Life Style

પ્રિય સન્નારી

કેમ છો?
વેકેશન કેવું ચાલે છે? ગૃહિણીઓને વેકેશન નથી હોતું એ પંકિત હવે દરેક સ્ત્રીઓ માટે બંધબેસતી નથી કારણ કે મોટાભાગની સ્ત્રીઓ કોઇ ને કોઇ રીતે પોતાની સ્પેસ મેળવી જ લે છે. હવે રસોઇમાં બ્રેક લેવો, બે-ચાર દિવસ આઉટીંગ માટે જવું કે સૂરજ માથે ચડે ત્યાં સુધી સૂવું એ સહજ બનતું જાય છે. છતાં સ્ત્રીઓને માથે જવાબદારી વધારે રહે છે એ વાત પણ એટલી જ સાચી છે. જો કે સોશ્યલ મીડિયા પર પણ સ્ત્રીઓ વધુ એક્ટિવ જોવા મળે છે અને ફોન પર કલાકો સુધી ગપ્પા પણ મારે છે એની પાછળ સ્ત્રીની એક્ટિવનેસ પણ કારણભૂત છે કારણ કે આજના સ્પર્ધા-શો – ઓફ અને ટેકનોલોજીના યુગમાં કોઇ પણ સ્ત્રીને બીજાથી પાછળ રહેવું પસંદ નથી તેથી વર્કિંગ વુમન હોય કે હાઉસ વાઇફ એનું સતત દોડવું અન્ય રીતે ચાલુ જ છે.
સન્નારીઓ, આજે આખો પરિવાર વેકેશનમાં મોબાઇલમાં ખૂંપી ગયેલો જોવા મળશે. રડયાંખડયાં બાળકો બહાર મેદાન પર કે અન્ય ગેમ્સ કે ટોયઝ રમતાં જોવા મળશે.

થોડી મમ્મીઓ સમર કેમ્પમાં બાળકોને મૂકી નિરાંતનો શ્વાસ લેશે પરંતુ વેકેશન એ બાળકોને હોમ મેનેજમેન્ટની તાલીમ આપવાનો પણ બેસ્ટ સમય છે. આજે કરિયર અને એજયુકેશન સિવાય અન્ય બાબતોને પ્રાયોરીટી અપાતી જ નથી. ઘરકામ ન આવડવું એ ફેશન છે, સ્ટેટસ સિમ્બોલ છે પરંતુ જયારે બાળકોને ઇમરજન્સીમાં એક કામ કરવું પડે તો તેઓ રઘવાયા થઇ જાય છે. એટલીસ્ટ દિવસમાં એક-બે કલાક વેકેશન પૂરતાં તો બાળકોને ઘરકામમાં જોડવા જોઇએ. થોડી ઘણી રસોઇ, ડસ્ટીંગ, વોશીંગ મશીન – ઓવન યુઝ કરવું, ટેબલ ડેકોરેશન, ફલાવરપોટ ડેકોરેશન, બેડશીટ્‌સ ચેન્જ કરવી કે પોતાનો વોર્ડરોબ ગોઠવવા જેવાં કામો તો અવશ્ય કરાવી શકાય.

આજે કોલેજ જતી છોકરીઓ પણ વ્યવસ્થિત બેડ-શીટ પાથરી શકતી નથી. કપડાંની ગડી વાળે કે ડૂચા કરે છે એ પણ સમજમાં નહીં આવે. પોતાનું વ્હીકલ્સ પણ તેઓ જાતે સાફ ન કરી શકે. વેકેશનમાં આ બધાં જ કામોની ટ્રેઇનિંગ મળવી જોઇએ. માત્ર છોકરીઓને જ નહીં છોકરાઓને પણ…. આજે બાળકોને આ બધા કામ ફાલતુ લાગે છે અને તેમાંય ઘરમાં નોકરચાકર હોય તો એમને ફાવતું મળે પણ આજે હોસ્ટેલમાં પણ કામચોર રૂમમેટ કોઇને ગમતો નથી. લઘરવઘર રૂમમેટથી બધા દૂર ભાગે છે. ન્હાઇને બાથરૂમમાંથી બહાર નીકળતાં પહેલાં પાણી રેડી વાઇપર ફેરવવા જેટલી સેન્સ ન હોય તો હોસ્ટેલમાં બાળકો ગાળો ખાય છે. વળી, આજે ફોરેન જનારાં બાળકોની સંખ્યા વધી છે.

અગર હાલમાં તેઓ થોડું શીખ્યા હશે તો આગળ ભારે નહીં પડે. જયારે તમારું સંતાન બહાર કોઇકને ત્યાં જાય ત્યારે ત્યાં એ પોતાનો રૂમ, પોતાની વસ્તુઓ, બાથરૂમની સ્વચ્છતા કેવી રાખે છે એના પરથી તમારી એક ઇમેજ ઊભી થાય છે. માત્ર તમારી જ નહીં પરંતુ તમારા બાળકની પણ એક ઇમ્પ્રેશન અને ઇમેજ ઊભી થાય છે એટલે જ બાળકને બાળપણથી જ એ ચોક્કસ અને વ્યવસ્થિત રહે તે માટે કેળવવો જોઇએ.

