SURAT

ગર્ભમાં રહેલા ટ્વિન્સ સાથે માતાનું મોત, પરિજનોનો તબીબની બેદરકારીનો આક્ષેપ

સુરત: ગોડાદરામાં રહેતી સગર્ભા મહિલાનું ડિલીવરીના સમયે જ ગભરામણ થયા બાદ હોસ્પિટલમાં (Hospital) વધુ સારવાર મળે તે પહેલા મોત (Death) નીપજ્યું હતું. મહિલાની સાથે સાથે તેણીના ગર્ભમાં રહેલા બે ટ્વીન્સ બાળકોના પણ મોત નીપજ્યા હતા. પરિવાર (Family) દ્વારા ડોક્ટરી (Doctor) બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો હોવાની વિગતો સાંપડી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોડાદરાના ઈશ્વર ગામમાં રહેતા દિનેશ કુશવાના છ વર્ષ પહેલા રશ્મી નામની યુવતી સાથે લગ્ન થયા હતા. તેઓને ગર્ભ રહેતો ન હોવાથી તેઓએ ઉધનામાં આવેલી બ્લિસ આવીઇએફ સેન્ટરમાં સારવાર લઇ રહ્યા હતા, આ સારવાર થકી તેઓને ગર્ભ રહ્યો હતો અને હાલમાં રશ્મીબેનને 9મો મહિનો ચાલી રહ્યો હતો. હાલમાં તેઓને ડિલીવરીનો સમય જ હતો ત્યારે રાત્રીના તેણીની તબિયત ખરાબ થઇ હતી, વહેલી સવારે છ વાગ્યાના અરસામાં રશ્મીબેનને હોસ્પિટલ લાવવામાં આવી હતી, અહીંથી વધુ સારવાર માટે ઉધના દરવાજાની એપલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

અહીં બ્લિસ આવીએફ સેન્ટરના ડો. પંકજ ચકલાસીયા પણ આવી પહોંચ્યા હતા. રશ્મીબેનને વધુ સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત નીપજ્યું હતું. તપાસ દરમિયાન રશ્મીબેનના ગર્ભમાં રહેલા ટ્વીન્સબાળકોના પણ મોત નીપજ્યા હતા. બનાવ અંગે ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. સાથે સાથે મહિલાને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવી હતી. નવી સિવિલના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે મહિલાને ગભરામણ થયા બાદ તેઓનું હૃદય કામ કરતુ બંધ થયુ હતું અને તેના કારણે મોત નીપજ્યું હોવાની શક્યતા છે.

લગ્નનાં 6 વર્ષ બાદ સંતાન સુખ પ્રાપ્ત થયું હતું
મૃતક રશ્મીનાં લગ્નને 6 વર્ષ વીતી ગયા હતા. છતાં તેઓને સંતાન સુખ પ્રાપ્ત થયું હતું. જેથી મહિલાએ IVF ટ્રીટમેન્ટ કરાવતા મહિલાને સંતાન સુખ મળ્યું હતું. પરંતુ ડોક્ટરની બેદરકારીનાં મહિલાની સાથે સાથે તેઓનાં ગર્ભમાં રહેલા બે બાળકોનાં મોત થયા હતા. મહિલા અને બાળકોનાં મોતના પગલે પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે. તેઓએ પોલીસ ફરિયાદ કરી ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

દર્દી અમારી હોસ્પિટલમાં આવ્યા ત્યારે તેઓ બેભાન હતા : ડો. પંકજ ચકલાસીયા
બ્લિસ આવીઇએફ સેન્ટરના ડો. પંકજ ચકલાસીયાનો સંપર્ક કરવામાં આવતા તેઓએ કહ્યું કે, વહેલી સવારે છ વાગ્યે દર્દી અમારી હોસ્પિટલમાં આવ્યા હતા ત્યારે તેઓ બેભાન હાલતમાં જ હતા. અમારી હોસ્પિટલના ડો. પ્રિયાએ તેઓની સારવાર કરાવી હતી. રોડ ઉપરથી વ્હીલચેરમાં બેભાન હાલતમાં જ તેઓને પ્રાથમિક ટ્રીટમેન્ટ અપાઇ હતી, ત્યારબાદ વધુ સારવાર માટે સામેની એપલ હોસ્પિટલ લઇ જવાઇ હતી, જ્યાં હું પણ ગયો હતો. પરંતુ તેઓને વધુ સારવાર મળે તે પહેલા તેઓનું મોત નીપજ્યું હતું. દર્દીને રાત્રીના 2 વાગ્યાથી જ ગભરામણ થઇ હતી અને તેઓની તબિયતખરાબ થઇ હતી, તો પછી તેઓએ વહેલી સવારે છ વાગ્યા સુધી કેમ રાહ જોઇ. જો દર્દી રાત્રીના સમયે જ હોસ્પિટલ આવ્યા હોત તો કદાચ અમે તેમનો જીવ બચાવી શક્યા હોત. તેઓના મોતને લઇને અમે પણ દુ:ખ અનુભવીએ છીએ.

Most Popular

To Top