SURAT

લોકપ્રિય લોકગાયિકા મૈથિલી ઠાકુર સુરતના મહેમાન બન્યા: હીરા ઘસ્યા અને બધાને ગુજરાતી ભજનોથી મંત્રમુગ્ધ કર્યા

બિહારની જાણીતી લોકગાયિકા અને અલીનગર વિધાનસભાના ધારાસભ્ય મૈથિલી ઠાકુર હાલ સુરતની મુલાકાતે આવ્યા છે. પોતાની મધુર અવાજ અને ભજનો માટે દેશભરમાં લોકપ્રિય બનેલા મૈથિલીએ સુરતમાં આવીને એક અનોખો અનુભવ કર્યો, જેને કારણે સુરતીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે તેમણે સુરતની મુલાકાતમાં સુરતના પ્રખ્યાત હીરા ઉદ્યોગને નજીકથી સમજવાનો પણ પ્રયાસ કર્યો છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કર્યા બાદ મૈથિલી ઠાકુર સીધા ગુજરાતના ડાયમંડ સિટી સુરત પહોંચ્યા હતા. અહીં તેમણે શહેરની ઓળખ સમાન ગણાતી હીરા ઇન્ડસ્ટ્રીની મુલાકાત લીધી. સુરતના જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાની હરેકૃષ્ણ ડાયમંડ ફેક્ટરીમાં તેઓ ખાસ મહેમાન તરીકે પહોંચ્યા હતી. ફેક્ટરીમાં તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

મૈથિલી ઠાકુર સામાન્ય રીતે સ્ટેજ પર ગાયકી કરતી જોવા મળે છે, પરંતુ આ વખતે તેઓ એક અલગ જ અંદાજમાં જોવા મળી. ફેક્ટરીમાં જઈને તેઓ રત્નકલાકારોની વચ્ચે બેસી ગઈ અને હીરા ઘસવાની પ્રક્રિયા ખૂબ જ ધ્યાનથી જોઈ. તેમણે માત્ર નિરીક્ષણ જ નહીં કર્યું, પરંતુ પોતે પણ મશીન પર બેસીને કાચા હીરાને ઘસવાનો પ્રયત્ન કર્યો. આ અનુભવ તેમના માટે ખૂબ જ નવાઈ ભર્યો રહ્યો. હીરા કેવી રીતે પથ્થર જેવી સ્થિતિમાંથી ચમકતા રત્નમાં પરિવર્તિત થાય છે, તે જોઈ તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. મૈથિલીએ જણાવ્યું કે હીરા ઘસવાનું કામ દેખાવમાં સરળ લાગે છે, પરંતુ તેમાં ખૂબ જ ધીરજ, એકાગ્રતા અને કૌશલ્યની જરૂર પડે છે. તેમણે રત્નકલાકારોની મહેનત અને કુશળતાની દિલથી પ્રશંસા કરી. આ દરમિયાન તેમણે પોતાના હાથમાં અસલી હીરા લઈને તેની ચમક અને કટિંગને નજીકથી અનુભવ્યું. તેમણે કહ્યું કે સુરતના કારીગરો ખરેખર જાદુ કરે છે, કારણ કે તેઓ એક સામાન્ય પથ્થરને વિશ્વભરમાં ચમકતા હીરામાં ફેરવી દે છે.

ફેક્ટરીની મુલાકાત દરમિયાન મૈથિલી ઠાકુરે સવજીભાઈ ધોળકિયા સાથે પણ મુલાકાત કરી. સવજીભાઈ, જેમને ડાયમંડ કિંગ તરીકે ઓળખવામાં આવે છે, તેમણે મૈથિલીને હીરા ઉદ્યોગનો ઇતિહાસ અને સુરતના વિકાસમાં તેની ભૂમિકા વિશે વિગતવાર માહિતી આપી. ફેક્ટરીમાં કાર્યરત આધુનિક મશીનો અને હજારો કામદારોની કામગીરી જોઈને મૈથિલી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ફેક્ટરીના કર્મચારીઓએ પણ મૈથિલી સાથે ફોટો લેવા માટે ઉત્સાહ બતાવ્યો હતો. હીરા ઉદ્યોગની મુલાકાત બાદ મૈથિલી ઠાકુરે સુરતમાં આયોજિત એક ભક્તિ કાર્યક્રમમાં પણ હાજરી આપી. અહીં તેમણે પોતાની ગાયકી દ્વારા સુરતીઓને મંત્રમુગ્ધ કરી દીધા. ખાસ વાત એ રહી કે મૈથિલીએ માત્ર હિન્દી કે ભોજપુરી નહીં, પરંતુ ગુજરાતી ભાષામાં પણ ભજનો ગાયા. તેમણે ભગવાન કૃષ્ણના લોકપ્રિય ભજન “કાનજી તારી ગોવાળણ” અને નરસિંહ મહેતાના પદોની રજૂઆત કરી. આ ભજનો સાંભળીને કાર્યક્રમમાં હાજર લોકો ખૂબ જ આનંદિત થયા અને તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું.

મૈથિલી ઠાકુરની આ મુલાકાત સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ ચર્ચામાં છે. હીરા ઘસતા તેમના વીડિયો અને ગુજરાતી ભજનો ગાતી તેમની ક્લિપ્સ ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો તેમની સાદગી અને નવી વસ્તુઓ શીખવાની ઇચ્છાની પ્રશંસા કરી રહ્યા છે. મૈથિલીએ પણ સુરત વિશે પોતાના અનુભવ શેર કરતાં કહ્યું કે આ શહેર માત્ર વેપાર અને ઉદ્યોગ માટે જ નહીં, પરંતુ સંસ્કૃતિ, કળા અને ભક્તિ માટે પણ જાણીતું છે. સુરતના લોકોની મહેમાનગતિ અને અહીંની પરંપરાએ તેમને ખૂબ જ પ્રભાવિત કર્યા છે. તેમણે જણાવ્યું કે આ મુલાકાત તેમના માટે યાદગાર બની રહેશે. મૈથિલી ઠાકુરની સુરત મુલાકાતે સંગીત, ઉદ્યોગ અને સંસ્કૃતિનું અનોખું મિલન જોવા મળ્યું. એક તરફ તેઓએ હીરા ઉદ્યોગની મહેનતને નજીકથી અનુભવી, તો બીજી તરફ પોતાની ગાયકી દ્વારા સુરતીઓના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી.

Most Popular

To Top