Columns

ફ્લેટ વેચવો છે

એક યુવાન અને તેની પત્ની નવું ઘર લેવા માટે ફ્લેટ જોતા હતા.ઘણા ફ્લેટ જોયા પણ કંઈ સરસ મળતું ન હતું.એક સરસ ટેરેસ ફ્લેટની છાપાંમાં જાહેરાત વાંચી, જાહેરાતમાં વર્ણન વાંચી લાગ્યું કે તેઓને આવું જ ઘર જોઈએ છે. તેઓ ફ્લેટ જોવા તે જ દિવસે પહોંચી ગયા. ફ્લેટમાં એક લગભગ ૮૦ કે ૮૨ વર્ષનાં બા હતાં અને તેમની એક નોકરાણી, બીજું કોઈ હતું નહિ. યુવાને કહ્યું, ‘‘અમે છાપાની જાહેરાત વાંચી ફ્લેટ જોવા આવ્યા છીએ.પણ જો કોઈ ઘરમાં ન હોય તો પછી આવીશું.’’ ત્યાં બા બોલ્યાં, ‘‘અરે આવો આવો, અહીં સુધી આવ્યા છો તો ફ્લેટ તો જોઈ લો.’’

યુવાન અને તેની પત્ની ચાલો સાવ ધક્કો ન થયો એમ વિચારી ફ્લેટમાં અંદર ગયા. ફ્લેટ બહુ જ સરસ, સાફ, સુઘડ હતો.ટેરેસ ગાર્ડન અને ઝૂલો પણ મનમોહક હતાં.યુવાન અને તેની પત્નીને ફ્લેટ ઘણો ગમી ગયો પણ મનમાં મૂંઝાતાં હતાં કે હવે ફ્લેટ માટે આ બા સાથે શું વાત કરીએ? યુવાને ધીમેથી કહ્યું, ‘‘બા, ફ્લેટ માટે કોની સાથે વાત કરવાની છે તે કહો અને ફોન નંબર આપો.’’ બા હસતાં હસતાં બોલ્યાં, ‘‘અરે બેટા, બેસ તો ખરો, ફ્લેટ માટે વાતો થતી રહેશે.

પહેલાં ચા નાસ્તો તો કરો.’’ આટલું કહીને બા એ પોતાની નોકરાણીને ચા બિસ્કીટ, બટાટાપૌંઆ વગેરે લાવવાનું કહ્યું.નોકરાણી ચા નાસ્તો લાવી અને ચા નાસ્તો કરતાં કરતાં બા ઘણી ઘણી વાતો કરવા લાગ્યાં. પોતાની જવાનીની વાતોથી લઈને યુવાન શું કામ કરે છે અને લવમેરેજ છે કે અરેંજ મેરેજ, બાળકો છે કે નહિ એવું ઘણું ઘણું પૂછ્યું…વાતો કરતાં કરતાં બે કલાક વીતી ગયા. યુવાન અને તેની પત્ની ઊઠ્યાં, બા એ ફરી મળવા આવજો કહ્યું અને બે બોક્સ ચોકલેટ ગીફ્ટમાં આપી.યુવાન અને તેની પત્નીને બા બહુ પ્રેમાળ લાગ્યાં અને ફ્લેટ પણ બહુ ગમી ગયો હતો.

તેમણે કહ્યું, ‘‘આવતી કાલે ફ્લેટ વિષે વાતચીત કરવા આવીએ?’’ બા એ કહ્યું, ‘‘ના ના, કાલે કોઈ નહીં મળે. હું ફોન કરીશ પછી આવજો.’’ યુવાને હા પાડી,પણ મનમાં ડર હતો કે કોઈ બીજું આટલા સરસ ફલેટનો સોદો કરી ન જાય.જતાં જતાં તેણે નીચે વોચમેનને કહ્યું, ‘‘આ ફ્લેટ અમે ખરીદવાનાં છીએ સોસાયટી કેવી છે, લોકો કેવા છે?’’ યુવાનની વાત સાંભળી ચોકીદાર હસવા લાગ્યો અને બોલ્યો, ‘‘બા એ બે ચોકલેટ બોક્સ આપ્યા?’’

યુવાને કહ્યું, ‘‘હા..’’ ચોકીદાર બોલ્યો, ‘‘બસ એમાં જ રાજી રહો …આ ફ્લેટ બા વેચવાનાં નથી પણ કોઈ ને કોઈ છાપામાં જાહેરાત આપે છે અને જે ફ્લેટ જોવા આવે તેમની સાથે લાંબી લાંબી વાતો કરી આનંદ મેળવે છે કારણ કે ત્રણે બાળકો વિદેશમાં છે. અહીં તેમનું કોઈ નથી. સાવ એકલાં છે!’’ યુવાન અને તેની પત્ની આ વાત સાંભળી ચોંકી ઊઠ્યાં.યુવાનને દુઃખ થયું. તે બા પાસે ફરી ગયો અને કહ્યું, ‘‘બા ફ્લેટ ન વેચો તો સારું, હું આજથી તમારો દીકરો છું. રોજ નહિ પણ દર અઠવાડીએ મળવા અને ચોકલેટ ખાવા આવીશ.’’ બા તેને ભેટી પડ્યાં. તમારી આજુબાજુ કોઈ એકલા વૃધ્ધજન રહેતાં હોય તો ચોક્કસ સમય કાઢી તેમને બે ઘડી મળવા જજો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top