Dakshin Gujarat

નવ જેટલા ઈસમે જેટકો કંપનીના કર્મચારીને આ કારણે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

ઝઘડિયા: ભરૂચ (Bharuch) જિલ્લાના ઝઘડિયાના (Zaghadiya) પાણેથા ગામે સબ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કર્મચારીને નવ જેટલા ઇસમોએ ગાળો બોલી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

  • પાણેથાના રબારીવાસમાં લાઇટ નહીં હોવાથી ફિડર બંધ કરવા બાબતે વિવાદ ઊભો થયો હતો

ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયાના કરાડ ગામના મહેશ મંગુ પ્રજાપતિ છેલ્લાં આઠેક વર્ષથી જેટકોમાં નોકરી કરે છે. હાલમાં નવેક મહિનાથી તેઓ અછાલિયા ડિવિઝનમાં આવેલ પાણેથા સબ સ્ટેશનમાં સ્વિચ બોર્ડ ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. ગત તા.17 મીના રોજ સવારના નવેક વાગ્યાના અરસામાં તેઓ ફરજ પર હતા. એ દરમિયાન સબ સ્ટેશનના મોબાઇલ પર પાણેથાના દર્પણ પટેલ નામના ઇસમનો ફોન આવ્યો હતો. ફોન ઉપર જણાવ્યું કે પાણેથા ગામમાં રબારીવાસમાં લાઇટ કેમ નથી? એમ કહી ફિડર બંધ કરી દેવાનું કહ્યું હતું. ત્યારે મહેશભાઇએ કહ્યું કે, અમારાથી ફિડર બંધ નહીં થાય, તમે વીજ કંપનીમાં કામ કરતા સેજલભાઇનો સંપર્ક કરો. ત્યારે તેમને ફોન પર ગાળો દીધી હતી.

ત્યારબાદ રાતના સાડા અગિયારેક વાગ્યાના સમયે પાણેથાના દર્પણ પટેલ બીજા આઠ જેટલા ઇસમો સાથે મોટરસાઇકલ પર પાણેથા સબ સ્ટેશનના કંટ્રોલ રૂમમાં આવ્યા હતા, અને મહેશભાઇ સાથે ઝપાઝપી કરી તમાચા માર્યા હતા. દર્પણભાઇની સાથે આવેલા અન્ય ઇસમો પણ ગાળો બોલવા લાગ્યા હતા. અને હવે પાણેથા ગામમાં લાઇટ બંધ થઇ તો જાનથી મારી નાંખીશ એવી ધમકી આપીને તે લોકો મોટરસાઇકલો ઉપર બેસીને જતા રહ્યા હતા. ત્યારબાદ મહેશભાઇએ દર્પણભાઇ પટેલ (રહે.પાણેથા, તા.ઝઘડિયા) તેમજ તેમની સાથે આવેલા અન્ય આઠ જેટલા ઇસમ વિરુદ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

Most Popular

To Top