ગાંધીનગર : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા જાહેર ક્ષેત્રની બેંકો સાથે થયેલી ₹119 કરોડથી વધુની છેતરપિંડીના બે અલગ-અલગ કેસોમાં અમદાવાદ અને મુંબઈ ખાતે સાત સ્થળોએ દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી 21 મે 2026ના રોજ મેસર્સ શ્રી હરિ એક્સ્ટ્રુઝન પ્રાઇવેટ લિમિટેડ અને મેસર્સ જય ફોર્મ્યુલેશન્સ લિમિટેડ સામે નોંધાયેલા કેસોના અનુસંધાને કરવામાં આવી હતી.
સીબીઆઈના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, મેસર્સ શ્રી હરિ એક્સ્ટ્રુઝન પ્રાઇવેટ લિમિટેડ કેસમાં મુંબઈ સ્થિત CBI અદાલતના સ્પેશિયલ જજ દ્વારા જારી કરાયેલા સર્ચ વોરંટના આધારે કંપનીના ડિરેક્ટરોના રહેણાંક સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહત્વપૂર્ણ અને વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં કંપનીએ પંજાબ નેશનલ બેંક પાસેથી મેળવેલી કેશ ક્રેડિટ અને ટર્મ લોનની સુવિધાઓમાં રૂ. 61.98 કરોડની છેતરપિંડી આચરવાનો આરોપ છે.
તપાસ એજન્સીના પ્રાથમિક તારણ અનુસાર, લોનની રકમનો ગેરઉપયોગ કરવા માટે આરોપીઓએ વિવિધ છેતરપિંડીપૂર્ણ પદ્ધતિઓ અપનાવી હતી. જેમાં બિનસુરક્ષિત લોન આપવી, સંબંધિત કંપનીઓ સાથે શંકાસ્પદ વ્યવહારો કરવાં, વેચાણની આવક ધિરાણકર્તા બેંક મારફતે ન ચલાવવી તેમજ સંબંધિત પક્ષોને ગેરરીતિપૂર્વક ચુકવણીઓ કરવી જેવી બાબતોનો સમાવેશ થાય છે.
બીજા કેસમાં મેસર્સ જય ફોર્મ્યુલેશન્સ લિમિટેડ સામે અમદાવાદની સ્પે. કોર્ટ દ્વારા જારી કરાયેલા સર્ચ વોરંટના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. કંપની પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે રૂ. 57.05 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. તપાસ મુજબ, કંપનીએ ખોટા હિસાબી ચોપડાઓ રજૂ કરીને ફંડ આધારિત અને બિન-ફંડ આધારિત ક્રેડિટ સુવિધાઓ મેળવી હતી અને ત્યારબાદ લોનની રકમને અન્યત્ર ડાયવર્ટ કરી હતી.સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે બંને કેસોમાં જાહેર ક્ષેત્રની બેંકોને કુલ રૂ. 119.03 કરોડનું ગેરકાયદેસર નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. હાલ જપ્ત કરાયેલા દસ્તાવેજોના આધારે વધુ તપાસ ચાલી રહી છે.