Madhya Gujarat

દાહોદ સમાજ કલ્યાણ શાખાના મળતિયા દલાલો દ્વારા ચલાવાતા કૌભાંડનો પર્દાફાશ કરાયો

સુખસર: દાહોદ જિલ્લામાં વસવાટ કરતા અનુસૂચિત જાતિના અનેક પરીવારો આઝાદીના દાયકાઓ બાદ પણ ગરીબીમાં સબડી રહ્યા છે.ત્યારે રાજ્ય તથા કેન્દ્ર સરકાર પણ ગરીબી રેખા હેઠળ જીવતા અનુસુચિત જાતિના લોકોને ગરીબી રેખા ઉપર લાવવા જિલ્લા સમાજ કલ્યાણ શાખા ના માધ્યમ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે.પરંતુ આ લાભો જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી નહીં પહોંચતા તકવાદી અને મળતિયા લોકો ઉઠાવી જતા હોય ગરીબ લોકો ઠેરના ઠેર રહે છે.તેમજ દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પરીવારો સરકાર દ્વારા મળવાપાત્ર લાભોની માહિતીના અભાવે વંચિત રહેતા આવેલ છે.જેનો ગેરલાભ ઉઠાવી કેટલાક તકવાદી તત્વો ગરીબ લોકોને મળવાપાત્ર લાભો અપાવવાની લાલચ આપી ગરીબોના નામે આવતા નાણા ઓહિયા કરી જઇ વધુને વધુ શોષણ કરી રહ્યા છે.

હાલ દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં અનુસૂચિત જાતિના અનેક પરિવારો સરકાર  દ્વારા મળતા લાભો મેળવવા પાત્રતા ધરાવે છે.પરંતુ તેઓ સુધી લાભો પહોંચી શક્યા નથી અને 18મી સદીમાં જીવન વિતાવતા હોવાનો અહેસાસ કરી રહ્યા છે.દાહોદ જિલ્લામાં વસવાટ કરતા અનુસૂચિત જાતિના રોહિત,વણકર તથા વાલ્મિકી સમાજના ગરીબ લોકો સાથે દાહોદ સમાજ કલ્યાણ શાખાના જવાબદારો સહિત તેમના મળતિયાઓ દ્વારા વર્ષોથી અન્યાય કરવામાં આવી રહ્યો છે.તેમજ જે ખરેખર ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો મળવા જોઈએ તેવા સરકારના ઉદેશને ધોળીને પી જતા જવાબદારો સહિત તેમના મળતીયા લોકો દ્વારા કરવામાં આવતા શોષણ બાબતે જિલ્લા કક્ષાએથી લઈ રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ વર્ષ-2019 થી વર્ષ-2022 સુધીમાં જે-જે લાભાર્થીઓને રોહિત તથા વણકર સમાજના લાભાર્થીઓને આંબેડકર આવાસ યોજના, વાલ્મિકી સમાજના લાભાર્થીઓને સફાઈ કામદાર આવાસ યોજનામાં આવાસની સહાય આપવામાં આવી હોય તે લાભાર્થી દીઠ તપાસ કરવી જરૂરી છે.

તેમજ જે લાભાર્થીએ લાભ મેળવ્યો હોય તેના દ્વારા સરકારના નિયમો મુજબ કામગીરી કરવામાં આવી છે કે કેમ? તેની જિલ્લાના તમામ તાલુકાના ગામડાઓમાં તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવા અને તેમાં ગેરરીતિ આચરવામાં આવી હોય તો કસુરવારો સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી છે. જિલ્લામાં અનેક મળતિયા બોગસ લાભાર્થીઓએ તંત્રના મેળાપીપણામાં આંબેડકર આવાસ,સફાઈ કામદાર આવાસ યોજનાના નાણામાં ગંભીર ગોટાળા આચર્યા હોવા સહિત ગટર સફાઈ માટેના ડીઝલ એન્જિનના લાભાર્થીઓ ને દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ શાખાના જવાબદારોએ કોઈપણ પ્રકારની તપાસ કર્યા વિના ચેક દ્વારા નાણા આપી દેતા કોઈ લાભાર્થીએ મશીનની ખરીદી નહીં કરતા તે નાણાંનો પણ દુરુપયોગ થયો હોવાનું રજૂઆતમાં જણાવ્યું છે.

જેમાં લીમખેડા,દેવગઢ બારીયા તથા ગરબાડા તાલુકામાં ડીઝલ એન્જિનના લાભાર્થીઓની તટસ્થ તપાસ થાય તેવી પણ માગણી કરવામાં આવી છે. સાથે-સાથે અનુસૂચિત જાતિના અભ્યાસ કરતા બાળકો માટે સરકાર સંચાલિત આશ્રમશાળાઓ કે જેમાં દાહોદ જિલ્લાના ઉકરડી,પિપલોદ તથા સીંગવડ ખાતે ચલાવવામાં આવી રહી છે તેની પણ તપાસ કરવા માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. વધુમાં રજૂઆત કર્તા દ્વારા જાણવા મળ્યા મુજબ ઉપરોક્ત ગેરરીતિઓ બાબતે દૈનિક સમાચાર પત્રોમાં પ્રેસનોટ પણ આવેલ.

તેમ છતાં તે બાબતે કોઈ કાર્યવાહી હાથ નહીં ધરાતા પ્રધાનમંત્રી તથા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ,નવી દિલ્હી. મુખ્યમંત્રી,મંત્રી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,નિયામક અનુસૂચિત જાતિ,માનવ અધિકાર પંચ ગુજરાત રાજ્ય ગાંધીનગર સહિત દાહોદ જિલ્લા કલેકટર તથા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી નિષ્પક્ષ અને તટસ્થ તપાસ હાથ ધરી અનુસૂચિત જાતિના ગરીબ લોકો સાથે અન્યાય કરતા તત્વો સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને જણાવ્યું છે કે,દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ શાખા દ્વારા ચલાવાતા મનસ્વી વહીવટની સંતોષકારક તપાસ કરવામાં નહીં આવે તો આખરે રજૂઆત કર્તા દ્વારા હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે.

Most Popular

To Top