SURAT

સુરત પોલીસ કમિશ્નરનાં આ કામથી લોકોમાં કુતુહલ સર્જાયું

સુરત(Surat): પોલીસ કમિશનર(Commissioner of Police) અજયકુમાર તોમર(Ajay Tomar) આજે તેમની ટીમ સાથે મોર્નિગ વોક(Morning walk) ઉપર નીકળ્યા હતા. અઠવા પોલીસ(Police) પરેડ ગ્રાઉન્ડથી ડુમસ સુધી 10 કિલોમીટર જોગિંગ કરીને પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસભર્યું વાતાવરણ ઉભું કરવા પ્રયાસ કરાયો હતો.

  • પોલીસ કમિશનર એન્ડ ટીમનું અઠવાથી ડુમસ સુધી 10 કિલોમીટરનું મોર્નિગ વોક
  • ‘નો ડ્રગ્સ ઇન સિટી’ના ઝુંબેશ સાથે શહેરીજનો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે વિશ્વાસભર્યુ વાતાવરણ રહે તેવો હેતુ

પોલીસ કમિશનર અજયકુમાર તોમરે શહેરમાં ડ્રગ્સને પગલે ખુબ જ સતર્ક રહેવા અને યુવાધનને તેના દૂષણથી દૂર રાખવા ડ્રગ્સ સપ્લાયરોને ઝડપી પાડવા ઝૂંબેશ શરૂ કરી છે. જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો દ્વારા સંદેશ આપવા પ્રયાસ કરાયો છે. આજે વહેલી સવારે પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી અને પીઆઈ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ સાથે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા. અઠવાથી ડુમસ સુધી 10 કિમી જેટલું જોગિંગ કરાયું હતું. ઘણી વખત પોલીસ કમિશનરે મોર્નિંગ વોક કરતા હોય છે ત્યારે શહેરીજનો સાથે પણ વાતચીત કરતા હોય છે અથવા તો કેટલાક લોકોને જ્યારે પોલીસ કમિશનર તરીકેની ઓળખ થાય છે ત્યારે તેમને તેમના પ્રશ્નોની રજૂઆત કરવા માટે પણ પહોંચી જતા હોય છે. પોલીસ કમિશનરને રજૂઆત થયા બાદ શહેરીજનોના પ્રશ્નોનો ઉકેલ થાય અને તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે કાયદો-વ્યવસ્થા શહેરભરમાં જળવાઈ રહે તે હેતુથી તે દિશામાં પગલાં લેવાનું સૂચન પણ આપવામાં આવી રહ્યું છે.

અઠવામાં 10 વર્ષથી રાયોટિંગના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો
સુરત: શહેરમાં 10 વર્ષ પહેલા અકસ્માતની ઘટનાએ કોમી સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં રાયોટિંગનો ગુનો નોંધાતા એક આરોપી દસ વર્ષથી વોન્ટેડ હતો. એસઓજીની ટીમે ગઈકાલે 10 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. એસઓજીની ટીમે બાતમીના આધારે આરોપી મોહંમદ ગુલામ રસુલ રફીક ઉર્ફે છોટા શેખ (ઉ.વ.36, રહે. દરોગાકી ચાલ, નોવેલ્ટી પેપર બોક્સની સામે નાનપુરા, ખંડેરાવપુરા તથા હાલ રહે. કાળામહેતાની શેરી અલ-રશીદ રેસિડેન્સી ફ્લેટ નં.૪૦૨ સગરામપુરા, તલાવડી) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, વર્ષ 2012 માં નાનપુરા કાદરશાની નાળ પાસે સામાન્ય અકસ્માતનો બનાવ બન્યો હતો. જેને લઈને ઝઘડો થયો હતો. ઝઘડાએ મોટુ સ્વરૂપ ધારણ કરી લેતા હિન્દુ તથા મુસ્લિમ સમાજના 400 થી 500 લોકોનાં ટોળા ઘાતક હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. આ ઉપરાંત ત્યાં હાજર પોલીસ ઉપર પણ હુમલો થયો હતો. સરકારી તથા ખાનગી વાહનોની તોડફોડ થઈ હતી. અને આ ઝઘડામાં પોતે પણ સામેલ હતો. જે તે સમયે ટોળામાંથી કેટલાકની ધરપકડ થઈ હતી. અને હાલ પકડાયેલો આરોપી અંધારાનો લાભ લઇને ભાગી ગયો હતો. બાદમાં પોલીસથી બચવા પોતાનું મકાન બદલી બીજા વિસ્તારમાં મકાન ભાડે રાખી રહેતો હતો.

Most Popular

To Top