Comments

ચોમાસું આવતું નથી, કોરોના ડરાવે છે : આપણું હજુ જામતું નથી, ભાજપ ખોટો ડરે છે

કાળઝાળ ગરમી સાથે અસહ્ય ઉકળાટથી હેરાન – પરેશાન ગુજરાતને મેઘરાજાના આગમનની પ્રતીક્ષા છે, પણ મેઘરાજા મહારાષ્ટ્રની હદ ઓળંગીને દક્ષિણ ગુજરાતમાં ઝટ પ્રવેશતા નથી. ચોમાસું જલદી આવતું નથી ને બીજી તરફ કોરોનાના કેસ પાછા વધતા જઇ રહ્યા છે. લોકોમાં ભય અને અજંપો ફેલાઇ રહ્યો છે. ઉનાળાની ગરમીમાં તપેલો વાયરસ જાણે ફરીથી તાજો – માજો થઇને ત્રાટકું ત્રાટકું થઇ રહ્યો છે.

કંઇક લોકો ફરીથી માસ્ક પહેરતા થઇ ગયા છે. આટઆટલો હઇશો હઇશો થયો પણ વાસ્તવિકતા એ છે કે રાજ્યમાં હજુ આજની સ્થિતિએ તો માંડ 2 % લોકોએ જ કોવિડ વેક્સિનના પૂરો ડોઝ લીધેલા છે. કોરાનાની ચોથી લહેર જાણે ગુજરાતને દરવાજે દસ્તક દઇ રહી છે. કદાચ એને પણ વહેલી ચૂંટણી આવવાની ગંધ તો નહીં આવી ગઇ હોય ને? ચૂંટણીને ને કોરોનાને આપણે ત્યાં જબરી લેણાદેણી છે. સંજોગો સારા હોય તો ચૂંટણી આવવાની હોય ત્યારે કોરોના ગુમ થઇ જતો હોય છે. પરંતુ હમણાં હમણાંથી જે રીતે કેસો વધવા લાગ્યા છે તે જોતા એવું લાગ્યા કરે છે કે આ ચૂંટણીનું શું થશે?

વહેલી નહીં આવે? સૌરાષ્ટ્રનો મોદીપ્રિય કોળી નેતા ડો. ભરતભાઇ બોઘરા તો ઓક્ટોબર અંત સુધીમાં ચૂંટણી આચારસંહિતા આવી જવાની ભવિષ્યવાણી ભાખી રહ્યા છે ને જોવાની વાત એ છે કે ડો. બોઘરાના કટ્ટર રાજકીય હરીફ અને કોળી નેતા કુંવરજીભાઇ બાવળિયા બોઘરાની વાત કાપ્યા વિના રહેતા નથી. ચૂંટણીપંચ કહે ત્યારે ચૂંટણી આવે એમ કંઇ ન આવી જાય એવા કથન કહી રહ્યા છે. ગુજરાતનું પાટીદાર રાજકારણ જેટલું ને જેવું દિલચસ્પ છે, એવું જ રસપ્રદ કોળી રાજકારણ છે. ડો. બોઘરા અને બાવળિયાની વચ્ચે એમાં ભાજપ – કોંગ્રેસ જેવા જંગ જામેલા રહે છે. એટલે જ નરેન્દ્રભાઇ મોદી જેવા વિચક્ષણ નેતા બાવળિયા કે બોઘરા જ નહીં, પુરુષોત્તમ સોલંકીને પણ ઓવરટેઇક કરીને ડો. મહેન્દ્ર મુંજપરા જેવા સંનિષ્ઠને ઊભા કરી છેક કેન્દ્રિય કેબિનેટમાં પણ ગોઠવી દે છે ને બીજા બધાય નેતાઓ હાથ ઘસતા રહી જાય છે.

