Vadodara

ભાજપના નેતાઓની હેટ સ્પિચ ભારતને ભારે પડી શકે છે

હેટ સ્પિચ બાબતમાં ભાજપ પક્ષ હંમેશા બેવડી નીતિ દાખવી રહ્યો છે. ભાજપના નેતાઓ હંમેશા મુસ્લિમ ધર્મને અને ધર્મગુરુઓને ઊતારી પાડવામાં પરાક્રમ જુએ છે. જ્યારે મુસ્લિમ સમાજ તરફથી તેનો બેકલેશ આવે ત્યારે ભાજપ પક્ષ દ્વારા સત્તાવાર રીતે તેને વખોડી કાઢવામાં આવે છે અને ધાર્મિક સહિષ્ણુતા તેમ જ ભાઈચારાની સુફિયાણી વાતો કરવામાં આવે છે. વળી, જે નેતાઓને અભદ્ર ટિપ્પણી બદલ પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય કે ઠપકો આપવામાં આવ્યો હોય, તેમને ભાજપના જ સોશિયલ મીડિયા સેલ દ્વારા હીરો તરીકે ચિતરવામાં આવે છે.

ભાજપના 2 ભૂતપૂર્વ પ્રવક્તાઓ દ્વારા પયગમ્બર સાહેબ વિષે અણછાજતાં વિધાનો બાબતમાં ભાજપનો આ પાખંડ ઉઘાડો પડી ગયો છે. નૂપુર શર્મા અને નવીન જિન્દાલના બેફામ વાણીવિલાસથી ભારતના 20 કરોડ મુસ્લિમોની ધાર્મિક લાગણી દૂભાઈ તેની સરકારને બિલકુલ પરવા નહોતી, પણ 20 ઇસ્લામિક દેશો દ્વારા તેનો જે રીતે સજ્જડ વિરોધ કરવામાં આવ્યો તેને કારણે ભાજપને પારોઠના પગલાં ભરવાની ફરજ પડી છે. ઇસ્લામિક દેશો સાથે ભારતના જે આર્થિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધો છે તે જોતાં ભાજપના નેતાઓની હેટ સ્પિચ ભારતના અર્થતંત્રને પણ સંકટમાં મૂકી શકે તેમ છે.

ભારતમાં હિન્દુત્વનું પુન:જાગરણ થઈ રહ્યું હોય, તે દેશના 100 કરોડ હિન્દુઓ માટે આનંદના સમાચાર હોઈ શકે છે. આ પુન:જાગરણ મુસ્લિમો પ્રત્યે ધિક્કાર અને તિરસ્કારના પાયા ઉપર હશે તો ભારતના બીજી વખત ભાગલા થયા વિના રહેશે નહીં. ભાજપના અનુરાગ ઠાકુર, તેજસ્વી સૂર્યા, ગિરિરાજ સિંહ, કપિલ મિશ્રા અને સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને તો જાણે મુસ્લિમોને ગાળો ભાંડવાની જ જવાબદારી સોંપવામાં આવી છે. તેમની હેટ સ્પિચને કારણે ભાજપને વાડ ઉપર બેઠેલા કરોડો હિન્દુઓના મતો મળી શકે છે પણ તેનાથી દેશમાં ધિક્કારનો માહોલ પેદા થાય છે. વર્તમાન પ્રકરણમાંથી બોધપાઠ લઈને ભાજપે પોતાની આ દાંભિક નીતિમાં ફેરફાર કરવો પડશે.

ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તાઓ નૂપુર શર્મા અને નવીન જિન્દાલ દ્વારા યોજનાબદ્ધ રીતે ટાઇમ્સ જૂથની નવભારત ચેનલ પર જે ગંદકી ઠાલવવામાં આવી તેની અસલી વિલન આ શોની સંચાલક નાવિકા કુમાર હતી. તેણે લાઈવ ચર્ચા દરમિયાન ભાજપના પ્રવક્તાઓને પયગમ્બરની બદબોઈ કરતા રોક્યા નહોતા પણ તેમને પ્રોત્સાહન આપ્યું હતું. ભાજપના પ્રવક્તાઓની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે પણ નાવિકા કુમારને ઉની આંચ આવી નથી. કારણ કે તેમને મજબૂત રાજકીય પીઠબળ છે.

