વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો અને સૌથી મહત્વપૂર્ણ દિવસ રહ્યો હતો. જામનગરની મુલાકાત બાદ તેઓ આજે ભગવાન સોમનાથના દર્શન માટે પહોંચ્યા હતા. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા ‘સોમનાથ અમૃતપર્વ-2026’ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ વિશેષ હાજરી આપી હતી. સોમનાથ પહોંચતા જ ભક્તિમય માહોલ સર્જાયો હતો. શહેરમાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનનું સ્વાગત કરવા ઉમટી પડ્યા હતા. હેલિપેડથી મંદિર સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો. રોડ શો દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં વાયુસેનાના ‘સૂર્યકિરણ’ એર શોએ પણ ખાસ આકર્ષણ જમાવ્યું હતું.
વડાપ્રધાન મોદી સવારે લગભગ 10 વાગ્યે સોમનાથ મંદિર પહોંચ્યા હતા. અહીં તેમણે પહેલા હોમાત્મક અતિરુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિમાં ભાગ લીધો હતો. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાનના હસ્તે યજ્ઞમાં બીડું હોમવામાં આવ્યું હતું. ત્યારબાદ સોમનાથ મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક કરવામાં આવ્યો હતો. આ વિશેષ ધાર્મિક વિધિ વડાપ્રધાન મોદીના હસ્તે સંપન્ન થઈ હતી. કુંભાભિષેક બાદ મંદિર પર ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસર ભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાથી ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન મોદીએ બાદમાં ભગવાન સોમનાથ મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. તેમણે શિવલિંગ પર જળ અર્પણ કરીને દેશની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે થયેલી આ પૂજાએ સમગ્ર વાતાવરણને વધુ ભક્તિમય બનાવી દીધું હતું. સોમનાથ મંદિર ખાતે વડાપ્રધાન મોદીએ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. નોંધનીય છે કે સ્વતંત્રતા બાદ સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં સરદાર પટેલની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.સોમનાથમાં યોજાયેલા સ્વાભિમાન પર્વ કાર્યક્રમમાં મોટી જનમેદની ઉમટી પડી હતી. અહીં વડાપ્રધાને લોકોને સંબોધિત કરતા વિકાસ અને સાંસ્કૃતિક વારસાની જાળવણી પર ભાર મૂક્યો હતો. તેમણે સોમનાથને દેશની આસ્થા અને ગૌરવનું પ્રતિક ગણાવ્યું હતું.
કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી સોમનાથ સર્કિટ હાઉસ ખાતે થોડો વિરામ લેશે અને ત્યારબાદ વડોદરા જવા માટે રવાના થયા હતા. વડોદરામાં પણ વડાપ્રધાનના આગમનને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં ભાજપને મળેલી મોટી જીત બાદ વડાપ્રધાન પ્રથમવાર ગુજરાત આવ્યા હોવાથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વડોદરામાં તેમના સ્વાગત માટે ખાસ બંગાળ થીમ તૈયાર કરવામાં આવી હતી. અહીં વડાપ્રધાન સરદારધામ-3નું લોકાર્પણ કરશે અને વિશાળ જનસભાને સંબોધિત કરશે. તેમના સમગ્ર પ્રવાસ દરમિયાન સુરક્ષા માટે પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સોમનાથમાં થયેલા કુંભાભિષેક, ધ્વજારોહણ અને વિશેષ પૂજાના કાર્યક્રમોએ સમગ્ર ગુજરાતમાં ભક્તિ અને ગૌરવનો માહોલ સર્જ્યો હતો. મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના આ ઐતિહાસિક અવસરને લઈને ભક્તોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.