Columns

ટાળો કંટાળો

ભગવાન બુદ્ધે ગૌતમીને નકામી ગૂંચવી મારી. મૃત પુત્રને જીવતો કરવાની વિનંતી સાથે પહોંચેલી ગૌતમીને તેમણે કહ્યું હતું, “જે ઘરમાં કોઈનું મૃત્યુ ન થયું હોય, ત્યાંથી દાણા લઈ આવ.” એને બદલે બુદ્ધે કહ્યું હોત કે “જે ઘરમાં કોઈ માણસને કદી કંટાળો ન આવ્યો હોય, ત્યાંથી દાણા લઈ આવ” તો પણ તેમનું કામ થઈ ગયું હોત કારણ કે, જે જન્મે છે, તે મરે છે – એટલી જ અફર હકીકત છે કે, જે જન્મે છે, તે સૌ ક્યારેક અચૂક કંટાળે છે.

કંટાળો ઐચ્છિક પ્રવૃત્તિ નથી. મૃત્યુ નહીં પામવાની જેમ, નહીં કંટાળવાનું પણ માણસના હાથમાં હોતું નથી. કોઈ એવું થોડું વિચારે કે “ચાલો, કંટાળીએ.” અથવા “હમણાંથી કંટાળ્યે બહુ વખત થઈ ગયો છે. હવે કંટાળવું પડશે.” પ્રેમ માટે ફિલ્મી કવિ કહે છે કે તે “કિયા નહીં જાતા, હો જાતા હૈ”. કંટાળા માટે પણ એ સાચું છે. તેને લાવવો પડતો નથી. તે વણનોતર્યો આવી ચડે છે. તે દૃષ્ટિએ કંટાળો આત્મનિર્ભર હોય છે. તેમાં કેમ? શું? કેવી રીતે? મને જ કેમ?-એવા સવાલો અપ્રસ્તુત છે. ફિલ્મી ગીતમાં અને હિંદી ભાષામાં પણ થોડી છૂટછાટ લઈને ગાઈ શકાય, ‘દુનિયામેં હમ આયે હૈં તો કંટાળના હી પડેગા”.

કંટાળો અનેક રીતે આવી શકેઃ બહુ આનંદમાં-સુખમાં રહેવાથી કંટાળો આવે, બહુ દુઃખમાં રહેવાથી કંટાળો આવે, મધ્યમ સ્થિતિમાં રહેવાથી કંટાળો આવે અને રોજેરોજ સ્થિતિ બદલાયા કરતી હોય તેનો પણ કંટાળો આવી શકે. ટૂંકમાં, જે જેમ છે, તેમ હોવા માત્રથી કંટાળો આવી શકે. આવો કંટાળો નિર્દોષ અને સામાન્ય હોય છે. તેની કોઈ નોંધ લેતું નથી કે નોંધ લેવડાવતું નથી. કેમ? સીધી વાત છે. એવી નોંધ લેવા-લેવડાવવાનો કંટાળો આવે છે, એટલે. કંટાળો ક્યાં આવે છે? તેવા સવાલનો જવાબ શોધતાં માલૂમ પડે છે કે કંટાળો હાથમાં (લખવાનો) આવે, પગમાં (ઊભા રહેવાનો-ચાલવાનો-દોડવાનો) આવે, મોંમાં (ખાવાનો) આવે, આંખમાં (જોવા-વાંચવાનો) આવે પણ સૌથી મોટો ને ખતરનાક કંટાળો મનમાં આવે છે.

એક વાર તે મનમાં ઘૂસ્યા પછી ધીમે ધીમે શરીરનાં બધાં અંગો પર કબજો જમાવતો જાય છે અને થોડી વારમાં તો એવું લાગે છે જાણે શરીરના અણુએ અણુમાં, રોમેરોમમાં ચૈતન્યને બદલે કંટાળો સમાયેલો હોય અને તે બહાર આવીને, બીજાનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરતો હોય. કોઈ માણસ કંટાળેલો છે કે નહીં, તે નક્કી કરવું ક્યારેક સહેલું છે ને ક્યારેક અઘરું. કેટલાક લોકો પોતાના કંટાળાને, નામ આગળ લગાડાતા પદ્મશ્રી જેવા લટકણિયાની માફક, છાતી પર લટકાવેલો રાખે છે. કોઈ દૂરથી તેમને જુએ તો પણ ખ્યાલ આવી જાય કે આ કંટાળેલો આત્મા લાગે છે.

તળાવમાં પથરાતી લીલની ચાદરની જેમ, તેના આખા ચહેરા પર કંટાળાની ચાદર પથરાઈ ગઈ હોય છે. કેટલાક ખેપાની વ્યૂહબાજો છાતી પર લટકાવેલા કંટાળાનો હથિયારની જેમ ઉપયોગ કરે છે. બલકે, હથિયાર તરીકે વાપરવા માટે જ તે સાચો-ખોટો કંટાળો છાતી પર ટાંગીને ફરતા હોય છે. કોઈ પણ માણસ થોડી વાત કરે, એકાદ કવિતા સંભળાવે કે કોઈ ફિલ્મનો રિવ્યુ આપવાનું ચાલુ કરે એટલે તેના ચહેરા પર પથરાયેલો કંટાળો વધારે ઘટ્ટ સ્વરૂપ ધારણ કરવા લાગે છે. ‘પાયલ ને ઘાયલ’ની જેમ એવા ‘કંટાળેલ’ છુપ્યા છુપાતા નથી. તે પોતાનું નિવેદન સ્પષ્ટ કરવા માટે વચ્ચે વચ્ચે એકાદ મોટું બગાસું પણ ખાઈ લે છે.

કંટાળાના કોઈ દેવતા હોય તો બગાસાને અચૂક તેમના હથિયાર તરીકે સ્થાપી શકાય. ગમે તેટલા નકામા ભાષણ કે કવિતા કે વાર્તાલાપ વિશે તત્કાળ અને અસરકારક રીતે કંટાળો વ્યક્ત કરવો હોય તો તેનો ટૂંકામાં ટૂંકો અને સૌથી સચોટ રસ્તો મોટેથી બગાસું ખાવાનો છે. એક અર્થમાં તે કુદરતી અને શારીરિક ક્રિયા ખરી પણ ચોક્કસ સંજોગોમાં તે કૃતિવિવેચનનો પ્રકાર બની રહે છે. કાર્યક્ષમ લોકોને કંટાળા પ્રત્યે અને કંટાળતા લોકો માટે બહુ ખીજ હોય છે. તે લોકો કાર્યક્ષમતાના મહિમામાં સાનભાન ભૂલીને કંટાળા તથા કામગીરી વચ્ચેનો મરઘી અને ઇંડાં જેવો સંબંધ સમજી શકતા નથી. તેમને લાગે છે કે આ લોકો કામ નથી કરતા એટલે કંટાળેલા રહે છે. હકીકતમાં, તે લોકો કંટાળેલા હોવાથી કામ કરવાનો ઉત્સાહ બતાવી શકતા નથી.

સંસ્કૃતમાં એ મતલબનું સુભાષિત હતું કે ભૂખ્યો માણસ શાં પાપ નથી કરતો. એ વાત કંટાળેલા મનુષ્યને પણ આબાદ લાગુ પડે છે. કંટાળેલો માણસ કે કંટાળાના આક્રમણ સામે ઝઝૂમી રહેલો માણસ પોતાની જીત અને કંટાળાની હાર માટે ગમે તેવું ખાવાનું ખાઈ શકે છે, ગમે તેવાં ભંગાર પિક્ચરો જોઈ શકે છે, ત્રાસદાયક ભાષણો હોંશે હોંશે સાંભળી શકે છે.  ગમે તેવા નકામા માણસની સોબત કરી શકે છે, લોકોના હિતનું સત્યાનાશ વાળનારા ને જૂઠા લોકોને મત આપી શકે છે કારણ કે યોગ્ય દિશામાં સક્રિય થવાનો-યોગ્ય કામ કરવાનો તેમને કંટાળો આવે છે. કેટલાક લોકો એટલા બધા કાર્યક્ષમ હોય છે કે તેમની કાર્યક્ષમતા વિશે સાંભળવા માત્રથી કંટાળો આવે અને કેટલાક લોકો એવી રીતે કાર્યક્ષમ હોય છે કે આપણને થાય, ‘એ થોડા કંટાળતા હોત અને આરામ કરતા હોત તો કદાચ દેશનું વધારે ભલું થાત.’

Most Popular

To Top