Columns

કંસવધ પછી મથુરાનો વહીવટ કોણ કરે?

સનો વધ કર્યા પછી હવે શું કરવાનું? નંદ શ્રીકૃષ્ણને ઠપકો આપે છે – હવે ગોકુળમાં જવું જોઇએ. મલ્લો સાથે યુદ્ધ કરીને શરીરને જો જખમી બનાવ્યું હોય તો ગોકુળની ગાયોના દૂધ પીશો એટલે શરીર હતું તેવું ને તેવું થઇ જશે. શ્રીકૃષ્ણ નંદને સમજાવે છે, ‘વાસ્તવમાં તો વસુદેવ મારા પિતા અને દેવકી મારી માતા.’ પણ શ્રીકૃષ્ણની વાતો સાંભળીને નંદને બહુ આઘાત લાગે છે એટલે શ્રુતને ખરાબ લાગે તો પણ સંભળાવ્યા વિના રહેતા નથી-
દીઠાં મંદિર, માળિયાં દીઠી ઘોડાની ઘોષ,
દીઠાં લોક રળિયામણાં, થઇ તુંને રહેવાની હોંશ.

પણ અમને તો પુત્રવધૂ જોવાની હોંશ છે એટલે ફરી શ્રીકૃષ્ણ વધારે સમજાવે છે – અર્ધી રાત્રિએ તમારી પાસે આવ્યો, તમારી કન્યા તો આકાશમાં વીજળી બનીને ઊડી ગઇ. મારા સગા પિતા વસુદેવ અને તમે મારા પાલક પિતા. આ સાંભળી નંદ તો ચીસરાણ કરવા લાગ્યા.
નંદ, ગોવાળા વલવલે, નિસાસે ફાટે પાઢ,
રોયા ગગને દેવતા, રોયાં વાડીનાં ઝાડ.
વિલાપ નંદનો સાંભળી રોયા,
નગરના લોક.

પણ હવે શું કરવાનું – નંદ ફરી ફરી રડતાં રડતાં કહે છે –
‘સુંદર શામળા રે! મને હુતી તારી આશ;
ગોકુળિયું ઉજજડ કરી રે કાં કીધો મથુરાવાસ?
મેં ઉછેર્યો આદર કરી રે, સાચો જાણી પુત્ર;
તુજ માટે ગઇ દીકરી રે,
મારું ઉજાડયું ઘર સૂત્ર.
પ્રેમાનંદના શ્રોતાઓ આ સાંભળીને નંદની પડખે સંભવી શકે.
પિતા – પુત્રનો પ્રેમ આ શ્રોતાઓ પણ જાણે તો ખરા ને!
લોક કહેશે મુને વાંઝિયો રે,
મારા ફરી દેવાયા દ્વાર,
એક અવગુણે સર્વ ગુણ ગયા રે,
બાંધ્યો ઊખળ સાથ;
તે દુ:ખ તારે મન વસ્યું રે?
મેં દૂભાયો દીનાનાથ.

એમ કહી કહીને શ્રીકૃષ્ણને ગોકુળ આવવા ખૂબ સમજાવે છે. તારા વિના ગાયો નિસાસા નાખશે. તું નહીં હોય તો શીકે લાકડી કોણ ધરશે? વલોણાં કોણ કરશે? ગાયો કોણ દોહશે? જશોદાનું શું થશે? અમારી ગતિ કેવી? કોયલ કાગડાના માળામાં ઇંડાં મૂકી જાય અને પછી થોડા દિવસે કોયલ બચ્ચાંને પોતાની સાથે લઇ જાય – એવી રીતે અમારી પાસેથી આ બાળક છિનવાઇ રહ્યું છે.
એટલે ફરી શ્રીકૃષ્ણ નંદરાયને સમજાવે છે,
ઘણું દાઝે રે, અમને ઘણું એક દાઝે,
ઘણું દાઝે છે મુજને રે,
પણ દોહેલો લોકાચાર,
કેમ માતાપિતાને પરહરું રે?
અમો દેવકીના કુમાર.

જુદી રીતે જોઇએ તો – વસુદેવ અને દેવકીએ તો બાળકને જન્મ આપીને ગોકુળ મોકલી દીધો હતો. વરસોનાં વરસ વીત્યાં. એમને પુત્રવિરહ કેટલો સાલ્યો હશે? અને છતાં નંદને આશ્વાસન આપવા તે કહે છે:
મન – પ્રાણ રહેશે શ્રી ગોકુળે – રે,
મારો મથુરા રહેશે દેહ.
સુખ શ્રીગોકુળનું રે, જે સુખ શ્રીગોકુળનું,
ગોકુળમાં સુખ ભોગવ્યું રે,
તે ન મળે વૈકુંઠ માંહય.
લક્ષ ચોરાસી દેહ ધરું રે, તો એ ન મળે જશોદા માય.
છેવટે નંદને પ્રતીતિ થાય છે કે ગર્ગ ઋષિએ જે વાત કહી હતી તે આજ સાચી પડી.

હવે નંદને વળાવીને શ્રીકૃષ્ણ વસુદેવ પાસે આવ્યા – સાથે જ મામી એટલે કે કંસ પત્નીને પણ આશ્વાસન આપ્યું-
‘અમો તમારો હણ્યો ભરથાર, ઘણું સાલે : તમારા ગયા શણગાર,
દૈવ પ્રત્યે કાંઇ ચાલે નહીં મારી મામી બેહુ વિધવા થઇ.
મારા છ બાંધવ મામે મારિયા, તે દુ:ખે મામા મેં સંઘારિયા.
હવે મથુરાનો વહીવટ કોણ કરે? શ્રીકૃષ્ણ તો અનાસકત એટલે રાજગાદી ઉગ્રસેનને સોંપી. અધર્મ દૂર કરી ધર્મની સ્થાપના કરી. પાછળથી આ વાત શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં પણ અર્જુનને કહી સંભળાવી હતી-
‘પરિત્રાણાય સાધુનામ્‌,
વિનાશાય ચ દુષ્કૃતામ્‌‘
એટલે બધા સુખ સંતોષથી રહેવા લાગ્યા.

Most Popular

To Top