોક્ત ગામો વચ્ચે આવેલી છે. જો માર્ગ નવા બને તો ખેડૂતો બારેમાસ ખેતરે જઇ શકે તેમજ ખેતરોમાંથી તૈયાર થતો પાક પણ રસ્તા બને તો વાહનો મારફત ખેતરોમાંથી કાઢી શકાય. ઉપરાંત સિયાલજ ગામની જનતા માટે પણ કીમ કે હાઇવે તરફ આવવા જવા માટે માર્ગ બને તો કાયમી માથાકૂટ દૂર થાય તેમ છે. આ માર્ગ નવા બનાવવા ગ્રામવાસીઓ દ્વારા અનેક વખત સરકારમાં રજૂઆત કરી છે. પરંતુ વિકાસની વાતો કરતી સરકાર દ્વારા ગ્રામવાસીઓની રજૂઆત બાબતે કોઇ ધ્યાન આપવામાં આવ્યું નથી. જેથી ગ્રામવાસીઓમાં નારાજગી જોવા મળે છે.

સિયાલજ ગામના વિકાસ માટે અમે પ્રતિબદ્ધ: ડે.સરપંચ સાજીદ ખાન
સિયાલજ ગામના લોકોએ વર્ષ-2017માં વિશ્વાસ રાખી ડેપ્યુટી સરપંચ તરીકે મારી નિમણૂક કરી છે. છેલ્લી બે ટર્મથી અમારા ગામમાં માંગરોળ ધારાસભ્યને રજૂઆત બાદ વિકાસ કામોની વણઝાર લાગી છે. સિયાલજ ગામમાં પાકા રસ્તા, ગટર લાઇન, પેવર બ્લોક, પીવાનું પાણી ઘરે ઘરે નળ કનેક્શન, જરૂરતમંદો માટે આવાસનું બાંધકામ, આંગણવાડી અને ગામમાં આરઓ પ્લાન્ટની સુવિધાઓ અમારી રજૂઆત બાદ ઊભી થઈ છે. ગામના વિકાસ માટે સરપંચ, ગ્રામજનો અને મારા પ્રયત્નો ચાલુ છે.

સિયાલજ ગામની જનતા માટે વીજ સમસ્યા માથાનો દુખાવો
સિયાલજમાં વીજળીને લગતા પ્રશ્નો મુદ્દે ગ્રામજનો ચિંતિત છે. ગામમાં વર્ષ-1972માં વીજ લાઇન નાંખવામાં આવી હતી, ત્યારથી આજદિન સુધી કોઇ મેઇન્ટેનન્સ કામગીરી કરવામાં આવી નથી. ગામના મુખ્ય જાહેર માર્ગો પર વીજ થાંભલા નમી ગયા છે. જ્યારે કેટલાક વીજ થાંભલા તો પડુંપડું થઇ રહ્યા છે અને ગામના કેટલાક વિસ્તારમાં વીજતારો તદ્દન નમી જતાં વિસ્તારની જનતા માથે જોખમી બન્યા છે. ગામમાં વીજળીકરણ થયા બાદ તંત્ર દ્વારા જે કામગીરી કરવી જોઇએ એ કરાઈ નથી. ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ સિયાલજ ગામે ચારેકોર મુખ્ય માર્ગો પર તેમજ ખેતરાડી વિસ્તારમાં એગ્રીકલ્ચર લાઇન 50 વર્ષો પહેલાં નાંખવામાં આવી હતી. આજે વર્ષોના વાયરા વિતવા છતાં કોઇપણ કામગીરી નહીં થતાં એની એ જ સ્થિતિ છે. ખેડૂતો ખેતરોમાં માલ કાઢવા પોતાનાં વાહનો લઇ જતા પણ ડરે એટલી હદે વીજપ્રશ્નો ગંભીર બન્યા છે. આ બાબતે ગામના જાગૃત નાગરિકો તેમજ ખેડૂતો દ્વારા વીજતંત્રના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરી ગામની જનતાને સતાવતા વીજ પ્રશ્નો હલ કરવા જણાવાયું છે. પરંતુ આજદિન સુધી કોઇ ધ્યાન અપાયું નથી. આમ, સિયાલજવાસીઓ માટે વીજપ્રશ્નો માથાનો દુખાવો બન્યા છે.

