Gujarat

 વિરાસત અને વિકાસના સંગમતીર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું

ગાંધીનગર

સોમનાથ મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે ઉજવાઈ રહેલા ‘સોમનાથ અમૃત પર્વ’ અંતર્ગત મંદિર પરિસરમાં ભવ્ય ઐતિહાસિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર આ પ્રદર્શન સોમનાથ મંદિરની પૌરાણિક કાળથી લઈને આધુનિક પુનઃસ્થાપના સુધીની ગૌરવગાથાને જીવંત બનાવશે.પ્રદર્શનમાં વિશાળ એલઈડી સ્ક્રીન અને ટેલિવિઝન પર સ્લાઈડ શોના માધ્યમથી સોમનાથ મંદિરનો ઇતિહાસ, તેનું પૌરાણિક મહત્વ અને વિવિધ યુગોમાં થયેલા પુનઃનિર્માણની માહિતી ફોટોગ્રાફ્સ સાથે રજૂ કરવામાં આવશે. શિવ મહાપુરાણમાં વર્ણવાયેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની યાત્રા સતયુગથી આજ સુધી કેવી રીતે અખંડ રહી છે તે દર્શાવવામાં આવશે.

આ ઉપરાંત વિદેશી આક્રમણો બાદ સોમનાથના સંરક્ષણ અને પુનઃનિર્માણમાં યોગદાન આપનાર વીર હમિરાજી, કાન્હાદેવ, રાજાભોજ અને ભીમદેવ સોલંકી જેવા ઐતિહાસિક પાત્રોની ભૂમિકા પણ પ્રદર્શનમાં રજૂ થશે.સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારમાં સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પ, મંદિર પુનઃસ્થાપનાના દસ્તાવેજો અને અલભ્ય તસવીરો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ તટ પરથી આપેલો “વિકસિત ભારતના નિર્માણના મૂળમાં આપણી આધ્યાત્મિક શક્તિ સર્વશક્તિમાન છે” એવો સંદેશ પણ ખાસ રીતે પ્રદર્શિત કરવામાં આવશે.આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતું પ્રદર્શન આગામી દિવસોમાં ભાવિકો અને પ્રવાસીઓ માટે પણ ખુલ્લું રહેશે.

અરબી સમુદ્રના કિનારે સ્થિત સોમનાથ મંદિર આજે ભારતની અવિનાશી આસ્થા, સાંસ્કૃતિક ગૌરવ અને અડગ સંકલ્પનું જીવંત પ્રતિક બની ઊભું છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાતા સોમનાથ મંદિર પર સદીઓ દરમિયાન અનેક આક્રમણો થયા છતાં દરેક વખત બાદ તેનું પુનઃનિર્માણ થતું રહ્યું છે.
ઇતિહાસ મુજબ 1026માં સોમનાથ પર પ્રથમ મોટો હુમલો થયો હતો. બાદમાં રાજા કુમારપાળ, જૂનાગઢના શાસકો અને લોકમાતા અહિલ્યાબાઈ હોળકરે મંદિરના પુનરુત્થાનમાં યોગદાન આપ્યું હતું. આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલે 1947માં મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ લીધો હતો અને 11 મે 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.આ વર્ષે મંદિરના પુનઃઉદઘાટનની 75મી વર્ષગાંઠ નિમિત્તે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે, તેઓ આવતીકાલે 11 મેના રોજ મંદિરની મુલાકાત લેશે. તેમણે સોમનાથને “ભારતની અજેય ભાવના”નું પ્રતિક ગણાવ્યું છે.150 ફૂટ ઊંચું શિખર, 10 ટનનો કળશ અને ભવ્ય ધ્વજદંડ ધરાવતું સોમનાથ મંદિર દર વર્ષે લાખો ભક્તોને આકર્ષે છે. મંદિર માત્ર ધાર્મિક કેન્દ્ર નહીં પરંતુ શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ સંરક્ષણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ અગત્યનું યોગદાન આપી રહ્યું છે.

Most Popular

To Top