આસામમાં ભાજપ સરકારના ભવ્ય શપથ ગ્રહણ સમારોહ માટે તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. 12 મે, 2026ના રોજ હિમંત બિસ્વા શર્મા સતત બીજી વખત આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગુવાહાટીના ખાનપરા સ્થિત વેટરનરી કોલેજ ફિલ્ડ ખાતે યોજાનાર આ સમારોહને લઈને રાજ્યભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ આ કાર્યક્રમને પશ્ચિમ બંગાળના તાજેતરના ભવ્ય શપથ ગ્રહણ સમારોહ જેટલો જ ઐતિહાસિક અને વિશાળ બનાવવા માંગે છે. શપથ ગ્રહણ સમારોહ સવારે 11:40 વાગ્યે શરૂ થશે, જ્યાં રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય હિમંત બિસ્વા શર્માને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવશે. કાર્યક્રમ માટે વિશાળ મંચ, સુરક્ષા વ્યવસ્થા અને મહેમાનોના સ્વાગતની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય આકર્ષણ રહેશે. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન તેમજ NDA શાસિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ હાજરી આપશે. આ ઉપરાંત અનેક કેન્દ્રીય મંત્રીઓ, ઉદ્યોગ જગતના અગ્રણી લોકો અને આસામના ધાર્મિક આગેવાનો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
હિમંત બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી આજે રાત્રે જ ગુવાહાટી પહોંચી જશે. તેમણે વધુમાં કહ્યું કે આસામના ધાર્મિક નેતાઓ, જેમને સત્રાધિકાર તરીકે ઓળખવામાં આવે છે, તેઓ નવી સરકારને આશીર્વાદ આપવા માટે ખાસ હાજરી આપશે. ભાજપના બૂથ સ્તરના કાર્યકરોથી લઈને વરિષ્ઠ નેતાઓ સુધી હજારો લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે. મંત્રીમંડળ અંગે હજી સુધી સસ્પેન્સ યથાવત છે. હિમંત બિસ્વા શર્માએ સ્પષ્ટ કર્યું છે કે મંત્રીઓની અંતિમ યાદી હજુ નક્કી થઈ નથી અને આ અંગેનો નિર્ણય આજે મોડી રાત્રે લેવામાં આવશે. તેમણે કહ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સાથે ચર્ચા કર્યા બાદ નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
હિમંતાએ સંકેત આપ્યા છે કે નવા મંત્રીમંડળમાં આશરે 18થી 19 મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે. જોકે, નવા ચહેરાઓને તક આપવામાં આવશે કે અનુભવી મંત્રીઓને જાળવી રાખવામાં આવશે તે અંગે અંતિમ નિર્ણય હાઈકમાન્ડના માર્ગદર્શન બાદ જ લેવામાં આવશે. તેમણે કહ્યું કે આસામની જનતાએ NDAને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે અને નવી સરકાર હવે રાજ્યના વિકાસ, સુશાસન અને કલ્યાણ માટે જવાબદારીપૂર્વક કામ કરશે. આગામી પાંચ વર્ષ માટે રાજ્યના વિકાસને વધુ ગતિ આપવાનો સંકલ્પ પણ તેમણે વ્યક્ત કર્યો.