Gujarat

અમદાવાદ – જેતપુર અને વડોદરામાં ઔદ્યોગિક ગંદા પાણીનો નિકાલ કરવા 2275 કરોડની યોજના

GANDHINAGAR : અમદાવાદ, જેતપુર અને વડોદરા ખાતે ઔદ્યોગિક શુધ્ધિકરણ કરાયેલા ગંદા પાણીના નિકાલ અર્થે ( Deep Sea Discharge Pipeline) માટે સંકલિત યોજના બનાવવામાં આવી છે. કુલ અંદાજીત રૂ.2275કરોડની આ યોજના થકી ઔદ્યોગિક શુધ્ધિકરણ કરાયેલા ગંદા પાણીનો નિકાલ નદીઓમાં થતો બંધ થશે અને નદીઓના જળની ગુણવત્તામાં વધુ સુધારો થશે, તેમ વન પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવાએ કહયું હતું.


વિધાનસભામાં વન પર્યાવરણ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે સુચિત પાઇપલાઇન પ્રોજેકટથી ઔદ્યોગિક વિકાસને વેગ મળતાં આશરે પાંચ લાખ જેટલી સીધી રોજગારી અને આશરે 34000 કરોડના ઔદ્યોગિક મૂડી રોકાણની નવી તકો અપેક્ષિત છે. આ કામગીરી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એક રેગ્યુલેટરી સંસ્થા છે અને પર્યાવરણ નિયમન અને નિયંત્રણ ક્ષેત્રે પર્યાવરણના કાયદાઓ નિયમોના અમલીકરણની કામગીરી બજાવે છે. ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસમાં જ અગ્રેસર નથી તેની સાથે સાથે પર્યાવરણીય સુવિધાઓ ઉભી કરવામાં પણ મોખરે છે. આશરે ૭૫૫ એમએલડી (મિલીયન લીટર પર ડે) ક્ષમતાનાં કુલ ૩૪ કાર્યરત ઔદ્યોગિક ગંદા પાણીના સામુહિક શુધ્ધિકરણ પ્લાન્ટ સીઇટીપી ગુજરાતમાં આવેલા છે, જે સ્થાપિત ક્ષમતાની દ્રષ્ટ્રિએ સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે.


વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રયત્નોના કારણે હાલ સુધીમાં અંદાજે કુલ બે કરોડ અઠયાસી લાખ મેટ્રિક ટન જોખમી અને બીન-જોખમી કચરાનો નિકાલ સિમેન્ટ ઉદ્યોગોમાં કો-પ્રોસેસિંગ દ્વારા થયો છે. રાજ્યની હાલની કોવિડ-19ની પરિસ્થિતિ દરમ્યાન કોવિડ હોસ્પિટલમાંથી ઉત્પન્ન થતા જૈવીક ચેપી કચરાનો નિકાલ ખુબ જ અસરકારક રીતે કરવામાં આવ્યો છે. આ કચરાના નિકાલ દરમ્યાન કોઇપણ પ્રકારનો ચેપ ન ફેલાય તે રીતે આયોજન કરી આ કચરાનો નિકાલ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની માર્ગદર્શિકા મુજબ વૈજ્ઞાનિક રીતે કોમન બાયોમેડીકલ વેસ્ટ ફેસીલીટી દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યમાં માર્ચ-20થી ફેબ્રુઆરી-21 ના સમયગાળા દરમ્યાન કુલ 44.94 લાખ કિલોગ્રામ કોવિડ બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે 20 કોમન ફેસેલીટીઓ મારફત કરવામાં આવ્યો છે.


સુરતમાં સારા પરિણામો જોતાં આ સ્કીમનો પ્રારંભ અમદાવાદમાં કરવા સરકારનો નિર્ણય
એમીશન ટ્રેડીંગ સ્કીમ વિષે તેમણે જણાવ્યું હતું આંતરરાષ્ટ્રિય સંસ્થાઓના સહયોગથી સુરત ખાતે આ યોજના કાર્યરત છે, જેના થકી સુરતના ઉદ્યોગોમાંથી રજકણો (પાર્ટીકયુલેટ મેટર)ના ઉત્સર્જનમાં ઘટાડો થયો છે. આ પ્રોજેકટ અંતર્ગત હાલમાં ૧૫૫ જેટલા ઉદ્યોગો ભાગ લઇ રહ્યા છે. સુરત ખાતે કાર્યરત સ્કીમના પ્રોત્સાહક પરિણામો જોતાં આ સ્કીમનો અમદાવાદ ખાતે પણ પ્રારંભ કરવાનો સરકારે નિર્ણય લીધો છે.


સુરત, અમદાવાદ, કચ્છ, ગાંધીનગરમાં પાણી શુદ્ધ કરી ફરી વપરાશમાં લેવાઈ રહ્યું છે
રાજ્ય સરકાર દ્વારા ઘરગથ્થું ગંદા પાણીને શુધ્ધિકરણ કર્યા બાદ પુનઃ વપરાશમાં લેવા માટે ટ્રીટેડ વોટર રીયુઝની પોલીસી અમલમાં મૂકવામાં આવી છે, જે મુજબ હાલમાં સુરત, અમદાવાદ, કચ્છ, ગાંધીનગર વિગેરે સ્થળોએ આશરે 650 એમ.એલ.ડી. જેટલું પાણી શુધ્ધિકરણ બાદ પુનઃવપરાશમાં લેવામાં આવી રહ્યું છે અને વધુ 1000 એમ.એલ.ડી. માટેનું આયોજન છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top