Anand

આણંદમાં 44 ડિગ્રી સાથે ચાલુ સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો

આણંદ કૃષિ યુનિવર્સિટીની વેધશાળામાં રેકોર્ડબ્રેક તાપમાન નોંધાતા જનજીવન પ્રભાવિત
આણંદ:
આણંદ શહેરમાં ઉનાળાએ હવે આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે. શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા ચાલુ સિઝનનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધાયો છે. આકાશમાંથી વરસતી અગનજ્વાળાઓ અને લૂના કારણે જનજીવન ભારે પ્રભાવિત બન્યું છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના એગ્રો-મેટ્રોલોજીકલ ઓબ્ઝર્વેટરી વિભાગ દ્વારા જાહેર કરાયેલા છેલ્લા 24 કલાકના હવામાન આંકડા મુજબ જિલ્લામાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. આજે મહત્તમ તાપમાન 44.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ વર્ષની ઉનાળાની સિઝનનું સર્વોચ્ચ તાપમાન માનવામાં આવી રહ્યું છે.
દિવસ દરમિયાન જ નહીં પરંતુ રાત્રિના તાપમાનમાં પણ વધારો નોંધાયો હતો. શહેરમાં લઘુત્તમ તાપમાન 30.0 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા લોકો રાત્રે પણ ગરમીથી અકળાઈ ઉઠ્યા હતા.
વેધશાળાના રિપોર્ટ અનુસાર, દિવસ દરમિયાન 11.1 કલાક સુધી તેજસ્વી સૂર્યપ્રકાશ રહ્યો હતો. બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા અને લોકો ગરમીથી બચવા ઘરોમાં જ રહેવાનું પસંદ કરતા હતા. પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાંથી 4.6 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનોએ પણ ગરમીમાં વધારો કર્યો હતો.
સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ 53 ટકા નોંધાતા ગરમી સાથે બફારાનો અનુભવ પણ વધ્યો હતો. ગરમી અને ભેજના સંયુક્ત પ્રભાવને કારણે લોકો ભારે ત્રસ્ત બન્યા હતા.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ તાપમાન ઊંચું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, માથું ઢાંકી રાખવા અને પૂરતા પ્રમાણમાં પાણી તથા પ્રવાહી પદાર્થો લેવાની અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top