ભાજપ દ્વારા રોષે ભરાયેલા ઇસ્લામિક દેશોના ગુસ્સાને શાંત પાડવા નિવેદનમાં જે ડાહી ડાહી વાતો કરવામાં આવી છે, તેમાં ભારતની ધાર્મિક સહિષ્ણુતાની પરંપરાની દુહાઈ દેવામાં આવી છે અને ભારતના બંધારણના પાયાના મૂલ્યોને પણ યાદ કરવામાં આવ્યા છે. સવાલ એ છે કે ભાજપના પ્રવક્તાઓ જાહેરમાં જ્યારે ઇસ્લામની બદબોઈ કરતા હોય ત્યારે તેઓ આ હકીકત કેમ ભૂલી જાય છે? ભાજપના નેતાઓ દ્વારા નિયમિત સમયાંતરે જે હેટ સ્પિચ આપવામાં આવે છે, તે કોઈ સ્લિપ ઓફ ટંગ નથી પણ ભાજપની કૂટનીતિનો એક ભાગ છે.

છેલ્લા કેટલાક સમયથી હિન્દુત્વના પુનર્જાગરણના નામે ભારતના વિવિધ ભાગોમાં જે ધર્મ સંસદો યોજવામાં આવે છે, તેમાં તો ઇસ્લામ બાબતમાં કાનમાં કીડા ખરે તેવા ભાષણો આપવામાં આવે છે. આ ભાષણોને પદ્ધતિસર રીતે સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવે છે. આ બાબતમાં સરકારનું ધ્યાન દોરવામાં આવે અને ટીકાનો ધોધ વહેતો થાય, તે પછી હેટ સ્પિચ આપનારા તથા કથિત સંતો અને મહંતો સામે ફરિયાદ દાખલ કરવામાં આવે છે. આ ફરિયાદમાં હેટ સ્પિચ આપનારાને જામીન મળી જાય છે પણ નરસિંહાનંદ જેવા હિન્દુઓના હૈયાના હાર બની જાય છે. ભાજપના નેતાઓનું ધ્યાન આ હેટ સ્પિચ તરફ દોરવામાં આવે છે, ત્યારે તેઓ સત્તાવાર રીતે તેને રદિયો આપતા હોય છે પણ બંધબારણે આવી સ્પિચ આપતા સંતોને ઉત્તેજન આપતા હોય છે.

નૂપુર શર્મા અને નવીન જિન્દાલના જાહેર ઉચ્ચારણો બાબતમાં ભાજપે ઘૂંટણિયે પડવું પડ્યું, તેની પાછળ સર્વધર્મ સમભાવની ભાવના કામ નથી કરી ગઈ પણ ઇસ્લામિક દેશોની જાગરૂકતા અને એકતા કામ કરી ગઈ છે. ઈસ્લામિક દેશો સાથે ભારતના ગાઢ વેપારી સંબંધો છે. યુનાઈટેડ આરબ અમીરાતની કુલ વસતિના 35% ભારતીયો છે, તો કુવૈતની 24% અને કતારની 26% વસતિ ભારતીયોની બનેલી છે. ભારત તેની જરૂરિયાતનું 60% ખનિજ તેલ આરબ દેશોમાંથી આયાત કરે છે. જો તેઓ ભારત સાથેનો વેપાર બંધ કરે તો ભારતમાં કટોકટી જાહેર કરવી પડે.