જો કે પાટીદારોની જેમ કોળી રાજકારણનું ઠેકાણે પડે છે કે નહીં એની રાહ જોવાની ચૂંટણીને ક્યાં ફુરસદ છે! એ તો નરેન્દ્રભાઇ મોદીની સામે જ જોવે છે (ને મોદી તો ચૂંટણી સામે જ જોવે છે). એટલે જ આજકાલ ગુજરાતમાં નરેન્દ્રભાઇ મોદીના આંટાફેરા વધી ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ તો બરાબર પણ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ (આનંદીબહેન) પણ આજકાલ ગુજરાતનો પ્રવાસ વધુ ખેડી રહ્યાં છે.

બીજાનો હોય કે ન હોય પણ પાટીદાર મતદારો – નેતાઓ પર એમનો પ્રભાવ હજુ પણ છે. નરેન્દ્રભાઇનું અવારનવાર ગુજરાત આવવું એ કાળઝાળ ગરમીમાં ઘટાદાર વાદળના થતાં આકાશી આગમન જેવું છે. પાર્ટીનો બફારો ને કંઇક નેતાઓ – કાર્યકર્તાઓનો ઉકળાટ જરા તરા ઓછો તે થાય. ગઇ 29મી મેએ પણ નરેન્દ્રભાઇ આવ્યા હતા, ગઇ કાલે શુક્રવારે આવેલા ને હજુ આગામી 18મીએ પણ તેઓ આવી રહ્યા છે. વડોદરું પોતાના એક સમયના લોકસભાના લાડીલા પ્રતિનિધિને આવકારવા જાણે ઘેર ઘેર તોરણો બાંધીને પ્રતીક્ષા કરી રહ્યું છે. ભલે ને આતંકવાદી ધમકીઓને પગલે રોડ – શો કેન્સલ કરવો પડ્યો હોય!

 આમ છતાં ગુજરાતની નરેન્દ્રભાઇની પ્રત્યેક મુલાકાત ચૂંટણીલક્ષી આયોજન બનતી રહે છે. તેમની ગુજરાતની તાજેતરની મુલાકાતો પાટીદાર, આદિવાસી, યુવાવર્ગ અને શહેરી મતદારો પર કેન્દ્રીત રહી છે. મતદારોના ચોક્કસ વર્ગ કે સમુદાયને તેઓ ખાસ કોન્સન્ટ્રેટ કરે છે. સાથે અસંતુષ્ટો તેમજ જેમના પત્તા કાપવાના છે, એવા નેતાઓ કે જુથોની પીઠ પર હાથ ફેરવીને તેઓ એવી ચકાસણી જાણે કરી લે છે કે કોની પીઠ કેટલી મજબૂત છે અથવા કોની પીઠ કેટલો આઘાત કે માર સહન કરવા સક્ષમ છે! ગુજરાત ભાજપના મહેનતુ પ્રમુખ આવારનવાર જે સંકેતો કે નિર્દેશો આપતા આવ્યા છે કે કોઇ એવું માની ન લે કે મને તો ટિકિટ મળશે જ, ન પણ મળે એવું પણ બને. મતલબ કે ભલભલા કપાઇ શકે છે. કોઇની લાગવગ કે ઇન્ફ્લુઅન્સ નહીં જ ચાલે. એ જોતા ટિકિટોની વહેંચણીમાં એવી તે કાપાકાપી મચવાની છે તેને અત્યારથી જ કાબૂ કરવા કે ઠારી દેવાના ઇરાદાઓ – આગોતરા આયોજનો માટે નરેન્દ્રભાઇ આજકાલ ગુજરાતનો વધુ પ્રવાસ ખેડી રહ્યા છે.

