Gujarat

ગુજરાત ચૂંટણીમાં ભાજપ 720 બેઠક પર બિનહરીફ

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલાં જ ભારતીય જનતા પાર્ટીએ મજબૂત સપાટો બોલાવ્યો છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજ્યમાં બિનહરીફ ઉમેદવારોનો એક નવો જ ઈતિહાસ રચાયો છે. કુલ 1816 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચતા ભાજપના 720 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. રાજ્યમાં કુલ 9237 બેઠક માટે આગામી 26મી તારીખે મતદાન યોજાવાનું છે. હાલની સ્થિતિએ 8817 બેઠક પર 26,140 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. જોકે, ચૂંટણી પહેલા જ 720 બેઠક પર જીત મેળવીને ભાજપે વિપક્ષો પર માનસિક સરસાઈ મેળવી લીધી છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસ સુધીમાં કુલ 1,572 ઉમેદવારએ પોતાના નામો પાછા ખેંચ્યા છે. હવે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની બેઠકો માટે કુલ 26,140 ઉમેદવાર મેદાનમાં બાકી રહ્યા છે.

મતદાન પહેલા જ ભાજપે અનેક નગરપાલિકાઓમાં સત્તા કબજે કરી લીધી છે. ખાસ કરીને ઊંઝા, બાયડ, ગણદેવી અને શહેરા સહિત આઠથી વધુ પાલિકાઓમાં ભાજપની સત્તા નિશ્ચિત થઈ ગઈ છે. કડી નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપને સીધો ફાયદો થયો છે અને ત્યાં પક્ષને બે તૃતીયાંશ બહુમતી પ્રાપ્ત થઈ છે. ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચૂંટણી અધિકારીઓની કચેરીઓમાં ભારે દોડધામ અને નાટકીય દ્રશ્યો જોવા મળ્યા હતા. કેટલાક સ્થળોએ વિપક્ષો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ઉમેદવારો પર દબાણ લાવીને અથવા નાણાકીય લાલચ આપીને ફોર્મ પરત ખેંચાવવામાં આવ્યા છે. આ આક્ષેપોને કારણે રાજકીય માહોલ ગરમાયો છે.

ચૂંટણી પંચે સંસ્થાવર ઉમેદવારોની યાદી જાહેર કરી

  • મહાનગરપાલિકા: 3,204 ઉમેદવાર
  • નગરપાલિકા: 5,589 ઉમેદવાર (અને પેટાચૂંટણી માટે 22 ઉમેદવાર)
  • જિલ્લા પંચાયત: 3,127 ઉમેદવાર
  • તાલુકા પંચાયત: 14,198 ઉમેદવાર

ત્રણ ટર્મમાં ભાજપની બિનહરીફ બેઠક

  • ​વર્ષ 2015: માત્ર 37 બેઠક બિનહરીફ હતી.
  • ​વર્ષ 2021: આ આંકડો વધીને 220 થયો હતો.
  • ​વર્ષ 2026: આ વખતે સીધો 720 બેઠક પર વિજય નિશ્ચિત કરીને ભાજપે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

Most Popular

To Top