ઘોડા ખાડી પણ બને છે ભયજનક
ગામ નજીકથી પસાર થતી ઘોડા ખાડીમાં પણ ચોમાસામાં પાણી ભરાવાને કારણે પૂર આવે છે. જેથી તંત્ર ચેતવણી બોર્ડ મૂકી કામગીરી કરે છે. પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે એ જરૂરી છે. જો આ ખાડી પર પુલ બનાવવામાં આવે તો સિયાલજ અને પીલુઠાના લોકોને રાહત થઈ શકે.

એક્સપ્રેસ હાઇવેના નિર્માણમાં માટીપુરાણ થશે તો સિયાલજ ગામ નકસા પરથી મટી જશે: ખેડૂત આગેવાન અંદાજ શેખ
સિયાલજ ગામ પાસેથી વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પસાર થઇ રહ્યો છે અને જેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેની ડિઝાઇનમાં પુરાણ કરીને આ રસ્તો જો ઊંચો બનાવવામાં આવશે તો એક તરફ રેલવેનું પુરાણ અને બીજી તરણ એક્સપ્રેસ વેનું પુરાણ ઊંચું થાય તો શિયાલજ-કોસંબા સીમ સુધીની હજારો વીઘાં ખેતરો તથા શિયાલજ ગામના લોકોનાં ઘરોમાં પાણી ઘૂસવાથી ભયંકર જાનમાલનું નુકસાન થાય તેમ છે. આ બાબતે શિયાલજ ગામના ખેડૂત આગેવાન અંદાજ શેખે સુરત કલેક્ટરને અગાઉ લેખિત ફરિયાદ કરી જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી શિયાલજ ગામમાં ચોમાસાના પાણીના ભરાવાની સમસ્યા ચાલી આવે છે. જેનાથી ખેડૂતો, ગામવાસીઓ હેરાન-પરેશાન છે અને જો હાઇવે કે રેલવેનું પુરાણ થશે તો કદાચ સિયાલજ ગામ નકસા પરથી મટી જશે. સુરત કલેક્ટર સમક્ષ આ બાબતે પૂરતાં પગલાં ભરવાની માંગ પણ ખેડૂત આગેવાને અગાઉ કરી હતી.

ચોમાસામાં સિયાલજ-કોસંબા વચ્ચેનો ઇક્કડ ખાડીનો પુલ ડૂબી જાય છે
સિયાલજથી કોસંબા વચ્ચેનાં માર્ગ પર ઇક્કડ ખાડી આવે છે. જે ખાડી પર તદ્દન નીચો પુલ તંત્ર દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ પુલ ચોમાસાની સિઝન ટાંકણે વર્ષોથી વારંવાર પાણીમાં ગરકાવ થઇ જાય છે અને પુલ પર ૧૦ કે ૧૫ દિવસ સુધી પાણી ભરાયેલું રહે છે. સિયાલજ ગામના ખેડૂતો માટે પોતાનાં ખેતરોમાં આવવા-જવા માટે આ જ માર્ગ છે. જે માર્ગ તદ્દન નીચો હોવાથી અને દિવસો સુધી પુલ વરસાદના કે રેલના પાણીમાં ગરકાવ રહેતાં ખેડૂતો ત્રાહિમામ પોકારે છે. ખેડૂતો ઉપરાંત આ પુલ પરથી મોટે ભાગે નેશનલ હાઇવેનો ૧૨ કિલોમીટરનો ચકરાવો ટાળવા શોર્ટ રસ્તો પસંદ કરીને અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ તથા સિયાલજ ગામવાસીઓ પણ આ જ પુલનો ઉપયોગ કરે છે. આ પુલ વિસ્તારના ખેડૂતો માટે આધારસમાન છે અને ચોમાસામાં આ પુલ મોટા ભાગે પાણીમાં ડૂબેલો જ રહેતાં અનેક વખત પુલને ઊંચો બનાવવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં વિકાસનાં બણગાં ફૂંકતાં ચુંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ કે નેતાઓ આ પ્રશ્ને કોઇ ધ્યાન આપતા નથી. વધુમાં ગામવાસીઓ દ્વારા જાણવા મળ્યું છે કે, ચોમાસા સિવાય પણ કીમ નદી દ્વારા આ નિચાણવાળા વિસ્તારની ઇક્કડ ખાડીમાં પાણી આવે તો પુલ પાણીમાં ગરક જ રહે છે. જેથી સિયાલજ ગામના ખેડૂતોનાં ખેતરોમાંથી શેરડીનો કે અન્ય પાક કાઢવા માટે માત્ર ને માત્ર એક જ પુલવાળા રસ્તાનો વિકલ્પ હોવાથી ખેડૂતો ભારે લાચારીમાં મુકાઇ જતા હોય છે. એક તરફ ગુજરાત સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે તેમજ ખેડૂતોને મદદરૂપ થવા માટેનાં મોટાં બણગાં ફૂંકે છે, બીજી તરફ તદ્દન નીચો પુલ ઊંચો બનાવવાની રજૂઆત પ્રત્યે ધ્યાન ન આપતાં આજે પણ કમનસીબે ખેડૂતો અને જનતાની સમસ્યા યથાવત છે. સિયાલજ ગામ માંગરોળ તાલુકામાં સમાયેલું છે. જેથી આ નીચાણવાળા પુલ બાબતે માંગરોળના ધારાસભ્ય દ્વારા પણ રસ લઇને તેમના મત વિસ્તારની જનતા તેમજ ખેડૂતોની કાયમી સમસ્યા દૂર કરવા પુલને ઊંચો બનાવવા પ્રયાસો હાથ ધરવા જોઇએ.

