Comments

નાબૂદી માત્ર રાજદ્રોહનો કાયદો જ નથી!

સુપ્રીમ કોર્ટે રાજદ્રોહના કાયદા પર મનાઇ ફરમાવી છે અને કેન્દ્ર સરકારે પણ કહ્યું છે કે વડા પ્રધાન સંસ્થાનવાદના સમયનો આ કાયદો તબકકાવાર રદ કરવા માંગે છે. કાયદામાં એવું કહ્યું છે કે કોઇ પણ વ્યકિત બોલેલા કે લખેલા શબ્દોથી કે સંકેતથી કે દેખી શકાય તેવી રજૂઆતથી કે અન્ય કોઇ પણ રીતે ભારતમાં કાયદાથી સ્થાપિત સરકાર સામે અણગમાને ઉત્તેજન આપે કે ધિકકાર કે તિરસ્કાર પેદા કરે તો તેને આજીવન કેદની સજા થઇ શકે. સરકાર દ્વારા આ કાયદાના થતા દુરુપયોગથી માહિતી સંકલિત કરવાનું કામ વેબસાઇટ ‘આર્ટિકલ-૧૪. કોમ’ દ્વારા સારી રીતે થયું છે અને આ મુદ્દો જાહેરમાં લાવી છે

.

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે સૌ પ્રથમ તો રાજદ્રોહના દાવા તો હજી સરકાર કરી શકે છે અને બીજું એ છે કે હજી પણ એવા ઘણા કાયદા છે જે સમસ્યારૂપ છે અને તેનો દુરુપયોગ થઇ શકે છે. આ બંને વાત સાચી છે. આમ છતાં આપણે આનંદ મનાવી સામાન્ય દિશામાં જવું જોઇએ. એક વાર ન્યાય તંત્રના મનમાં એવી વાત ઊગે કે કેટલાક કાયદાઓ ૨૧ મી સદીની લોકશાહીમાં અસ્થાને છે. તો સમસ્યારૂપ કાયદા નિષ્ફળ જશે. રાષ્ટ્રોને જયારે આવા સત્યની ખબર પડે છે ત્યારે તેઓ પોતાનામાં આંતરિક સુધારા કરે જ છે. ભારતમાં એવા ઘણા કાયદા છે જેને બંધારણે આપણને  બક્ષેલા વ્યકિતગત સ્વાતંત્ર્યના પ્રકાશમાં તપાસવા જોઇએ અને રાજદ્રોહ આપણી સમક્ષનો એક માત્ર સંસ્થાનવાદી પ્રકારનો કાયદો નથી.

ગાંધીએ જેનો વિરોધ કર્યો હતો, જેને પગલે જલિયાંવાલા હત્યાકાંડ થયો હતો તે રોલેટ કાયદો કાયદાના શાસનના મૂળભૂત સિધ્ધાંતનો જ છેદ ઉડાડતો હતો. આ કાયદા હેઠળ લોકોને તહોમત કે ખટલા વગર અટકાયતમાં લઇ શકાતા હતા અને જયુરી સમક્ષ ખટલો ચલાવવાની જોગવાઇનું નિકંદન નીકળી ગયું હતું અને ન્યાયાધીશો બંધ બારણે ખટલો ચલાવી શકતા હતા. આને વહીવટી અટકાયત કહેવાય. મતલબ કે કોઇ પણ વ્યકિતએ ગુનો કર્યો જ નહીં હોય તો ય તેમને તેઓે ભવિષ્યમાં ગુનો કરશે એવા શક પરથી જેલમાં પૂરી શકાય. – પણ આજે આપણી પાસે ભારતમાં આવા અનેક કાયદા છે. ૨૦૧૫ માં ભારતના વહીવટી અટકાયત હેઠળ ૩૨૦૦ લોકોને જેલમાં પૂરવામાં આવ્યાં હતાં. ગુજરાતમાં ૧૯૮૪ નપ અસામાજિક પ્રવૃત્તિ અટકાયત ધારો છે, જે અન્વયે કોઇને પણ તહોમત કે ખટલા વગર એક વર્ષ અટકાયતમાં રાખી શકાય.

ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય સુરક્ષા ધારો છે, જે અન્વયે ભારતની સુરક્ષા પ્રત્યે પૂર્વગ્રહ પેદા થાય તે રીતે કોઇ પણ જાતનું કૃત્ય કરવા બદલ કે વિદેશી સત્તાઓ સાથેના સંબંધો પ્રત્યે પૂર્વગ્રહ પેદા થાય તેવું કૃત્ય કરવા બદલ કે રાજય કે ભારતની સુરક્ષા કે જાહેર વ્યવસ્થા જાળવવા માટે પૂર્વગ્રહ પેદા થાય તે રીતે કે લોકોવાદ જરૂરી ચીજવસ્તુ કે સેવાના પુરવઠામાં પૂર્વગ્રહ પેદા થાય તે રીતે વર્તવા બદલ તહોમત કે ખટલા વગર એક વર્ષ અટકાયત કરી શકાશે. આ કાયદાનો ઉપયોગ મધ્ય પ્રદેશમાં ઢોરોની દાણચોરી અને કતલના આરોપી મુસલમાનોને જેલમાં પૂરવા માટે પણ ઉપયોગ થઇ રહ્યો છે.

તામિલનાડમાં બૂટલેગરો, કેફી દ્રવ્યોના ગુનેગારો, વન સુરક્ષાના ગુનેગારો, ગુંડાઓ, વેશ્યાવૃત્તિના ગુનેગારો, રેતીચોરો, જાતીય ગુનેગારો, ઝૂંપડાં કબજે કરનારાઓ અને વીડિયો પાઇરેસીના ૧૯૪૨ ના કાયદા હેઠળ આવા કોઇ પણ ગુનેગારને અટકાયતમાં લેવાની સરકારની સત્તા છે. આ કાયદા હેઠળ એસિડથી હુમલો કરનારને કે દારૂના ધંધાર્થીને કે ડિજિટલ ગુનેગાર કે માદક પદાર્થના ગુનેગારને જુગારી  કે ગુંડા કે વેશ્યાવૃત્તિના ગુનેગાર, લેન્ડ ગ્રેબર, કાળાનાં ધોળા નાણાં કરનાર, વગેરેને કે તેના આશ્રિતને ગુનો કરતાં અટકાવવા એક વર્ષ ખટલો કે તહોમત વગર અટકાયતમાં રાખી શકાય છે.

આસામના પ્રતિબંધી અટકાયત ધારા – ૧૯૮૦ હેઠળ કોઇ પણ વ્યકિતને ખટલો કે તહોમત વગર બે વર્ષ અટકાયતમાં રાખી શકાય છે. બિહારના હૂંડિયામણ વિનિમય સંચય અને દાણચોરી પ્રતિરોધક ધારા  ૧૯૮૪ હેઠળ વ્યકિતને દાણચોરી કરતા કે તેને પ્રોત્સાહન આપતા કે દાણચોરીના માલની હેરાફેરી કરતા, સંતાડતા કે વેપાર કરતા કે દાણચોરીને પ્રોત્સાહન આપતાં અટકાવવા તહોમત કે ખટલા વગર બે વર્ષ સુધી અટકાયતમાં રાખવાની જોગવાઇ છે. જમ્મુ-કાશ્મીર, બંગાળ, છત્તીસગઢ વગેરેમાં પણ આવા પ્રતિરોધક કાયદા છે.

છત્તીસગઢમાં તો પત્રકારોને તેમના હેવાલ લેખન બદલ રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ પકડીને એક વર્ષ સુધી જેલમાં રખાય છે. આ બધા કંઇ સંસ્થાનવાદી કાયદા નથી. આપણી પોતાની જ નવાજેશ છે. દરેક રાજય તેનો છૂટથી ઉપયોગ કરે છે અને ન્યાયતંત્ર તેનો કોઇ પ્રતિકાર નથી કરતું. આજે આપણે ત્યાં કોઇ જલિયાંવાલા બાગ જેવી સભા નથી અને આપણે આવી સભા આવા કાયદા સામે કરીએ તો રાષ્ટ્ર વિરોધી કહેવાઇએ, પણ તેથી એ હકીકત બદલાતી નથી કે આ કાયદા નકામા થઇ ગયા છે. આવી સમજ ખાસ કરીને આપણા ન્યાયતંત્રમાં આવશે તેવી આશાનું કિરણ જાગે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top