Dakshin Gujarat

ભરૂચમાં ખેડૂત પરિવાર ઘરને તાળું મારી બહાર સૂતો હતો અને તસ્કરો ઘર ખોલી મૌજ ઉડાવી ગયા

ભરૂચ: (Bharuch) જંબુસરના પીલુદ્રા ગામે ખેડૂત પરિવાર ઘરને તાળું મારી બહાર સૂતો હતો. ત્યારે તસ્કરો (Thief) ઘર ખોલી અંદરથી રોકડા અને સોના-ચાંદીના દાગીના (Jewelry) મળી રોકડા પોણા પાંચ લાખની મત્તાની ચોરી (Theft) કરી ગયા હતા. સવારે ઊઠતાં ઘર ખુલ્લું જોઈ પરિવાર ચોંકી ગયો હતો. ઘરમાં સામાન વેરવિખેર હતો. તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના ગાયબ હતાં.

  • પીલુદ્રામાં ઓશિકા નીચેથી ચાવી સેરવી તસ્કરો ઘરમાંથી પોણા પાંચ લાખની ચોરી કરી ગયા
  • ખેડૂત પરિવારના 8 સભ્યો સૂતા રહ્યા ને તસ્કરો કળા કરી ગયા, કોઈ જાણભેદુ જ હોવાની શંકા

જંબુસરના પીલુદ્રા ગામે કહાનવા રોડ ઉપર ભરાડિયા વગામાં ખેડૂત રાજેન્દ્ર ભીમસિંગ પઢિયાર રહે છે. તેઓ પોતાની પત્ની, માતા-પિતા અને ૪ સંતાન સાથે રાત્રે ઘરને તાળું મારી સૂઈ ગયા હતા. ઘરની ચાવી માતાના ઓશિકા નીચે હતી. સવારે ઊઠતાં ઘર ખુલ્લું જોઈ પરિવાર ચોંકી ગયો હતો. ઘરમાં સામાન વેરવિખેર હતો. બેડરૂમનો દરવાજો અને અલમારી પણ ખુલ્લી હતી. જેમાં મૂકેલી નાની પેટીમાંથી રોકડા ૧૦ હજાર અને સોના-ચાંદીના દાગીના ગાયબ હતા. આસપાસ તપાસ કરતા કંઈ નહીં મળતાં ખેડૂત રાજેન્દ્રભાઈએ વેડચ પોલીસમથકે ચોરીની ફરિયાદ નોંધાવી છે.

જેમાં તસ્કરો ત્રણ તોલાનો સોનાનો સેટ, બે તોલાનો બીજો સેટ, ચેઇન સાથેનું પેન્ડલ, ૪ સોનાની વીંટી, સોનાનું ઝૂમર, ૨૨ જોડી કડી, ચાંદીનું મંગળસૂત્ર મળી ૧૦ તોલા દાગીના કિંમત રૂ.૩.૭૫ લાખની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. માતાના ઓશિકા નીચે મૂકેલી ઘરની ચાવી કાઢી અંદર રહેલા અલમારી અને નાની તિજોરીમાંથી લાખોના દાગીનાની ચોરીમાં કોઈ જાણભેદુનું જ કામ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘરના ૮ સભ્ય બહાર સૂતા હોય ત્યારે આટલી હિંમત કરી કોણ ચોરીને અંજામ આપે તેવી ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.

વ્યારાના રાયકવાડ સ્ટ્રીટમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા
વ્યારા: વ્યારાના રાયકવાડ સ્ટ્રીટમાં હિતેશ ભરત કાયસ્થના બંધ મકાનમાં તા.૧૮/૦૬/૨૦૨૨ના રોજ સાંજે ૪ વાગેથી તા.૧૯/૬/૨૦૨૨ના રોજ સવારે ૮:૪૫ વાગ્યા દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. ઘરના દરવાજાને મારેલું તાળું તોડી ત્રીજા રૂમમાં મૂકેલા ચારેય કબાટોમાંથી સોના-ચાંદીના દાગીના કિં.રૂ. ૨.૧૮ લાખ તથા રોકડા રૂ.૪.૫૧ લાખ મળી કુલ કિં.રૂ.૬.૬૯ લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા. ગત તા.૧૭/૦૬/૨૦૨૨ના રોજ રાત્રિના નવેક વાગ્યાના સમયે હિતેશ કાયસ્થ પરિવાર સાથે શિરડી દર્શન કરવા ગયા હતા. બીજા દિવસે સપ્તશૃંગી દર્શન દર્શન કરી નીચે ઊતરી રહ્યા હતા. ત્યારે સવારે પોણા નવેક વાગ્યાના અરસામાં તેઓને મોબાઇલ ફોન ઉપર તેમના કાકા દિલીપ કાયસ્થે ફોનથી આ ચોરીની ઘટના અંગેની જાણ કરી હતી. પોલીસ આ ચોરીનો ગુનો નોંધી વધુમાં તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top