પાદરે આવેલી દરગાહ હિન્દુ-મુસ્લિમો માટે એકતાનું પ્રતીક
સિયાલજ ગામની પાદરે આદિવાસીની વસતી પાસે એક વર્ષો જૂની ગંજેપીર અહમદશા બાવાની દરગાહ ગાયકવાડના સમયથી આવેલી છે. આ દરગાહ ખાતે ગામનાં હિન્દુ-મુસ્લિમો માનતા રાખીને મન્નતો ચઢાવે છે. આ દરગાહ ખાતે વર્ષોથી ઉર્સ અને કવ્વાલી પણ રાખવામાં આવે છે. જો કે, કોરોના કાળને કારણે હાલમાં ઉર્સ કે કવ્વાલીનો પ્રોગામ મોકૂફ છે. ગામવાસીઓના જણાવ્યા મુજબ આ દરગાહ જ્યારથી ગામ વસ્યું ત્યારથી જ સ્થાપીત હતી. પહેલાં દરગાહ કાચી હતી. ત્યારબાદ મુસ્લિમ સમાજે દરગાહની આગળ-પાછળ મોટું મકાન બનાવીને ગંજેપીર અહમદશા બાવાની દરગાહની સલામતી જાળવી લીધી અને વર્ષો જૂની આ દરગાહ આજે પણ નવા મકાનની જેમ દૂરથી જ સજજ દેખાય છે અને રોજ લોકો અત્રે દર્શને આવી મન્નતો ચઢાવી પોતાની મુરાદો દરગાહના બાવાને પેશ કરે છે.

