અમદાવાદ: સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં બિલ્ડર તુષાર ઘેલાણી મહિલા મિત્ર પૂનમ ભદોરિયા દ્વારા હવે જેલમુક્ત થવા માટે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી ગુજરાત હાઈકોર્ટમાં નિયમિત જામીન મેળવવા માટે અને ફરિયાદ રદ કરવા અરજી કરી છે. આ અરજીની પ્રાથમિક સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી વધુ સુનાવણી 22 એપ્રિલે રાખી છે.
ઉલ્લેખનીય છે કે, બિલ્ડર તુષાર ઘેલાણીએ આત્મહત્યા કરતાં સમગ્ર સુરતમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાને પગલે તેમની પુત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, આ ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે પૂનમ ભદોરિયા તેમના પિતાને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપતી હતી. ફરિયાદ મુજબ પૂનમ દ્વારા બ્લેકમેઈલિંગ અને નાણાકીય માંગણીઓ કરીને સતત હેરાનગતિ કરવામાં આવતી હતી. પરિવારજનોએ પણ દાવો કર્યો છે કે, તુષાર ઘેલાણીની દીકરીના લગ્ન પહેલાંના દિવસોમાં પૂનમે સતત ફોન કરીને તેમને પરેશાન કર્યા હતા.
પોલીસ તપાસમાં પણ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. આત્મહત્યા કરતાં એક દિવસ પહેલાં પૂનમે તુષારને અનેક વખત ફોન કર્યા હોવાના કોલ રેકોર્ડ્સ સહિતના ટેકનિકલ પુરાવા પોલીસને મળ્યા છે. આ પુરાવાના આધારે પોલીસે પૂનમ ભદોરિયાની ધરપકડ કરી હતી. હાલમાં, એક તરફ તે જામીન મેળવવા પ્રયત્ન કરી રહી છે, તો બીજી તરફ પોતાની સામે નોંધાયેલી FIR રદ કરાવવા માટે પણ હાઈકોર્ટમાં અરજી કરી છે. તેની દલીલ છે કે તેને ખોટી રીતે ફસાવવામાં આવી છે.