ગાંધીનગર
કચ્છને દેશની રાજધાની નવી દિલ્હી સાથે સીધી રેલ સેવા દ્વારા જોડતી ભુજ-દિલ્હી નવી એક્સપ્રેસ ટ્રેનનો આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રીઅશ્વિની વૈષ્ણવ રાજસ્થાનના પાલીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કાર્યક્રમમાં જોડાયા હતા.
મુખ્યમંત્રીએ કચ્છને નવી દિલ્હી સાથે સીધી રેલ સેવાની ભેટ આપવા બદલ પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલવે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભારતીય રેલવે દેશના પરિવહન વ્યવસ્થાની મહત્વપૂર્ણ કડી છે અને પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા બાર વર્ષ દરમિયાન રેલવે ક્ષેત્રમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. મુખ્યમંત્રીએ દેશની પ્રથમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિશેષ ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ગુજરાતે આધુનિક રેલવે ક્રાંતિમાં દેશને માર્ગદર્શન આપ્યું છે. આ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનો સૌથી મોટો 348 કિલોમીટરનો હિસ્સો ગુજરાતમાં નિર્માણાધીન છે.
તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2014 પછી ગુજરાતમાં 2900 કિલોમીટર નવા રેલવે ટ્રેકનું નિર્માણ થયું છે, જ્યારે રાજ્યમાં હાલ રૂ. 1.28 લાખ કરોડના વિવિધ રેલવે પ્રોજેક્ટ કાર્યરત છે. ઉપરાંત વર્ષ 2026-27ના રેલવે બજેટમાં ગુજરાતને રૂ. 17,366 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે 2014ની સરખામણીએ 29 ટકા વધુ છે.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે પીએમ મોદીએ ગુજરાતને પાંચ વંન્દે બારત એકસપ્રેસ ટ્રેનો, એક અમૃત ભારત અને એક નમો ભારત ટ્રેનની ભેટ આપી છે, સાથે જ સ્ટેટ્યુ ઓફ સુધી યાત્રિકો સરળતાથી પહોંચી શકે તે માટે એકતા નગરને ઉત્તમ રેલવે કનેક્ટિવિટી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વડાપ્રધાનના નેતૃત્વ અને રેલવે મંત્રીના માર્ગદર્શન હેઠળ આ અમૃતકાળ દરમિયાન ભારતીય રેલવે વધુ આધુનિક, ઝડપી અને વિશ્વસ્તરીય બનશે તથા “વિકસિત ભારત”ના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.ભુજ-દિલ્હી સીધી ટ્રેન સેવા શરૂ થતાં કચ્છના મુસાફરો, વેપારીઓ અને પ્રવાસન ક્ષેત્રને વિશેષ લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.