ભારતમાં આયાત અને નિકાસ વચ્ચેની જે ખાઈ છે, તેને પૂરવામાં ગલ્ફમાં વસતા ભારતીયો દ્વારા કમાઈને મોકલવામાં આવતા અબજો ડોલર ભારત માટે સંકટમોચકનું કામ કરે છે. ભારતમાં જે વિદેશી હૂંડિયામણ કમાણીના રૂપમાં આવે છે, તેના 50%થી વધુ 5 અખાતી દેશોમાંથી આવે છે. જો ભારતમાં આ હૂંડિયામણનો પ્રવાહ બંધ થઈ જાય તો ભારતની હાલત પણ શ્રીલંકા જેવી થઈ જાય તેમ છે. ભારત સરકારને આ વાતની બરાબર જાણ હોવાથી, તેણે કટોકટી ટાળવા ત્વરિત પગલાં ભર્યાં છે. ઇસ્લામિક દેશો દ્વારા પયગમ્બર સાહેબના અપમાન સામે જે ચાંપતાં પગલાંઓ લેવામાં આવ્યા, તેમાંથી હિન્દુ પ્રજાએ પણ બોધપાઠ લેવાની જરૂર છે.

ભારતમાં અને વિદેશોમાં દાયકાઓથી હિન્દુ દેવી – દેવતાઓનું અપમાન કરવાનો અને તેમને ઊતારી પાડવાનો ટ્રેન્ડ ચાલે છે. M. F. હુસૈન જેવા પેઇન્ટરો દ્વારા હિન્દુ દેવી – દેવતાના બિભત્સ ચિત્રો દોરવામાં આવ્યા, તેની પણ કેટલાક આર્ટ ક્રિટિકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. અમેરિકામાં ઘણી વાર ગંજી અને જાંઘિયા પર હિન્દુ દેવી – દેવતાઓની તસવીરો છાપવામાં આવતી હોય છે. ભારતમાં હિન્દુત્વનો ઠેકો લઈને બેઠેલી ભારત સરકારે ક્યારેય તેની સામે વિરોધ નોંધાવ્યો હોય કે અમેરિકાના માલનો બહિષ્કાર કરવાની ધમકી આપી હોય તેવું જાણમાં આવ્યું નથી. ભાજપનો હિન્દુત્વ માટેનો જે પ્રેમ છે તે સપાટી ઉપરનો અને તકલાદી છે. તેનો મર્યાદિત ઉપયોગ હિન્દુઓના મતો પડાવવા માટે થાય છે.

ભાજપ અને સંઘપરિવારને હિન્દુત્વ માટે કેટલો પ્રેમ છે? તેનો ખ્યાલ ગોવા તેમ જ ઇશાન ભારતના રાજ્યોમાં તેની બીફ માટેની નીતિમાં આવે છે. ભાજપ અને સંઘપરિવાર સત્તાવાર રીતે ગૌહત્યાના વિરોધી છે અને બીફ ખાવાની કલ્પના પણ કરતા નથી. તેમની આ કટ્ટરતા કાઉ બેલ્ટ પૂરતી જ મર્યાદિત છે. ગોવામાં અને ઇશાન ભારતમાં ખ્રિસ્તીઓની મોટી વસતિ છે અને બીફ તેમના માટે સંવેદનશીલ મુદ્દો છે. જો આ રાજ્યોમાં ભાજપ બીફનો વિરોધ કરે તો તે ક્યારેય સત્તા હાંસલ કરી શકે નહીં. આ કારણે આ રાજ્યોમાં ભાજપ બીફનું સમર્થન કરીને ચૂંટણી જીત્યો છે.

ભાજપ અને સંઘપરિવારના નેતાઓ દ્વારા છાસવારે જે ઈસ્લામ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવે છે, તે હિન્દુત્વની મૂળભૂત વિચારધારાથી પણ વિરુદ્ધ છે. હિન્દુસ્તાનના કોઈ પણ ધર્મમાં અન્ય ધર્મોની બદબોઇ કરવાનું કહેવામાં આવતું નથી. હા, ભારતમાં વિવિધ ધર્મો વચ્ચે વાદવિવાદ સદીઓથી ચાલતા આવ્યા છે પણ તે વાદ શાસ્ત્રીય ચર્ચા પૂરતા મર્યાદિત રહ્યા છે. ધર્મોની નિંદા કરવી તે તો ભાજપની અને સંઘપરિવારની વિરાસત છે, જે દેશની એકતા માટે ઘાતક છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top