Dakshin Gujarat

બારડોલીમાં ચૂંટણી જીતવા ભાજપ પલસોદના બુટલેગરના સહારે!

બારડોલી: ભારતીય જનતા પાર્ટીએ (BJP) તાલુકા પંચાયત બેઠક દીઠ બનાવવામાં આવેલા ચૂંટણી (Election) કન્વીનરમાં અકોટી બેઠક પર એક બુટલેગરને કન્વીનર બનાવતાં ચર્ચાનો વિષય બન્યો છે. બુટલેગર ખુદ બારડોલી તાલુકા ભાજપ આદિજાતિ મોરચાના પ્રમુખ છે. ત્યારે ચૂંટણી જીતવા માટે ભાજપ બુટલેગરનો સહારો લઈ રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ગત 23મી એપ્રિલ 2022ના રોજ સુરત જિલ્લા LCBએ બારડોલીના પલસોદ ગામેથી દારૂનો જથ્થો ભરેલી એક કાર પકડી હતી, જેમાંથી હજારો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ ગુનામાં પોલીસે બારડોલી તાલુકા ભાજપ આદિજાતિ મોરચાના પ્રમુખ એવા પલસોદના જીતુ રાઠોડને વોન્ટેડ જાહેર કર્યો હતો. સાત મહિના બાદ પોલીસે ભાજપના આ નેતાની દારૂના ગુનામાં અટક કરતાં ભાજપ કાર્યકરોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. જો કે, જેલમાંથી છૂટતાની સાથે જ જીતુ ચૂંટણીના પ્રચારમાં જોડાઈ ગયો છે. એટલું જ નહીં ભાજપે તેને અકોટી તાલુકા પંચાયત બેઠકના ચૂંટણી કન્વીનર તરીકેની જવાબદારી પણ સોંપી છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાતી ભાજપ પાસે આટલા બધા કાર્યકરો હોવા છતાં ચૂંટણી જીતવા માટે એક બુટલેગરનો સહારો લેવો પડી રહ્યો હોય વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દારૂ વેચતા પકડાયેલી બારડોલી તાલુકા પંચાયતની ભાજપની સભ્ય શકુંતલા રાઠોડને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. પરંતુ જીતુ રાઠોડ સામે કોઈ કાર્યવાહી તો ન કરી પણ ચૂંટણી જીતવા માટેની જવાબદારી સોંપવામાં આવતાં ભાજપની બેવડી નીતિ ખુલ્લી પડી ગઈ છે. આ અંગે બારડોલી તાલુકા ભાજપ મહામંત્રી જયેશ પટેલને પૂછતાં તેમણે કન્વીનર તરીકે જીતુનું નામ બોલવાનું ટાળ્યું હતું. અને માત્ર બે જ કન્વીનરનાં નામો બોલ્યા હતા. જીતુ વિશે પૂછતાં તેમણે સ્વીકાર્યું હતું કે, એ તો વર્ષો અગાઉ દારૂના ધંધા સાથે સંકળાયેલો હતો. હાલમાં તે દારૂનો વ્યવસાય કરતો નથી.

Most Popular

To Top