Dakshin Gujarat

મહુવાના આ ગામમાં વેક્સિનના પ્રિકોશન ડોઝ લીધા વગર અપાયું સર્ટિફિકેટ!, આરોગ્ય તંત્રના છબરડા

અનાવલ: મહુવાનાં (Mahuva) ગામોમાં વડીલોનો રસી (Vaccine) આપવા માટેનું એક અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે રસી આપ્યા વિના જ સર્ટિફિકેટ (Certificate) આપી દેવામાં આવ્યું હોવાની ફરિયાદ બહાર આવી છે. કરચેલિયાના વડીલ રસી લેવા હેલ્થ સેન્ટર (Health Center) પર જાય તે પહેલાં જ તેમને સર્ટિફિકેટ જનરેટ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આ એક મોટો છબરડો બહાર આવ્યો છે. તાલુકામાં કેટલા લોકો સાથે આ બનાવ બન્યો એ તપાસનો વિષય બન્યો છે.

મહુવા તાલુકામાં કોરોનાએ ભારે કહેર વર્તાવ્યો હતો. તાલુકામાં કોરોનાથી મોટી સંખ્યામાં મોત નીપજ્યાં હતાં. હાલ પુન: મહુવા તાલુકામાં અનાવલ ખાતે કોરોના પોઝિટિવના કેસ સાથે પગપેસારો થઈ ચૂક્યો છે. તાલુકામાં કોરોનાની વેક્સિનની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા હતા. પરંતુ સ્થાનિક કક્ષાએ જ વાત દબાઈ જતી હતી. ત્યારે હાલ તાલુકાના કરચેલિયા ખાતે વેક્સિન બાબતે થયેલા છબરડાનો કિસ્સો બહાર આવ્યો છે.

કરચેલિયા ખાતે રહેતા શૈલેષ તારાચંદજી પારેખ ઓફિસમાં હતા. એ દરમિયાન તા.14-6-2022ના રોજ 3:58 સમય દરમિયાન વેક્સિનનો પ્રિકોશન ડોઝ સફળતાપૂર્વક લેવામાં આવ્યો હોવાના મેસેજ સાથે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની લિંક આપવામાં આવી હતી. સર્ટિફિકેટ ડાઉનલોડ કરતા તે પણ સફળતાપૂર્વક મળી ગયું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, શૈલેષભાઇ પ્રિકોશન ડોઝ લેવા જ નથી ગયા તો સર્ટિફિકેટ કેવી રીતે આરોગ્ય કેન્દ્ર દ્વારા આપી દેવામાં આવ્યું? આ મેસેજ આવતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા.

સરકારી ચોપડે વેક્સિનની સારી કામગીરી દેખાડવા સ્થાનિક તંત્ર દ્વારા આ રમત રમાતી હોવાની આશંકા સેવાઈ રહી છે. કોરોનાના પહેલા અને બીજા ડોઝ સમયે પણ કેટલાંક ગામોમાં આ મુદ્દે ગણગણાટ ઊઠ્યો હતો. ત્યારે કરચેલિયાના વડીલની જાગૃતતાને લીધે સ્થાનિક આરોગ્ય તંત્રની લોલમલોલ ખુલ્લી પડી ગઈ છે. ત્યારે આ એકમાત્ર ભૂલ થઈ છે કે આવા અનેક છબરડા થયા છે. આ ગંભીર બાબતે ઉચ્ચસ્તરીય તપાસની આવશ્યકતા વર્તાઈ રહી છે.

વેક્સિન લીધા વિના આવું કેવી રીતે શક્ય બને એ મને સમજાતું નથીશૈલેષભાઈ પારેખ (કરચેલિયા)
હું આજે મારી ઓફિસે બપોરે 3:45 વાગ્યાના અરસામાં બેઠો હતો. એ દરમિયાન મારા મોબાઈલ પર પ્રિકોશન ડોઝ લઈ લીધાનો મેસેજ આવ્યો હતો. અને મેસેજમાં આવેલી લિંક પર ક્લિક કરતાં વેક્સિન લઈ લીધાનું સર્ટિફિકેટ પણ ડાઉનલોડ થઈ ગયું હતું. જે જોઈ હું એકદમ ચકિત થઈ ગયો. વેક્સિન લીધા વિના આવું કેવી રીતે શક્ય બને એ મને સમજાતું નથી. જેથી મેં ત્વરિત આ અંગે આરોગ્ય વિભાગનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે.

વેક્સિન લીધા વગર મેસેજ આવે નહીંમનોજભાઈ ચૌધરી-તાલુકા આરોગ્ય અધિકારી
વેક્સિન લીધા બાદ જ એન્ટ્રી કરવામાં આવે છે અને ત્યારબાદ મેસેજ આવે છે અને સર્ટિફિકેટ ડાઉનલોડ થાય છે. વેક્સિન લીધા વગર મેસેજ આવે નહીં. પરંતુ કદાચ કોઈ કર્મચારીની ભૂલના કારણે મોબાઈલ ખોટો લખાઈ ગયો હોય અથવા ખોટી એન્ટ્રી થઈ હોય તો આવું બની શકે છે.

Most Popular

To Top