Dakshin Gujarat

ડાંગ અને વલસાડના ધરમપુરમાં રવિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ

સાપુતારા, ધરમપુર: (Saputara, Dharampur) રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા બે દિવસ દરમ્યાન ઠેરઠેર કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીને લઈને ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબિર સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ (Cloudy Atmosphere) છવાઈ રહેતા સમગ્ર પંથકોમાં શીતલહેર વ્યાપી જવા પામી હતી. સાથે ડાંગમાં સાંજનાં સુમારે ગામડાઓમાં કમોસમી વરસાદનાં (Rain) છાટણા પણ પડ્યા હતા. ઉપરાંત ધરમપુર તાલુકાના અંતિયાળ વિસ્તારમાં રવિવારે સાંજે વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ઉભા પાકને નૂકશાન થવા પામ્યું હતું.

ધરમપુરના અંતિયાળ વિસ્તારોમાં આવેલા બોપી, સાવરમાળ, ખાડા, ભવાડા, ગુંદીયા, ખડકી, મધુરી, અવલખડી સહિતના આઠ જેટલા ગામમાં અચાનક વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી માવઠું થતાં ખેડૂતોના ઉભા પાક ડાંગર, શાકભાજી સહિત કેરીના મબલખ પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવાની ભીંતિ સર્જાઈ છે. ડાંગ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવી જતા શિયાળુ પાકમાં શાકભાજી, સ્ટ્રોબેરી સહીત આંબાનાં નવા ફળને જંગી નુકસાન થવાની ભીંતિ વર્તાઈ હતી. સાપુતારામાં પણ વાદળછાયું વાતાવરણ છવાઈ રહેતા જોવાલાયક સ્થળો ટેબલપોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ, રોપવે રિસોર્ટ, સર્પગંગા તળાવનું બોટીંગ, રોઝ ગાર્ડન, પેરાગ્લાયડીંગ, સ્ટેપ ગાર્ડન, હેલીપેડ, વિવિધ એડવેન્ચર એક્ટિવિટી સહીતનાં સ્થળોનું વાતાવરણ આહલાદક બની જતા પ્રવાસીઓને મોજ પડી ગઇ હતી.

નવસારીમાં વાદળછાયું વાતાવરણ
નવસારી : નવસારીમાં રવિવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જોકે લઘુત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો થયો હતો. જ્યારે મહત્તમ તાપમાનમાં સાડા 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જોકે દિવસ દરમિયાન પવનો ફૂંકાતા થોડી ઠંડક વર્તાઈ હતી.

નવસારીમાં ગત 25મીએ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદથી લઘુત્તમ તાપમાનમાં સતત વધારો થતો રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રી વધ્યું છે. રવિવારે નવસારીમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ત્યારે લઘુત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો થયો હતો. જ્યારે મહત્તમ તાપમાનમાં સાડા 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જેથી નવસારીમાં થોડી ઠંડક વર્તાઈ હતી.

રવિવારે લઘુત્તમ તાપમાન 1.6 ડિગ્રી વધતા 18.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 6.6 ડિગ્રી ગગડતા 27.5 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 94 ટકા હતું. જોકે બપોરબાદ ભેજનું પ્રમાણ ઘટીને 72 ટકા જેટલું ઊંચું રહ્યું હતું. દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશાએથી 6.4 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.

Most Popular

To Top