ગામની ભાગોળે પુરાણ કરાતાં સિયાલજ ગામ ‘ડુબાણમાં’ જવાની દહેશત
સિયાલજ ગામની પાછળના ભાગેથી મુંબઇ-દિલ્હી રેલવે લાઇન પસાર થાય છે. અને હાલમાં રેલવે દ્વારા નવી રેલવે લાઇન નાંખવાની કામગીરી પૂરજોશમાં ચાલુ કરાઈ છે. કહે છે કે, મસમોટું માટીપુરાણ કરી ઊંચાઇ વધારાતાં અને નજીકમાં જ રેલવે દ્વારા લાઇનની લ્હાયમાં નવું પુરાણ કરી લેવલ વધારાતાં અને સાથે ચોમાસાના વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા પણ નહીં કરવામાં આવતાં આ માટીપુરાણને કારણે ચોમાસામાં ગામમાં પાણી ફળી વળે તેમ છે. જો નજીકમાંથી પસાર થતી કીમ નદીમાં પૂર આવે તો પાણીના નિકાલના અભાવે પૂરના પાણીમાં સિયાલજ ગામ ડુબાણમાં જાય તેવી દહેશત ગ્રામજનોને સતાવી રહી છે. સિયાલજ ગામની બે બાજુ ખાડી આવેલી છે. ઉપરાંત નાનાં-નાનાં કોતરો આવેલાં છે અને વિસ્તાર તદ્દન નીચો હોવાથી સામાન્ય વરસાદમાં પાણી પાણી થઈ જાય છે. તો મોટી માત્રામાં માટીપુરાણ કરી માર્ગનું લેવલ ઊંચું કરાતાં હવે શું થશે તેવા ભયથી ગ્રામજનો ફફડી રહ્યા છે. એવું પણ કહેવાય છે કે, રેલવે તંત્ર દ્વારા માટીપુરાણ કરવાની કામગીરીની શરૂઆત કરાઈ હતી ત્યારે ગામના કેટલાક લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ અધિકારીઓ દ્વારા પાણીના નિકાલ બાબતે કોઇ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી. આ બાબતે ગામવાસીઓએ અગાઉ ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી હતી. પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા આ બાબતે ચોક્કસ દિશામાં કોઇ નક્કર અને યોગ્ય કાર્યવાહી કરાઈ નથી. જેથી હાલમાં શરૂ થયેલા ચોમાસામાં સિયાલજ ગામે પૂરના પાણી વધારે માત્રામાં આવે તો કંઇક નવાજૂની થવાની પણ લોકોને દહેશત છે.
એક્સપ્રેસ હાઇવેના નિર્માણમાં માટીપુરાણ થશે તો સિયાલજ ગામ નકસા પરથી મટી જશે: ખેડૂત આગેવાન અંદાજ શેખ
સિયાલજ ગામ પાસેથી વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પસાર થઇ રહ્યો છે અને જેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેની ડિઝાઇનમાં પુરાણ કરીને આ રસ્તો જો ઊંચો બનાવવામાં આવશે તો એક તરફ રેલવેનું પુરાણ અને બીજી તરણ એક્સપ્રેસ વેનું પુરાણ ઊંચું થાય તો શિયાલજ-કોસંબા સીમ સુધીની હજારો વીઘાં ખેતરો તથા શિયાલજ ગામના લોકોનાં ઘરોમાં પાણી ઘૂસવાથી ભયંકર જાનમાલનું નુકસાન થાય તેમ છે. આ બાબતે શિયાલજ ગામના ખેડૂત આગેવાન અંદાજ શેખે સુરત કલેક્ટરને અગાઉ લેખિત ફરિયાદ કરી જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી શિયાલજ ગામમાં ચોમાસાના પાણીના ભરાવાની સમસ્યા ચાલી આવે છે. જેનાથી ખેડૂતો, ગામવાસીઓ હેરાન-પરેશાન છે અને જો હાઇવે કે રેલવેનું પુરાણ થશે તો કદાચ સિયાલજ ગામ નકસા પરથી મટી જશે. સુરત કલેક્ટર સમક્ષ આ બાબતે પૂરતાં પગલાં ભરવાની માંગ પણ ખેડૂત આગેવાને અગાઉ કરી હતી.

ઔદ્યોગિક એકમોમાંથી કેમિકલવાળું પ્રદૂષિત પાણી ઇક્કડ ખાડીમાં છોડાતાં આરોગ્યને પણ ખતરો
સિયાલજ ગામની ઇક્કડ ખાડીમાં ફેક્ટરીઓ દ્વારા કેમિકલ મિશ્રિત પાણી છોડાતાં ગામવાસીઓ માટે જોખમકારક છે. પશુઓને પાણી પીવડાવવા માટે તેમજ ખેતરોમાં પાણી પીવડાવવા માટે આ ઉત્તમ ખાડી ગણાય છે. પરંતુ છેલ્લા કેટલાક વખતથી આ ખાડી કિનારે આવેલા મહુવેજ ગામની હદમાંની ફેક્ટરી દ્વારા કેમિકલ મિશ્રિત જોખમી પાણી આ ખાડીમાં છોડવામાં આવતાં આજે ખેડૂતોની હાલત દયનીય બની છે. ગામની સીમમાં ચરવા જતાં પશુઓ પણ કેમિકલવાળા પાણીનો ભોગ બને છે અને ખેડૂતોની ફળદ્રૂપ જમીનને નુકસાન થાય છે. થોડા સમય પહેલાં જ આ બાબતે ખેડૂત મંડળ દ્વારા મહુવેજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને ખેડૂતમંડળના લેટર પેડ પર લેખિત ફરિયાદ આપી ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, મહુવેજ ગામ પંચાયતની હદમાં આવેલાં ઔદ્યોગિક એકમોમાંથી કેમિકલવાળુ પ્રદૂષિત પાણી ઇક્કડ ખાડીમાં છોડાતાં ખેતીની જમીનને તેમજ પાકને ભયંકર નુકસાન થઇ રહ્યું છે. અને ખેતી કરતાં ગરીબ મજૂરોને ગંભીર બીમારી જેવી કે દમ, અસ્થમા, કેન્સર જેવી બીમારી થાય તેવા સંકેત છે. આથી આવાં ઔદ્યોગિક એકમો સામે પંચાયત દ્વારા પૂરતાં પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી હતી.

Most Popular

To Top