Kamvat

કેલદરા ગામે આકસ્મિક આગથી ઉભો પાક અને ઘાસચારો બળીને ખાખ

200 કિલો બાટુ અને સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતી 300 ફૂટ પાણીની પાઇપલાઇન સંપૂર્ણ બળીને ખાખ થઈ

કવાંટ: કવાંટ તાલુકામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કવાંટ તાલુકાના કેલદરા ગામે આકસ્મિક આગ લાગતા ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
મળતી માહિતી મુજબ, કેલદરા ગામના ડામરી ફળિયામાં રહેતા રાઠવા નારુભાઈ નથુભાઈના ખેતર સર્વે નંબર 166માં ભાગે ખેતી કરતા ઈસુભાઈ કરપાભાઈ રાઠવાના ખેતરમાં આજે બપોરે અંદાજે 1 વાગ્યાના સમયે કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ લાગી હતી.
આગ લાગતા જોતજોતામાં ખેતરમાં ઉભેલો પાક, ઘાસચારો તેમજ અંદાજે 200 કિલો બાટુ અને સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતી 300 ફૂટ પાણીની પાઇપલાઇન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. આગના કારણે ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
ઘટના અંગે ખેડૂત દ્વારા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તલાટી કમ મંત્રી દ્વારા આગમાં થયેલા નુકસાનની વિગતો તાલુકા પંચાયત કચેરી, કવાંટ ખાતે મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે હાલ કવાંટ તાલુકામાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચતા ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, જેના કારણે આગની ઘટનાઓમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિપોર્ટર : પંચાલ ભાવેશ, કવાંટ

Most Popular

To Top