Sankheda

બહાદરપુર નદી કિનારે બપોરે અચાનક લાગી આગ

આગમાં નીલગીરીના ઝાડ બળીને ખાક, ગ્રામજનોમાં અફરાતફરી
(પ્રતિનિધિ) સંખેડા, તા. 7 મે 2026
સંખેડા તાલુકાના બહાદરપુર ગામે નદી કિનારે બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતાં ગ્રામજનોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે આસપાસ રહેતા લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, બહાદરપુર ગામની નદી કિનારે અગમ્ય કારણોસર લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો.
આ ઘટનામાં ગ્રામ પંચાયતના નીલગીરીના અનેક ઝાડ આગની ઝપેટમાં આવી બળીને ખાક થઈ ગયા હતા. આગને કારણે વાતાવરણ ગમગીન બન્યું હતું.

સ્થાનિક લોકોએ તરત જ બહાદરપુરના સરપંચ ભૌમિકભાઈ દેસાઈને જાણ કરી હતી. સરપંચ દ્વારા તાત્કાલિક બહાદરપુર એપીએમસીના ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી. જોકે ફાયર ફાઇટર પહોંચે તે પહેલાં જ ગ્રામજનો જીવના જોખમે આગ બુઝાવવાની કામગીરીમાં જોડાઈ ગયા હતા.
પછી ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં નીલગીરીના ઝાડ બળીને ખાક થઈ ગયા હતા.
રિપોર્ટર— સુરેન્દ્રસિંહ ચાવડા, સંખેડા

Most Popular

To Top