નરેન્દ્રભાઇની નજરમાં આવવા ભાજપના જ નહીં, કોંગ્રેસના પણ કંઇક નેતાઓ જેઓ ભાજપમાં આવવા થનગની રહેલા છે તેઓ ભારે બહાવરા બનેલા લાગે છે. એટલે જ રાજ્યના રાજકીય વર્તુળોમાં એવી વાતો વહેતી થયેલી છે કે કોંગ્રેસના 6 – 7 ધારાસભ્યો ભાજપમાં જોડાવા તૈયાર છે. બસ, કેસરિયો ખેસ એમની તરફ ક્યારે ઇશારો કરે છે એનો કંઇકને ઇન્તેજાર છે. હાર્દિક પટેલ જ્યારથી ભાજપમાં જોડાઇ ગયા છે, ત્યારથી કંઇક બચેલા – કચેલા કંઇ પાટીદાર નેતાઓ કોંગ્રેસ સાથે નારાજ દેખાઇ રહ્યા છે. એવા નેતાઓ પણ સિગ્નલ મળવાની રાહ જોઇને બેઠેલા છે. સાવ સાફ થઇ જઇએ તેને બદલે સમયસર ભાજપમાં જતા રહીએ તો આજે નહીં ને કાલે આપણો ભાવ તો આવે!

 આવા વાતાવરણ વચ્ચે આમઆદમી પાર્ટીએ ઓચિંતી સફાઇ શરૂ કરી છે. ગુજરામાં હજુ કંઇ પગદંડો જામે તે પહેલા જ આપણા સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પાર્ટીના ગુજરાતના માળખાને આશ્ચયર્જનક રીતે ઓચિંતું વિખેરી નાખ્યું છે. પાછું કારણ એવું દેખાડાઇ રહ્યું છે કે આગામી ચૂંટણીના અનુસંધાને નવા પ્રદેશ માળખાની રચના કરાશે. જો કે સાથે એવી પણ દલીલ થઇ રહી છે કે મોટા કોઇ ફેરફારો કરાશે નહીં.

જો આવું જ કરવું હોય તો પછી વિખેરી નાખવાની શી જરૂર છે? આમઆદમી પાર્ટીનો એવો પેંતરો એટલે સમજાય એવો લાગતો નથી કે અમદાવાદ, રાજકોટ, મહેસાણા જેવા શહેરોમાં સફળ રોડ – શો અને રેલીઓ યોજ્યા પછી પાર્ટીએ આવું કરવાની શી જરૂર છે? ગમે તેમ પણ કેજરીવાલ આણિમંડળીએ જે રીતે શિક્ષણથી માંડીને પાણી – વીજળી – મોંઘવારી જેવા મુદ્દાઓને જે રીતે ઉછાળ્યા છે ને ભાવવધારાથી ભીંસાતી પ્રજાનો કેટલોક વર્ગ વિસ્મયભરી નજરે આમઆદમી પાર્ટી સામે જોતો થયો છે. તે જોતા ભાજપને એનો છુપો ભય તો સતાવી જ રહ્યો છે. આ તો ગનિમત છે કે ભાજપવાળા યેનકેન પ્રકારેણ નરેશભાઇ પટેલ જેવાઓને કમસે કમ કોંગ્રેસમાં તો જતાં
અટકાવી શક્યા.

જો આવું મન થઇ શક્યું હોત તો ભાજપ જે હાલમાં ડર અનુભવે છે, તે હજુ ઘણો વધારે હોત. જો કે ભાજપને વધુ ડર તો ઘરના ઘાતકીઓનો છે. ચૂંટણી વખતે જેઓ કદ પ્રમાણે વેતરાશે, તેઓને ઝીલવા માટે આમઆદમી પાર્ટીએ પોતાના ગુજરાત પ્રદેશ માળખાને બરાબર ઝાડૂ ફેરવીને ચોખ્ખુ ચણાક કરીને રાખેલું છે. જો કે ભાજપનો આ બધો ડર ખોટો છે એ વાત નરેન્દ્રભાઇ જેટલી સમજે છે, એટલી એમના બીજા નેતાઓ સમજતા લાગતા નથી. મોદી હી હૈ તો મુમકીન હૈ.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top