
ભારતના પાંચ મહત્વના રાજ્યો, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી ગણતરી બાદ બપોરના 12 વાગ્યા સુધીના ટ્રેન્ડ્સે રાજકારણમાં ભારે ચકચાર મચાવી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને તામિલનાડુના પરિણામો પર દેશભરના લોકોની નજર છે. પશ્ચિમ બંગાળમાં ભાજપે આશ્ચર્યજનક રીતે મોટી લીડ મેળવી છે. રાજ્યની કુલ 293 બેઠકોમાંથી બહુમતી માટે 147 બેઠકો જરૂરી છે. હાલમાં ભાજપ લગભગ 173 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ લગભગ 90 બેઠકો પર લીડમાં છે. જો આ ટ્રેન્ડ્સ યથાવત્ રહે, તો બંગાળમાં પહેલીવાર ભાજપ સરકાર બનાવી શકે છે. જોકે, મમતા બેનરજી પોતાની પરંપરાગત ભવાનીપુર બેઠક પર 16,000 મતની લીડ સાથે આગળ ચાલી રહી છે, જ્યારે ભાજપના સુવેન્દુ અધિકારી ત્યાં પાછળ છે. તામિલનાડુમાં આ વખતે મોટું રાજકીય ફેરફાર જોવા મળી શકે છે. અહીં સુપરસ્ટાર વિજયની પાર્ટી તમિલગા વેટ્ટ્રિ કઝગમ (TVK) 109 બેઠકો પર લીડમાં છે. બહુમતી માટે 117 બેઠકો જરૂરી છે, એટલે TVK સત્તાની નજીક દેખાઈ રહી છે.
બીજી તરફ DMK 44 બેઠકો પર અને AIADMK 63 બેઠકો પર આગળ છે. જો આ પરિણામો અંત સુધી યથાવત્ રહે, તો વિજય માટે આ સૌથી મોટું રાજકીય ડેબ્યૂ સાબિત થશે. આસામમાં ભાજપનો દબદબો યથાવત્ રહ્યો છે. કુલ 126 બેઠકોમાંથી બહુમતી માટે 64 બેઠકો જરૂરી છે, જ્યારે ભાજપ 98 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ અહીં 24 બેઠકો પર લીડમાં છે. આથી સ્પષ્ટ છે કે આસામમાં ફરી ભાજપ સરકાર બનાવશે. કેરળમાં પણ રાજકીય સ્થિતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. અહીં કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું UDF ગઠબંધન 94 બેઠકો પર લીડમાં છે, જ્યારે LDF 39 બેઠકો પર આગળ છે. ભાજપ માત્ર 3 બેઠકો પર લીડમાં છે. આથી લાગી રહ્યું છે કે કેરળમાં કોંગ્રેસ ફરી સત્તામાં આવી શકે છે. પુડુચેરીમાં કોંગ્રેસ 8 બેઠકો પર લીડમાં છે અને એક બેઠક જીતી પણ લીધી છે. ભાજપ અહીં માત્ર 2 બેઠકો પર આગળ છે, જ્યારે DMKએ પણ એક બેઠક જીત મેળવી છે. મતગણતરી વચ્ચે પશ્ચિમ બંગાળમાં હિંસાના અહેવાલો પણ સામે આવ્યા છે. કોલકાતા, આસનસોલ, બાંકુરા અને કૂચબિહારમાં ભાજપ અને TMCના કાર્યકરો વચ્ચે અથડામણ, પથ્થરમારા અને બબાલ જેવી ઘટનાઓ બની છે. કેટલાક વિસ્તારોમાં પોલીસને પરિસ્થિતિ કાબૂમાં લેવા હસ્તક્ષેપ કરવો પડ્યો છે. આ રીતે, બપોર સુધીના ટ્રેન્ડ્સ પ્રમાણે પાંચેય રાજ્યોમાં રાજકીય દિશા લગભગ સ્પષ્ટ થતી દેખાઈ રહી છે. હવે આખા દેશની નજર અંતિમ પરિણામો પર છે, જે આજે સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે.