કેરળમાં કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)ને વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મળ્યા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે રાજ્યનો આગામી મુખ્યમંત્રી કોણ બનશે? ચૂંટણી પરિણામોને અનેક દિવસો વીતી ગયા હોવા છતાં કોંગ્રેસ હાઈકમાન્ડ હજુ સુધી મુખ્યમંત્રી પદ માટે અંતિમ નિર્ણય લઈ શક્યું નથી. પરિણામે રાજ્યની રાજનીતિમાં ભારે ઉત્સુકતા અને આંતરિક લોબિંગ તેજ બન્યું છે.
મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી પદની રેસમાં ત્રણ મોટા નામ સૌથી આગળ ચાલી રહ્યા છે. તેમાં V. D. Satheesan, Ramesh Chennithala અને K. C. Venugopalનો સમાવેશ થાય છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યો વચ્ચે આ ત્રણેય નેતાઓને લઈને અલગ-અલગ મતભેદો સામે આવી રહ્યા છે.જો કે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ Mallikarjun Khargeના નિવાસસ્થાને તાજેતરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં Rahul Gandhi સહિત અનેક ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન કેરળમાં સરકાર રચના અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. જોકે લાંબી ચર્ચા બાદ પણ કોઈ અંતિમ નામ જાહેર કરવામાં આવ્યું નહોતું.
સૂત્રોના જણાવ્યા મુજબ, વી.ડી. સતીશને મુખ્યમંત્રી પદ માટે પોતાનો દાવો મજબૂત રીતે રજૂ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે ૨૦૨૧ની હાર બાદ છેલ્લા બે વર્ષથી તેમણે કેરળમાં કોંગ્રેસને ફરી મજબૂત બનાવવા માટે સતત મહેનત કરી છે અને વિધાનસભામાં સરકાર સામે આક્રમક ભૂમિકા ભજવી હતી.જયારે બીજી તરફ, કે.સી. વેણુગોપાલને હાઈકમાન્ડનો મજબૂત સમર્થન મળતું હોવાનું કહેવાઈ રહ્યું છે. કોંગ્રેસના ઘણા સાંસદો, ધારાસભ્યો અને સંગઠનના નેતાઓ વેણુગોપાલના પક્ષમાં હોવાનું સૂત્રો જણાવે છે. વેણુગોપાલ હાલમાં કોંગ્રેસ સંગઠનમાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે અને તેઓ રાહુલ ગાંધીના નજીકના નેતા માનવામાં આવે છે.
રમેશ ચેન્નીથલાનું નામ પણ ચર્ચામાં છે. પાર્ટીના કેટલાક નેતાઓ માને છે કે ચેન્નીથલાને લાંબો વહીવટી અનુભવ છે અને વિવિધ સમાજ જૂથો સાથે તેમના સારા સંબંધો છે, જે સરકાર માટે લાભદાયક બની શકે છે. જોકે કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે તેમને સ્પીકર પદની ઓફર થઈ શકે છે. તેમજ કોંગ્રેસ હાઈકમાન્ડે કેરળના નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે ચર્ચા કરવા માટે મુકુલ વસનિક અને અજય માકેનને નિરીક્ષક તરીકે મોકલ્યા હતા. ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી પસંદગીનો નિર્ણય હાઈકમાન્ડ પર છોડતો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન કોંગ્રેસના આંતરિક જૂથોમાં જાહેર લોબિંગ અને બેનર-પોસ્ટર અભિયાન પણ શરૂ થઈ ગયા હતા. જેના કારણે પાર્ટી હાઈકમાન્ડે નેતાઓને જાહેર દબાણ ન બનાવવાની સૂચના આપી હતી. પાર્ટીનું માનવું છે કે ઉતાવળનો નિર્ણય ભવિષ્યમાં આંતરિક અસંતોષ ઊભો કરી શકે છે. કેરળમાં કોંગ્રેસની જીત બાદ હવે સૌની નજર માત્ર એક જ સવાલ પર ટકેલી છે ,આખરે રાજ્યની કમાન કોના હાથમાં જશે? કોંગ્રેસ હાઈકમાન્ડ આગામી થોડા દિવસોમાં અંતિમ નિર્ણય જાહેર કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.