નોકરી કરો કે ધંધો કરો, આફટર ઓલ નિરાંતનો શ્વાસ તો ઘરે આવીને જ લેવાનો છે અને ઘરની સ્વચ્છતા – શણગાર અને સુઘડતા એક પોઝિટિવ એનર્જી આપે છે. ઘરનું સંચાલન એ માત્ર મેનેજમેન્ટ નથી આર્ટ અને સાયન્સ પણ છે કમાવાથી આ કામો ઓછું આંકવાની ભૂલ કોઇએ કરવા જેવી નથી. આજે યંગ કપલ્સમાં ઝઘડા વધ્યા છે કારણકે તેઓ એકલા રહે છે અને એમની પાસે ઘર ચલાવવાની કોઇ ટ્રેઇનિંગ નથી. વળી, મોડર્ન વુમન પતિ પાસે જે સપોર્ટ અને સમાનતાની અપેક્ષા રાખે છે તે ફળતી નથી એટલે ઝઘડા થાય છે. હાઉસહોલ્ડ એક્ટિવિટીઝ બાળકમાં અનેક ગુણો વિકસાવે છે.

જવાબદારીની ભાવના વિકસે છે.

સંશોધન બતાવે છે કે કોઇની પણ સહાયતા કરવાથી વ્યકિતમાં આત્મસન્માનની ભાવના વધે છે. પ્રસંશા થવાથી આત્મવિશ્વાસ વધે છે અને બીજી વાર કામ કરવાની પ્રેરણા મળે છે. એટલું જ નહીં ધીરે ધીરે કામ પ્રત્યે જવાબદારીનો અહેસાસ જન્મે છે. સંયુકત પરિવાર અને નોકર-ચાકરની સુવિધાને કારણે બાળકોને માથે કામ કરવાનું આવતું નથી. તેથી ફોસલાવીને તેમને એવાં કામો સોંપીને એમને સ્વાવલંબી બનાવવા જોઇએ.

શૈક્ષણિક – સામાજિક અને વ્યવહારિક કુશળતા વધે છે.
બાળક કામ દ્વારા વ્યવહારિક અને સામાજિક કુશળતા પણ શીખે છે. ઘર અને બહારનાં અંતરને સમજે છે. નિષ્ણાતોના મતે હાઉસહોલ્ડ એકિટવિટીઝ એવી વર્લ્ડ કલાસ પ્રવૃત્તિ છે જે કોઇ સંસ્થા કે સ્કૂલ દ્વારા ન શીખવી શકાય.

સ્ટ્રેસ લેવલ કંટ્રોલમાં રાખે છે.
ભણવાના બોજ તળે બાળકો માનિસક રીતે થાકે છે. કયારેક તો તેઓ એટલા તનાવગ્રસ્ત બની જાય છે કે ડિપ્રેશનમાં આવી જાય છે. એવા સંજોગોમાં ઘરનું ડસ્ટીંગ, વોર્ડરોબ ઠીક કરવો, કોઇ વસ્તુ માર્કેટમાં જઇને લાવવી કે કુકીંગમાં હેલ્પ કરવા જેવાં કામો મનને ડાયવર્ટ કરી સ્ટ્રેસ લેવલ ઓછું કરે છે.

તર્કશકિત વધારે છે.
ગૃહકામ કરતી વખતે ઉચિત – અનુચિત, સાચું-ખોટું સમજવાની અને સમયને સાચવવાની શકિત વિકસે છે. સામાજિક મૂલ્યોની સમજ અને પ્રેકટીકલ નોલેજ વધે છે. ફટાફટ નિર્ણય લેતાં શીખે છે.

પ્લાનીંગ આવડે છે
અગર બાર વર્ષનાં બાળકને બે કલાકમાં એનો રૂમ સરખો કરવાનો ટાર્ગેટ આપવામાં આવશે તો તે કયું કામ પહેલાં કરવું તે નકકી કરતાં શીખશે. આ ઉપરાંત કામ માટે તે ટી.વી., બહાર રમવું કે સ્ટડીનું પ્લાનિંગ પણ કરશે જેથી નિશ્ચિત સમયે એનું કામ પૂરું કરી શકે.

અનુશાસન શીખે છે.

અમુક કામ અમુક રીતે જ કરવું પડે, નિશ્ચિત સમયમાં અને નિશ્ચિત ક્રમમાં કરવું પડે તેથી બાળક સમયપાલન અને શિસ્ત શીખે છે. અગર તમે બાળકમાં આ ગુણ ઇચ્છતાં હો તો સમજાવી – પટાવીને પણ એમનાં રસરૂચિ મુજબ કામ શીખવવું જોઇએ. આ સિવાય ફર્સ્ટ એઇડ – સ્ટીચીંગ, ગ્રોસરી શોપીંગ જેવી પ્રવૃત્તિમાં જોડી શકાય. -સંપાદક

Most Popular

To Top